7 ઓક્ટોબરે ઈસ્લામિક આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પર બર્બરતાથી હુમલો કર્યા બાદથી ઇઝરાયેલ સતત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ગાઝા પટ્ટીના ઘણા આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધાં છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે હજુ પણ યુદ્ધ ચાલી રહ્યું છે. તેવામાં આ યુદ્ધને અટકાવવા માટે સંયુકત રાષ્ટ્ર મહાસભામાં (UNGAમાં) યુદ્ધવિરામ માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ માટે UNમાં રજૂ કરાયેલ પ્રસ્તાવમાં ભારત મતદાન કરવાથી દૂર રહ્યું છે. જ્યારે બીજા પણ ઘણા દેશોએ આ પ્રસ્તાવ પર મતદાન કર્યું નથી.
ભારત શુક્રવારે (27 ઓકટોબર) UNની સામાન્ય સભામાં જોર્ડને રજૂ કરેલા પ્રસ્તાવથી દૂર રહ્યું હતું. જોર્ડને ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં માનવતાવાદી સહાય માટે તાત્કાલિક ધોરણે યુદ્ધવિરામની હાંકલ કરી હતી. UNમાં રજૂ કરાયેલા આ પ્રસ્તાવન પર ભારતે મતદાન કર્યું નહીં કારણ કે તેમાં ઈસ્લામિક આતંકી સંગઠન હમાસનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. આ પ્રસ્તાવમાં ગાઝા પટ્ટીમાં માનવીય સહાય માટે અપીલ કરવામાં આવી હતી. બાંગ્લાદેશ, માલદીવ, પાકિસ્તાન, રશિયા અને દક્ષિણી આફ્રિકા સહિતના 40થી વધુ દેશોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.
UK, જાપાન, ઓસ્ટ્રેલિયા જેવા દેશો મતદાનથી રહ્યા દૂર, અમેરિકાએ પણ કર્યો વિરોધ
ભારત સિવાય જે દેશો મતદાનથી દૂર રહ્યા તેમાં જાપાન, યુકે, જર્મની, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુક્રેનનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે આ પ્રસ્તાવને બહુમત સાથે અપનાવવામાં આવ્યો છે. 120 દેશોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે 14 દેશોએ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, તેમજ 45 દેશો આ મતદાનથી દૂર રહ્યા હતા.
India abstained from voting on UN General Assembly resolution on the "protection of civilians and upholding legal and humanitarian obligations" on Gaza crisis. The resolution was adopted at the UN General Assembly.
— ANI (@ANI) October 28, 2023
India voted in favour of Canada-led amendment condemning… pic.twitter.com/2eWr19VRLD
ભારત આ મતદાનથી દૂર રહ્યું તેની પાછળનું સ્પષ્ટ કારણ તે છે કે જોર્ડને રજૂ કરેલા આ પ્રસ્તાવમાં કોઈપણ જગ્યાએ ઈસ્લામિક આતંકી સંગઠન હમાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તથા હમાસે કરેલા હુમલાની નિંદા પણ દર્શાવી નથી. એ ઉપરાંત અમેરિકાએ પણ પ્રસ્તાવનો વિરોધ કરતાં કહ્યું હતું કે, પ્રસ્તાવમાં મુખ્ય 2 શબ્દો ખૂટે છે. એક ‘હમાસ’ અને બીજો ‘બંધક’. જે બાદ કેનેડાએ આ પ્રસ્તાવમાં સુધારા માટેનું સંશોધન પણ રજૂ કર્યું હતું.
સુધારા માટેના સંશોધનમાં ભારતની સહમતી
જ્યારે બીજી તરફ આ પ્રસ્તાવ માટે સંશોધન પણ રજૂ કરવામાં આવ્યું હતું. જે કેનેડાએ રજૂ કર્યું હતું. જેમાં કહેવાયું હતું કે પ્રસ્તાવમાં એક પેરેગ્રાફ ઉમેરવામાં આવે. જેમાં કહેવાયું હોય કે, “મહાસભા 7 ઓકટોબર 2023ના રોજ ઇઝરાયેલ પર થયેલા હમાસના આતંકી હુમલા અને બંધક બનાવવાની ઘટનાને સ્પષ્ટપણે નકારે છે અને સખત નિંદા કરે છે. બંધકો સાથે માનવીય વ્યવહાર થવો જોઈએ અને તેમની તાત્કાલિક અને બિનશરતી મુક્તિ સુનિશ્ચિત કરવી જોઈએ.”
ભારતે અન્ય 87 દેશો સાથે કેનેડાના આ સુધારાની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે 55 સભ્ય દેશોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું અને 23 ગેરહાજર રહ્યા હતા. જોકે, યોગ્ય બહુમતી ના મળવાને કારણે આ સંશોધનને અપનાવી શકાયું નહોતું. UNGAના 78માં સત્રના અધ્યક્ષ ડેનિસ ફ્રાંસિસે જાહેરાત કરી હતી કે રજૂ થયેલું સંશોધન અપનાવી શકાશે નહીં.