રાજકીય અને આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાડોશી દેશ શ્રીલંકા માટે ભારત સૌથી મોટા મદદગાર તરીકે ઉભરી આવ્યું છે. તાજેતરના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સંકટ સમયે ભારતે શ્રીલંકાને મહત્તમ લોન આપીને આર્થિક સમસ્યાઓમાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે.
શ્રીલંકાના થિંક ટેન્ક ‘વેરાઇટ રિસર્ચ’એ એક રિપોર્ટમાં કહ્યું છે કે વર્ષ 2022માં ભારતે શ્રીલંકાને 377 મિલિયન ડોલર (3002.82 કરોડ રૂપિયા)ની લોન આપી છે. દરમિયાન, એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) શ્રીલંકાને $360 મિલિયનની લોન સાથે બીજા નંબરની સૌથી મોટી ધિરાણકર્તા રહી છે. એટલું જ નહીં, ભારતે શ્રીલંકાને 65,000 ટન ખાતરનું કન્સાઈનમેન્ટ પણ મોકલ્યું હતું.
#India is now the biggest bilateral lender to its southern neighbour surpassing #China who through its large loans threw the nation into a debt trap#SriLanka https://t.co/2vIJlO6Xtd
— News18.com (@news18dotcom) September 19, 2022
ભારત અને ADB બંનેએ મળીને આ વર્ષે જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચે શ્રીલંકાને કુલ લોનમાં 76 ટકા યોગદાન આપ્યું છે. વર્ષના પ્રથમ ચાર મહિનામાં, શ્રીલંકાને વિવિધ સરકારો અને સંસ્થાઓ તરફથી કુલ $968 મિલિયનની લોન આપવામાં આવી હતી. નોંધનીય છે કે 2017 થી 2021 વચ્ચે છેલ્લા 5 વર્ષમાં ચીન શ્રીલંકાને સૌથી વધુ ધિરાણ આપનાર રહ્યું છે. ચીને 94.7 મિલિયન ડોલરની લોન આપી હતી. તેમાંથી, $8.09 મિલિયન ચાઇના ડેવલપમેન્ટ બેંક પાસેથી બજાર ઉધારના સ્વરૂપમાં છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતથી જ શ્રીલંકા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું. વિદેશી હૂંડિયામણની અછતને કારણે, તે જરૂરી ખાદ્યપદાર્થો અને ઇંધણની વસ્તુઓ પણ ખરીદી શકતું ન હતું. આવા સમયે ભારતે પાડોશી દેશ હોવાથી ભારતે શ્રીલંકાને મહત્તમ લોન ઈંધણ ખરીદવા અને આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે આપી હતી.
નોંધનીય છે કે શ્રીલંકામાં માલસામાનના ભાવમાં સતત વધારાને કારણે આંતરિક અશાંતિ સર્જાઈ હતી. આ પછી, વ્યાપક હિંસક પ્રદર્શનોને કારણે તત્કાલિન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને દેશ છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. જો કે, આ પછી રાનિલ વિક્રમસિંઘેની આગેવાની હેઠળની વર્તમાન સરકારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે $2.9 બિલિયન લોન કરાર પર હસ્તાક્ષર કર્યા. ત્યારથી આર્થિક વિશ્લેષકો શ્રીલંકાની આર્થિક સ્થિતિમાં સુધારા અંગે અનુમાન લગાવી રહ્યા છે.