અરુણાચલ પ્રદેશના તવાંગ (Twang,Arunachal Pradesh) માં ચીની સેના સાથેની અથડામણના એક દિવસ પછી ભારતે શક્તિશાળી અગ્નિ-5 ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (Agni-V ICBM)નું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલના રેંજમાં આખું ચીન આવી જશે. 5,500 કિમીની રેન્જ ધરાવતી આ મિસાઈલનું પ્રથમ વખત સંપૂર્ણ રેન્જ સાથે પરીક્ષણ કરવામાં આવ્યું છે.
ઓડિશાના અબ્દુલ કલામ આઝાદ દ્વીપ પરથી લોન્ચ કરવામાં આવેલ અગ્નિ-5 મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. 17.5 મીટર લાંબી આ મિસાઈલનું વજન 50,000 કિલોગ્રામ છે અને તેમાં 1,500 કિલોગ્રામ પરમાણુ હથિયાર લગાવી શકાય છે. તે તેના ટાર્ગેટને ધ્વનિ કરતા 24 ગણી ઝડપે માર કરવામાં સક્ષમ છે, આ મિસાઈલની ઝડપ સેકન્ડમાં 8.16 કિલોમીટર છે.
આ મિસાઈલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. મિસાઇલ ત્રણ તબક્કાના રોકેટ બૂસ્ટરનો ઉપયોગ કરે છે, જે ઘન ઇંધણ દ્વારા સંચાલિત થાય છે. અગ્નિ-5 મિસાઈલ 29,401 કિમી પ્રતિ કલાકની ઝડપે પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે.
આ મિસાઈલની સૌથી ખાસ વાત તેની MIRV (મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી-ટાર્ગેટેબલ રીએન્ટ્રી વ્હીકલ) ટેક્નોલોજી છે, જે તેને એકસાથે અનેક ટાર્ગેટને હિટ કરવામાં સક્ષમ બનાવે છે. મતલબ કે આ મિસાઈલ પર 10 જેટલા વોરહેડ્સ લગાવી શકાય છે અને તેનો ઉપયોગ વિવિધ રેન્જના લક્ષ્યોને નષ્ટ કરવા માટે કરી શકાય છે.
તે રીંગ લેસર ગાયરોસ્કોપ ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ, જીપીએસ, નેવીઆઈસી સેટેલાઇટ ગાઇડન્સ સિસ્ટમ જેવી અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે જેથી તે તેના લક્ષ્યને ચોકસાઈથી ફટકારી શકે. તેને મોબાઈલ લોન્ચ પેડ પરથી પણ લોન્ચ કરી શકાય છે. આ સાથે તેને ટ્રકમાં ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે.
આ મિસાઈલની રેન્જ ચીનની રાજધાની બેઈજિંગ અને મુખ્ય વેપારી શહેર શાંઘાઈ સહિત સમગ્ર ચીનને આવરી લે છે. એટલું જ નહીં સમગ્ર એશિયા અને યુરોપનો કેટલોક ભાગ આ મિસાઈલની રેન્જમાં આવશે. આ સાથે યુક્રેન, રશિયા, જાપાન, ઈન્ડોનેશિયા પર હુમલો થઈ શકે છે.
અગ્નિ-5 મિસાઈલની કલ્પના 2007માં વૈજ્ઞાનિક એમ. નટરાજન દ્વારા કરવામાં આવી હતી. આ પછી તેને નક્કર બનાવવાનો પ્રયાસ શરૂ થયો. અગ્નિ-5નું અત્યાર સુધીમાં 8 વખત સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. પ્રથમ ટેસ્ટ 19 એપ્રિલ 2012ના રોજ કરવામાં આવી હતી. તેનું છેલ્લું પરીક્ષણ 10 ડિસેમ્બર 2018ના રોજ થયું હતું. રક્ષા મંત્રાલયે તેને રૂટિન ટેસ્ટ ગણાવ્યો છે.
અગ્નિ-5 મિસાઈલને સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડમાં સામેલ કરવામાં આવી છે. પૃથ્વી, અગ્નિ અને ધનુષ, સાગરિકા વગેરે જેવી સમુદ્ર આધારિત મિસાઈલો સહિત મુખ્ય મિસાઈલો આ કમાન્ડ દ્વારા સંચાલિત થાય છે.
અગ્નિ-5 પછી ભારતીય વૈજ્ઞાનિકો અગ્નિ-6 વિકસાવશે. તેની ફાયરપાવર 8,000 કિમીથી 12,000 કિમી સુધીની હશે. આ પછી, ભારત ‘સૂર્યા’ નામની ઇન્ટર-કોન્ટિનેન્ટલ મિસાઇલ વિકસાવશે, જેની રેન્જ 12,000 કિમીથી 16,000 કિમી હશે.