ભારતમાં બાંગ્લાદેશ (Bangladesh) અને મ્યાનમારથી (Myanmar) થતી ઘૂસણખોરી (Intrusion) મોટી સમસ્યા છે. ત્યારે 11 નવેમ્બરે ત્રિપુરા (Tripura) ખાતેથી 3 બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી, જે ગેરકાયદે ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહી હતી. ઉપરાંત આસામમાં (Assam) પણ ગેરકાયદે ઘૂસેલા 6 ઘૂસણખોરો પકડાયા હતા, જેમને પરત બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા.
11 નવેમ્બરે રેલ્વે પોલીસને મળેલી ગોપનીય માહિતીના આધારે ત્રિપુરાના અગરતલા રેલવે સ્ટેશનથી 3 બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. રેલ્વે પોલીસે જણાવ્યા અનુસાર મહિલાઓની ધરપકડ ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાના મામલે કરવામાં આવી હતી. તેઓ ગેરકાયદે ભારતમાં ઘૂસી ગઈ હતી અને ટ્રેનના માધ્યમથી ભારતમાં અન્ય સ્થળોએ જવાની યોજના બનાવી રહી હતી.
આ મહિલાઓની ઓળખ સતખીરાની હસન હેના, નરૈલની કુલસુમ બેગમ અને ચિત્તાગોંગની સ્વપ્ના અખ્તર તરીકે થઈ છે. જેમની ઉંમર ક્રમશ: 26, 22 અને 19 વર્ષ છે. આ ત્રણેય મહિલાઓ અગરતલા સ્ટેશનથી ટ્રેન પકડી ભારતમાં આગળ અન્ય સ્થળોએ જવાની યોજના બનાવી રહી હતી. રેલ્વે પોલીસ, BSF અને RPF દ્વારા કરેલા ઓપરેશનમાં ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.
આ મામલે પોલીસે જણાવ્યા અનુસાર હજી વધુ ધરપકડ થઇ શકે છે. અગરતલા રેલ્વે પોલીસ સ્ટેશન પર આ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. તથા આગામી કાર્યવાહી માટે તેમને 12 નવેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ત્રિપુરા બાદ આસામમાં પણ પકડાયા બાંગ્લાદેશી ઘૂસણખોરો
આ ઉપરાંત આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરી આસામમાંથી પકડાયેલા 6 બાંગ્લાદેશી ઘૂસણખોરોની માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, ‘ગેરકાયદે ઘૂસણખોરી પર પ્રહાર.’ તેમણે આપેલી માહિતી અનુસાર આસામના કરીમગંજમાંથી બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી.
Striking illegal infiltration
— Himanta Biswa Sarma (@himantabiswa) November 13, 2024
6 illegal Bangladeshi infiltrators were apprehended in Karimganj by @assampolice and sent back across the border
🇧🇩Tarique Anowar
🇧🇩Dayal Mall
🇧🇩Monu Mall
🇧🇩Shajahan Mia
🇧🇩Jainab Sapuria
🇧🇩Khalimur Mall
Good job Team! pic.twitter.com/P1xYorRZVo
હિમંતા સરમાએ લખ્યું હતું કે, “કરીમગંજમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી રહેલ 6 બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામ પોલીસ દ્વારા પકડવામાં આવ્યા અને તેમને પાછા સરહદ (ભારત –બાંગ્લાદેશ સરહદ) પર મોકલી દેવામાં આવ્યા.” આ ઘૂસણખોરોમાં સામેલ લોકોની ઓળખ તારિક અનવર, દયાલ મોલ, મોનૂ મોલ, શાજહાં મિયાં, જૈનબ સપુરિયા અને ખલીમુર મોલ તરીકે કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ અને મ્યાનમારમાંથી ભારતમાં થઇ રહેલ ઘૂસણખોરી એ ખૂબ મોટી સમસ્યા બની રહી છે. આ ઘૂસણખોરીના પગલે દેશની આર્થિક રાજધાની મુંબઈ પર મોટો ખતરો ઉભો થયો છે. તાજેતરમાં જ TISS રિપોર્ટ અનુસાર મુંબઈમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે મુંબઈમાં વર્ષ 2051 સુધી હિંદુઓની સંખ્યા માત્ર 54% થઈને રહી જશે.