Saturday, May 4, 2024
More
    હોમપેજદેશમધદરિયે 35 સોમાલી ચાંચિયાઓએ કર્યું સરેન્ડર: ઇન્ડિયન નેવીના માર્કોસ કમાન્ડોનું સફળ ઓપરેશન,...

    મધદરિયે 35 સોમાલી ચાંચિયાઓએ કર્યું સરેન્ડર: ઇન્ડિયન નેવીના માર્કોસ કમાન્ડોનું સફળ ઓપરેશન, 3 મહિના પહેલાં લૂંટારાઓએ કોમર્શિયલ જહાજ કર્યું હતું હાઈજેક

    ઇન્ડિયન નેવીના પ્રવક્તા કમાન્ડર વિવેક મેઘવાલે જણાવ્યું કે, "છેલ્લા 40 કલાકમાં INS કોલકાતાએ જોરદાર ઓપરેશન દ્વારા તમામ 35 ચાંચિયાઓને સફળતાપૂર્વક ઘેરી લીધા અને તેમને આત્મસમર્પણ કરવા માટે મજબૂર કર્યા. આ સાથે જ માર્કોસ કમાન્ડોએ તે જહાજમાંથી 17 ક્રૂ મેમ્બરોને કોઈપણ ઈજા વગર સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા."

    - Advertisement -

    ઇન્ડિયન નેવીના માર્કોસ કમાન્ડોનું એક ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું છે. નૌસેનાએ માર્કોસ કમાન્ડોને મધદરિયે ઉતારીને 35 સોમાલી ચાંચિયાઓને સરેન્ડર કરવા માટે મજબૂર કર્યા છે. એટલું જ નહીં, પરંતુ ઇન્ડિયન નેવીએ કોમર્શિયલ જહાજ પરથી 17 ક્રૂ મેમ્બરોને પણ સફળતા પૂર્વક બચાવી લીધા છે. સોમાલી ચાંચિયાઓએ ગત વર્ષના ડિસેમબર મહિનામાં આ કોમર્શિયલ જહાજને હાઈજેક કરી લીધું હતું. જે બાદ ઇન્ડિયન નેવીએ આખું ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન અંતર્ગત 35 ચાંચિયાઓએ નેવી સામે આત્મસમર્પણ કરી દીધું છે.

    સમુદ્રી ચાંચિયાઓ વિરુદ્ધના ઇન્ડિયન નેવીના એક ઓપરેશનને સફળતા મળી ગઈ છે. ભારતીય સમુદ્ર તટથી લગભગ 1,400 સમુદ્રી મિલ દૂર એક કોમર્શિયલ જહાજ પર સવાર 35 સોમાલી ચાંચિયાઓએ ઇન્ડિયન નેવીના માર્કોસ કમાન્ડો સામે સરેન્ડર કરી દીધું છે. આ સાથે જ 17 ક્રૂ મેમ્બરોને ભારતીય નૌસેનાએ સફળતાપૂર્વક બચાવી લીધા છે. અધિકારીઓએ આ વિશે જણાવ્યું છે કે, મજબૂત પ્લાનિંગ સાથે ઇન્ડિયન નેવી મેદાને ઉતરી હતી અને આખું ઓપરેશન પાર પાડ્યું હતું.

    કોમર્શિયલ જહાજ પર ઉતાર્યા માર્કોસ કમાન્ડો

    સોમાલી ચાંચિયાઓ વિરુદ્ધના આ ઓપરેશનમાં નૌકાદળે તેના P-81 મેરિટાઈન પેટ્રોલ એરક્રાફ્ટ, ફ્રંટલાઈન વોર જહાજો INS કોલકાતા અને INS સુભદ્રાને તૈનાત કર્યા હતા. આ સાથે જ માનવરહિત એરક્રાફ્ટ વડે તમામ નિરીક્ષણ પણ કર્યું હતું. આ પછી, માર્કોસ કમાન્ડોને ઓપરેશન માટે C-17 એરક્રાફ્ટથી કોમર્શિયલ જહાજ પર ઉતારવામાં આવ્યા હતા. જે બાદ સોમાલી ચાંચિયાઓએ સરેન્ડર થવા માટે મજબૂર થવું પડ્યું હતું.

    - Advertisement -
    ઇન્ડિયન નેવીએ જહાજ પર ઉતાર્યા માર્કોસ કમાન્ડો (ફોટો: Bhaskar)

    ઇન્ડિયન નેવીના પ્રવક્તા કમાન્ડર વિવેક મેઘવાલે જણાવ્યું કે, “છેલ્લા 40 કલાકમાં INS કોલકાતાએ જોરદાર ઓપરેશન દ્વારા તમામ 35 ચાંચિયાઓને સફળતાપૂર્વક ઘેરી લીધા અને તેમને આત્મસમર્પણ કરવા માટે મજબૂર કર્યા. આ સાથે જ માર્કોસ કમાન્ડોએ તે જહાજમાંથી 17 ક્રૂ મેમ્બરોને કોઈપણ ઈજા વગર સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.” સાથે ઇન્ડિયન નેવીએ પણ જણાવ્યું કે, સોમાલિયાના પૂર્વ કિનારે આવેલા સમુદ્ર જહાજોને હાઈજેક કરવાના સોમાલી ચાંચિયાઓના એક જુથના પ્રયાસોને નિષ્ફળ બનાવવાના આવ્યા છે.

    આ ઉપરાંત નેવીએ કહ્યું કે, નૌકાદળે તેમના જહાજને આગળ વધતાં અટકાવ્યું હતું. સશસ્ત્ર ચાંચિયાઓએ રુએન નામના માલવાહક જહાજ પર સવારી કરી હતી. જેને લગભગ ત્રણ મહિના પહેલાં હાઈજેક કરવામાં આવ્યું હતું.

    14 ડિસેમ્બરે ચાંચિયાઓએ હાઈજેક કર્યું હતું જહાજ

    નોંધનીય છે કે, MV રુએન નામના જહાજને સોમાલી ચાંચિયાઓએ ગયા વર્ષે 14 ડિસેમ્બરે હાઈજેક કર્યું હતું. જે બાદ નૌકાદળને ખબર પડી કે, હાઈજેક કરાયેલા જહાજ દ્વારા જ સોમાલી ચાંચિયાઓ દરિયામાં ચાંચિયાગીરી કરી રહ્યા છે. ત્યારબાદ નેવીએ ઓપરેશન હાથ ધર્યું હતું અને માર્કોસ કમાન્ડોને મધદરિયે જહાજ પર ઉતારી દેવામાં આવ્યા હતા. જે બાદ ચાંચિયાઓએ પણ કમાન્ડો પર હુમલા કર્યા હતા, પરંતુ નેવીના સૈનિકોએ તે તમામ હુમલા નિષ્ક્રિય કર્યા અને આખરે ચાંચિયાઓને સરેન્ડર થવા માટે મજબૂર થવું પડ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન નેવી છેલ્લા ઘણા સમયથી ભારતની સમુદ્રી શક્તિમાં વધારો કરી રહી છે. આ સાથે જ નેવી વિશ્વના અનેક કોમર્શિયલ જહાજોને પણ સમુદ્રમાં રક્ષણ આપી રહી છે. આ પહેલાં પણ અનેક દેશોના કોમર્શિયલ જહાજોને ઇન્ડિયન નેવીએ સોમાલી ચાંચિયાઓથી છોડાવ્યા છે. આ પહેલાં જ ભારતીય નૌકાદળે ઈરાની જહાજને સોમાલી ચાંચિયાથી બચાવ્યું હતું અને જહાજ પર સવાર 19 પાકિસ્તાની નાગરિકોને પણ સફળતાપૂર્વક બચાવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં