ફ્રાન્સમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી હિંસા તેની ચરમસીમા પર છે. 17 વર્ષીય યુવકને પોલીસે ગોળી માર્યા બાદ અનેક જગ્યાઓ પર તેના ઘેર પ્રત્યાઘાતો પડ્યા હતા. અહીં બેકાબૂ બનેલા ટોળાઓએ શાળા, લાઈબ્રેરી, બેંક સહિત અનેક જગ્યાઓ ભડકે બાળી છે. આ બધા વચ્ચે 200 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના પણ સમાચારો સામે આવી રહ્યા છે. પોલીસે અત્યાર સુધી 667 તોફાનીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
મીડિયા અહેવાલો અનુસાર, સેન્ટ્રલ પેરિસમાં નાઈકનો આખેઆખો શોરૂમ તોડી પાડી ત્યાં લૂંટફાટ ચલાવવામાં આવી હતી. જેમાં પેરીસ પોલીસે લૂંટ મચાવનાર 16 અને અન્ય એક ગુનામાં 14 લોકોની ધરપકડ પણ કરી છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા 40000 પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે. ભડકેલી ભીડને કાબૂમાં લેવા સુરક્ષાકર્મીઓને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.
BREAKING: Massive fire at bus depot in Aubervilliers, France, amid ongoing riots.pic.twitter.com/KPDKChYyo1
— The Spectator Index (@spectatorindex) June 30, 2023
આ પ્રકારની ઘટનાઓના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં પ્રદર્શન કરતાં ટોળાંઓ પોલીસના વાહનમાં આગ લગાડતા જોવા મળી રહ્યાં છે. ગુરુવારના રોજ ફ્રાંસના મારસેલે, લિયોન, પાઉ, ટોલુજમાં ગોળીબાર થવાની ઘટનાઓ પણ ઘટી હતી.
Rioters in France burning down the largest public library in the city of Marseille. pic.twitter.com/uPl6n82zFT
— Visegrád 24 (@visegrad24) June 30, 2023
ફ્રાન્સમાં મંગળવારે સ્થાનિક સમય અનુસાર લગભગ સવારે સાડા આઠ વાગ્યે પોલીસે પેરિસમાં ગફલતભરી રીતે કાર હંકારીને જતા એક કિશોરને રોક્યો હતો. અગાઉ પણ તે લાયસન્સ વગર ગાડી ચલાવતાં પકડાયો હતો. ગાડી થોભાવ્યા બાદ બે અધિકારીઓએ નજીક જઈને કશુંક પૂછતાં કિશોરે પૂરઝડપે ગાડી હંકારી મૂકી હતી. ત્યારબાદ પોલીસે ગોળીબાર કર્યો, જેમાં તે મૃત્યુ પામ્યો હતો. આ ઘટના બાદ ફ્રાન્સમાં ઠેકઠેકાણે હિંસા ફાટી નીકળી હતી. ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તા પર આવીને વાહનોમાં આગ લગાડી દીધી હતી તો અમુક ઠેકાણે જાહેર સ્થળોએ હુમલા કરી દીધા હતા. પેરિસ સિવાય દેશના અન્ય ભાગોમાં પણ હિંસા ફાટી નીકળી હતી. ક્યાંક લોકોએ ફ્રાન્સ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો તો ક્યાંક પોલીસ સ્ટેશનો પર ટોળું તૂટી પડ્યું હતું. દેશમાં અનેક ઠેકાણે સાયલન્ટ માર્ચ પણ યોજાઈ, જેમાં હજારો લોકો એકઠા થયા હતા.