Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સઓલમ્પિક્સ 2036ની યજમાની માટે ભારતે માંડ્યા ડગ, સત્તાવાર રીતે મોકલવામાં આવ્યો પ્રસ્તાવ:...

    ઓલમ્પિક્સ 2036ની યજમાની માટે ભારતે માંડ્યા ડગ, સત્તાવાર રીતે મોકલવામાં આવ્યો પ્રસ્તાવ: હોસ્ટ સિટી તરીકે અમદાવાદ રેસમાં આગળ

    મેક્સિકો, ઇન્ડોનેશિયા, તૂર્કી, પોલેન્ડ, ઇજિપ્ત અને દક્ષિણ કોરિયા સહિત અન્ય નવ દેશો ભારત સાથે 2036 ઓલમ્પિકની યજમાની કરવાની રેસમાં છે.

    - Advertisement -

    2024માં ઓલમ્પિક ગેમ્સનું આયોજન ફ્રાન્સની રાજધાની પેરિસમાં (Paris Olympics 2024) કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા દેશોના ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. આ ઓલમ્પિક્સ દરમિયાન ભારતે 6 મેડલ પોતાના નામે નામે કર્યા હતા. ત્યારે વર્ષ 2036ની ઓલમ્પિક્સ ભારતમાં (Olympic Games 2036) યોજાય તેવી સંભાવનાઓ દેખાય રહી છે. ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશન (IOA)નાં પ્રમુખ પીટી ઉષા અનુસાર IOA દ્વારા ઇન્ટરનેશનલ ઓલમ્પિક્સ કમિટી સમક્ષ 2036માં યજમાની કરવાના પ્રસ્તાવ સાથેનો પત્ર (લેટર ઑફ ઇન્ટેન્ટ) મોકલવામાં આવ્યો છે.

    નોંધનીય છે કે દર 4 વર્ષે યોજાતી ઓલમ્પિક ગેમ્સ આગામી સમયમાં વર્ષ 2028માં અમેરિકાના લોસ એન્જલસમાં યોજાશે તથા 2032માં તેનું આયોજન ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં થવાનું છે. ત્યારે વર્ષ 2036ની ઓલમ્પિક્સનું આયોજન ભારતમાં થાય એના માટે ભારતે પ્રસ્તાવ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે મેક્સિકો, ઇન્ડોનેશિયા, તૂર્કી, પોલેન્ડ, ઇજિપ્ત અને દક્ષિણ કોરિયા સહિત અન્ય નવ દેશો ભારત સાથે 2036 ઓલમ્પિકની યજમાની કરવાની રેસમાં છે.

    IOCને મોકલ્યો પ્રસ્તાવ

    ઉલ્લેખનીય છે કે IOA અધ્યક્ષ પી.ટી ઉષાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ગયા વર્ષથી અમે IOC પ્રમુખ થોમસ બાક અને આગામી યજમાન દેશોના અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ. અમે પેરિસ ઓલમ્પિક ગેમ્સના અધિકારીઓ સાથે પણ સંપર્કમાં રહ્યા, જે દરમિયાન અમારા અધિકારીઓએ IOC દ્વારા આયોજિત એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ અને ઓબ્ઝર્વર પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. આ વાર્તાલાપના આધારે ઑક્ટોબરની શરૂઆતમાં પ્રસ્તાવ પત્ર રજૂ કરવામાં આવ્યો હતો.”

    - Advertisement -

    આયોજન માટે અડગ પ્રતિબદ્ધતા

    ઉષાએ કહ્યું હતું કે, “IOAમાં કેટલાક આંતરિક પડકારો હોવા છતાં અમારી પ્રતિબદ્ધતા અડગ છે. મને આશા છે કે IOC ભારતને એક યોગ્ય અને સક્ષમ યજમાન તરીકે જોશે.” અહેવાલ અનુસાર, ભારતીય ઓલમ્પિક એસોસિએશને IOCને લખેલા પ્રસ્તાવ પત્રમાં ભારતમાં ઓલમ્પિક ગેમ્સ 2036નું આયોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

    ઉલ્લેખનીય છે કે જો ભારતમાં 2036નો ઓલમ્પિક્સ યોજાય તો ઓલિમ્પિક વિલેજ અમદાવાદમાં બની શકે છે. આ માટે તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી છે અને સરકાર એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ બનાવી રહી છે. આ જ વિસ્તારમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ આવેલું છે અને ઓલમ્પિક્સમાં પણ ક્રિકેટને સામેલ કરવા માટે તજવીજ ચાલી રહી છે.

    PM મોદી પણ કરી ચૂક્યા છે ઉલ્લેખ

    ઉલ્લેખનીય છે કે, જો IOA દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવને સ્વીકારી IOC ભારતને યજમાની માટે લીલી ઝંડી આપે તો ભારત પ્રથમ વખત ઓલમ્પિક ગેમ્સનું આયોજન કરશે એવું બનશે. નોંધનીય બાબત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બાબતે ઘણી વખત પોતાનાં સંબોધનોમાં ઉલ્લેખ કરી ચૂક્યા છે. PM મોદીએ આ વર્ષે સ્વતંત્રતા દિવસના સંબોધનમાં પણ કહ્યું હતું કે, “2036માં ઓલમ્પિકનું આયોજન કરવું એ એક સ્વપ્ન છે જેના માટે અમે સક્રિયપણે કામ કરી રહ્યા છીએ.”

    ગયા વર્ષે મુંબઈમાં IOCના 141મા અધિવેશનમાં 2036 ઓલમ્પિક ગેમ્સની યજમાની માટે ભારતની પ્રતિબદ્ધતા પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો, જ્યાં વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી, “અમે 2036માં ભારતીય ધરતી પર ઓલમ્પિકની યજમાની કરવાના અમારા પ્રયત્નોમાં કોઈ કસર છોડીશું નહીં. આ 140 કરોડ ભારતીયોનું વર્ષો જૂનું સ્વપ્ન અને આકાંક્ષા છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં