ભારતીય મૂળના પ્રતિભાશાળી સોફ્ટવેર અને રોબોટિક એન્જિનિયર અમિત ક્ષત્રિય નાસાના ‘મૂન ટુ માર્સ’ કાર્યક્રમના પ્રથમ પ્રમુખ બન્યા છે. નાસાએ તાજેતરમાં જ આ કાર્યક્રમની શરૂઆત કરી છે અને એજન્સીના જણાવ્યા મુજબ અમિત ક્ષત્રિય તત્કાલીન અસરથી આ જવાબદારી સંભાળશે.
NASA ના આ નવા મિશનનો ઉદ્દેશ માનવતાની ભલાઈ માટે ચંદ્ર અને મંગળ ગ્રહને લઈને સંશોધન કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે.
મંગળ પર મનુષ્યને મોકલવામાં મદદ કરશે આ મિશન
નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને કહ્યું કે, આ મિશન મંગળ પર માનવતાની આગામી મોટી છલાંગની તૈયારી માટે જરૂરી કાર્યોને સફળતાપૂર્વક પૂરા કરવામાં મદદ કરશે. આ ઉપરાંત, મંગળ પર પહેલો મનુષ્ય મોકલવામાં પણ આ મિશન મહત્વનું સાબિત થશે.
અમિત ક્ષત્રિય નાસાના મૂન ટુ માર્સ પ્રોગ્રામ ઓફિસના વડા તરીકે હાર્ડવેર ડેવલપમેન્ટ અને રિસ્ક મેનેજમેન્ટ સંભાળશે. તો મિશનની યોજના બનાવવાથી લઈને તેના એનાલિસિસની જવાબદારી પણ ક્ષત્રિયના નેતૃત્વ હેઠળ રહેશે.
25 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે અમિત ક્ષત્રિય
અમિત ક્ષત્રિય એરોસ્પેસ ઉદ્યોગમાં 25 વર્ષનો અનુભવ ધરાવે છે અને હવે તેઓ તેમની કારકિર્દીનો સૌથી મોટો પડકાર ઝીલવાના છે. તેઓ 2003ની સાલથી નાસા સાથે જોડાયેલા છે. તેમણે નાસામાં સ્પેસ પ્રોગ્રામ ક્ષેત્રમાં પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. તેઓ અહીં સોફ્ટવેર અને રોબોટિક એન્જિનિયર તરીકે કાર્યરત હતા. તેમનું મુખ્ય કામ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના રોબોટિક એસેમ્બ્લ કરવાનું હતું.
2014 થી 2017 સુધી અમિત ક્ષત્રિયએ સ્પેસ સ્ટેશન ફ્લાઈટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય એસ્ટ્રોનોટ્સની ટીમના ઓપરેશન્સ તેમજ ફ્લાઈટ્સને સંચાલિત કરી. 2017થી 2021 સુધી અમિત ક્ષત્રિય નાસાના ISS વ્હીકલ ઓફિસના ડેપ્યુટી અને બાદમાં એક્ટિંગ મેનેજર બન્યા હતા. આ દરમિયાન તેમણે એન્જિનિયરીંગ, લોજિસ્ટિક્સ અને હાર્ડવેર પ્રોગ્રામ મેનેજમેન્ટને હેન્ડલ કર્યું. 2021માં તેમને નાસા હેડક્વાર્ટરના એક્સપ્લોરેશન સિસ્ટમ્સ ડેવલપમેન્ટ મિશન ડાયરેક્ટોરેટમાં અસિસ્ટન્ટ ડેપ્યુટી એસોસિએટ એડમિનિસ્ટ્રેટર બનાવવામાં આવ્યા.
અમિત ક્ષત્રિયને નાસાનો આઉટસ્ટેન્ડિંગ લીડરશિપ મેડલ મળ્યો છે
અમિત ક્ષત્રિયએ યુનિવર્સિટી ઓફ ટેક્સાસથી ગણિતમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. તેમને નાસાનો આઉટસ્ટેન્ડિંગ લીડરશિપ મેડલ પણ મળી ચૂક્યો છે. અમિતને સિલ્વર સ્નૂપી એવોર્ડ પણ મળ્યો છે. આ એવોર્ડ એસ્ટ્રોનોટ્સને સફળતાપૂર્વક સ્પેસ સ્ટેશન સુધી પહોંચાડીને પાછા સુરક્ષિત લઈ આવવા માટે મળે છે. આ ઉપરાંત, સિલ્વર સ્નૂપી એવોર્ડ કોમર્શિયલ ઓર્બિટલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસિઝ ડ્રેગનની રોબોટિક એન્જિનિયરીંગ માટે પણ મળે છે.