વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ડિજિટલ ઇન્ડિયા’ વિઝનના પરિણામે ભારતે ડિજિટલ ક્ષેત્રે હરણફાળ ભરી છે. UPI પેમેન્ટની સુવિધા આવતાં જ શાક માર્કેટથી લઈને શોપિંગ મોલ સુધી લેવડ-દેવડમાં સરળતા થઈ ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન ખૂબ જ ઝડપી વધ્યું છે અને એ મામલે ભારત ગ્લોબલ લીડર તરીકે ઉભરી આવ્યું છે. વર્ષ 2022માં 89.5 અબજ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ સાથે ભારત ટોચનો દેશ બન્યો છે.
ડિજિટલ ટ્રાન્ઝેક્શન મામલે ચીન, બ્રાઝિલ જેવા દેશોને પછાડ્યા
MyGovIndiaએ સોશિયલ મીડિયા પર ભારતની આ ઉપલબ્ધિ શેર કરી હતી. ડેટા અનુસાર, ભારત બાદ બ્રાઝિલ 29.2 અબજ ટ્રાન્ઝેક્શન્સ સાથે બીજા ક્રમે છે. એ પછી ચીન 17.6 અબજ ટ્રાન્ઝેક્શન્સ સાથે ત્રીજા નંબર પર છે. તો થાઈલેન્ડ 16.5 અબજ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ અને દક્ષિણ કોરિયા 8 અબજ ટ્રાન્ઝેક્શન્સ સાથે અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમાંકે છે.
MyGovIndiaના ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2022માં ગ્લોબલ રિયલ-ટાઈમ પેમેન્ટ્સમાં ભારતનો હિસ્સો 46 ટકા હતો. રસપ્રદ વાત એ છે કે, ભારતના ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સના આંકડા બાકીના ચાર ટોચના દેશોના સંયુક્ત આંકડા કરતાં પણ વધુ છે.
Hey, guess what! We ourselves couldn’t fathom the enormity of the number! It is not in millions, but BILLIONS!
— MyGovIndia (@mygovindia) June 10, 2023
India continues to dominate the digital payments space!#9YearsOfTechForGrowth #9YearsOfSeva @GoI_MeitY @AshwiniVaishnaw@Rajeev_GoI @alkesh12sharma @_DigitalIndia pic.twitter.com/XLItsRenSF
ઉલ્લેખનીય છે કે, દેશમાં ડિજિટલ પેમેન્ટની સંખ્યામાં થઈ રહેલો સતત વધારો એ ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા અર્થતંત્રમાં વૃદ્ધિ કરવાના સરકારના વિઝનનો ભાગ છે. ડિજિટલ પેમેન્ટ મામલે એક સમયે ચીન સૌથી આગળ પડતો દેશ હતો. પરંતુ આજે એ સ્થાન ભારતે મેળવી લીધું છે.
આ વર્ષની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “ભારત ડિજિટલ પેમેન્ટ્સમાં નંબર વન છે. ભારત એવા દેશોમાંથી એક છે જ્યાં મોબાઈલ ડેટા સૌથી સસ્તો છે. આજે દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થા બદલાઈ રહી છે.” MyGovIndia એ ભારત સરકારે લૉન્ચ કરેલું પ્લૅટફોર્મ છે જેના દ્વારા નાગરિકો દેશની સરકાર સાથે જોડાયેલા રહે છે. આ પ્લેટફોર્મ નાગરિકોને પોતાના આઈડિયા શેરિંગ અને પાયા સુધીના યોગદાન દ્વારા સુરાજ્ય તરફ કામ કરવાની તક આપે છે.
પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે એક સમયે ‘ડિજિટલ ઇન્ડિયા’ના વિઝનની ઉડાવી હતી મજાક
Here is that video. P Chidambaram is mocking digital payment system in RS. pic.twitter.com/dVkVczxHmm
— anil kohli 🇮🇳 (@anilkohli54) April 14, 2022
નોંધનીય છે કે, કોંગ્રેસ સરકાર વખતે નાણામંત્રી રહી ચૂકેલા પી. ચિદમ્બરમે એક સમયે ‘ડિજિટલ ઇન્ડિયા’ના વિઝનની મજાક ઉડાવી હતી. નોટબંધી અને ડિજિટલ ટ્રાન્ઝેકશન્સ પર સવાલ ઉઠાવતાં રાજ્યસભા સાંસદે એવી શંકા વ્યક્ત કરી હતી કે, શાકભાજી વેચનારા કે નાના વિક્રેતાઓ UPIનો ઉપયોગ કેવી રીતે કરી શકશે. ગામડાંમાં ઇન્ટરનેટ વગર આ બધું શક્ય ન બની શકે. જોકે, આજે ચિત્ર તેનાથી બિલકુલ વિપરિત દેખાય છે કારણકે, 89.5 અબજ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ સાથે ભારત અગ્રિમ દેશ બની ગયો છે.