ગુજરાતની ડેરી પ્રોડક્ટ અને ખાદ્યપદાર્થો બનાવતી જાયન્ટ કંપની અમૂલ (Amul) ભારતભરમાં પહેલેથી જ પોતાનું વર્ચસ્વ ધરાવે છે. હવે દુનિયાએ પણ અમૂલના શાસનને સ્વીકારી લીધું છે. એક રિપોર્ટ અનુસાર અમૂલ હવે વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ બની ગઈ છે. બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા એક રિપોર્ટમાં તેને AAA+ રેટિંગ આપવામાં આવ્યું છે. કંપનીની બ્રાન્ડ વેલ્યુ પણ વધીને $3.3 બિલિયન થઈ ગઈ છે. કંપનીએ હર્શીઝને (Hershey’s) પાછળ છોડી દીધી છે, જે ગયા વર્ષે આ યાદીમાં પ્રથમ નંબર પર હતી.
બ્રાન્ડ ફાઇનાન્સ રિપોર્ટમાં, અમૂલને હર્શીઝની સાથે AAA+ રેટિંગ આપવામાં આવ્યું છે. પરંતુ હર્શીઝની બ્રાન્ડ વેલ્યુ 0.5 ટકા ઘટીને $3.9 બિલિયન થઈ ગઈ છે. તેથી તેને આ વર્ષની યાદીમાં બીજા સ્થાનેથી સંતોષ માનવો પડ્યો હતો. આ બાબતે કંપનીએ પોતાના ઓફિસિયલ X એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને વધુ માહિતી આપી હતી.
We are pleased to inform
— Amul.coop (@Amul_Coop) August 21, 2024
Amul is ranked as the strongest food brand and strongest dairy brand in the world as per Food & Drink 2024, the annual report on the most valuable and strongest food, dairy & non-alcoholic drinks brands by @BrandFinance, world's leading brand consultancy pic.twitter.com/C67ja6bll9
અમૂલનો ઈતિહાસ લગભગ 70 વર્ષ જૂનો છે. અમૂલ એ ભારતના ડેરી માર્કેટનો બિનવિવાદિત રાજા છે. ભારતના ઘર ઘરમાં અમૂલ એક જાણીતી અને સ્થાપિત બ્રાન્ડ છે. દૂધ બજારમાં તેનો હિસ્સો 75 ટકા, માખણ બજારમાં 85 ટકા અને ચીઝ માર્કેટમાં 66 ટકા છે.
બ્રાન્ડ ફાઇનાન્સના ગ્લોબલ ફૂડ એન્ડ ડ્રિંક્સ રિપોર્ટ 2024 અનુસાર, અમૂલ હવે વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ બની ગઈ છે. બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ પર તેનો સ્કોર 100માંથી 91 છે. આ ઉપરાંત, કંપનીને AAA+ રેટિંગ પણ મળ્યું છે. વર્ષ 2023ની સરખામણીમાં આ વર્ષે અમૂલની બ્રાન્ડ વેલ્યુ પણ 11 ટકા વધીને $3.3 બિલિયન થઈ ગઈ છે. જોકે, બ્રાન્ડ વેલ્યુને કંપનીના ટર્નઓવર સાથે કોઈ લેવાદેવા નથી. નાણાકીય વર્ષ 2022-23માં અમૂલનું વેચાણ 18.5 ટકા વધીને ₹72,000 કરોડ થયું છે.
નોંધનીય છે કે દુનિયાની સૌથી મજબૂર ફૂડ બ્રાન્ડ ઉપરાંત દુનિયાની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડનો ખિતાબ પણ અમૂલે પોતાની પાસે જ રાખ્યો છે.