હોમપેજદુનિયાવિયેતનામને ટેરિફમાં રાહત મળી, ટ્રમ્પ પરિવારને મળી હજારો એકર જમીન: ગોલ્ફ રિસોર્ટના...

વિયેતનામને ટેરિફમાં રાહત મળી, ટ્રમ્પ પરિવારને મળી હજારો એકર જમીન: ગોલ્ફ રિસોર્ટના સોદામાં છુપાયેલો છે સ્વઘોષિત જગતજમાદારનો ટેરિફ ખેલ? 

મહત્ત્વની વાત એ છે કે આ રિસોર્ટ માટે જગ્યાની ફાળવણી અને પરવાનગીઓની પ્રક્રિયા એ જ સમયે થઈ જ્યારે વિયેતનામ અને અમેરિકા વચ્ચે વેપાર કરાર માટે વાતચીતો ચાલતી હતી.

- Advertisement -

સ્વઘોષિત જગતજમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) બીજી ટર્મ માટે રાષ્ટ્રપતિ પદ માટે શપથ લીધા પછી ‘ટેરિફ’ (Tariff) શબ્દ આખી દુનિયાને મોઢે કરાવી દીધો છે. અમેરિકાની અર્થવ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તનો લાવવાનો વાયદો કરી ચૂકેલા ટ્રમ્પ હવે ગામ પર ટેરિફ લગાવીને ઘર સુધારવા મથી રહ્યા છે અને તેમાં ભારત સહિતના દેશોથી આવતા માલસામાન પર આડેધડ કર લાગુ કરવા માંડ્યા છે. ટ્રમ્પ પોતે  મૂળ ધંધાદારી માણસ છે અને તેમનું ચિત્ત કાયમ વ્યાપારમાં જ ચોંટેલું રહે છે અને દેશો અમેરિકા સાથે અમેરિકાની શરત પર વેપાર કરવા તૈયાર થાય તે માટે જ આ બધા કાવદાવા થાય છે એ હવે દેખીતી વાત છે. 

ભારત પર ટ્રમ્પે પહેલાં 25% અને ત્યારબાદ ફરી 25% ટેરિફ લાગુ કરવાની વાત કહી. આમ તો ટેરિફ કામ એ રીતે કરે છે કે ભારતથી આવતા સામાન પર અમેરિકા ટેરિફ વધારે તો એ વધારાના પૈસા ભારતની તિજોરીમાંથી નહીં પણ અમેરિકન આયાતકારો પાસેથી ચૂકવાય છે. ભારતીય નિર્યાત કરનારાઓને અસર એ રીતે થાય કે અમેરિકાના બજારમાં તેમનાં ઉત્પાદનોની માંગ ઘટે. ટ્રમ્પ જોકે ‘ઇન્ડિયા વિલ બી પેઇંગ મોર ટેરિફ’ કહીને પ્રજાને ફાલતુ દિલાસો આપી રહ્યા છે, પણ હકીકત જુદી છે એ ઑપઇન્ડિયા પર તમે અગાઉ વાંચી ચૂક્યા છો. 

ડોનાલ્ડ ટ્રમ્પની આ દબાણ કરવાની નીતિ સામે ભારત અડીખમ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ખેડૂતોનાં હિતો સાથે સરકાર બિલકુલ બાંધછોડ નહીં કરે અને તેના માટે પોતે વ્યક્તિગત રીતે અમુક કિંમત ચૂકવવી પડે તો તેના માટે તેઓ તૈયાર છે. ટ્રમ્પે રશિયા પાસેથી ઓઈલની ખરીદીનો મુદ્દો પણ ઘૂસાડી દીધો, પણ ભારતે પછી પણ ઓઈલની ખરીદી ચાલુ જ રાખી છે અને ડંકાની ચોટ પર ચાલુ રાખી છે. પણ આડોશપાડોશમાં એવા પણ દેશો છે, જેઓ ટ્રમ્પની આ નીતિઓ સામે આત્મસમર્પણ કરી ગયા છે. વિયેતનામ તેનું ઉદાહરણ છે. 

- Advertisement -

ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા પછી 2 એપ્રિલ, 2025થી ટેરિફના નવા દરો લાગુ કરવાની ઘોષણા કરી ત્યારે વિયેતનામ પર લગભગ 46% ટેરિફ લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ પછીથી આ ટકાવારી 20 પર આવીને અટકી. પણ 46 પરથી 20 કઈ રીતે થયા તેની પાછળની અમુક કથા છે, જે છેક હવે બહાર આવી રહી છે. 

સમાચાર એવા છે કે વિયેતનામમાં ટ્રમ્પ પરિવાર એક વિશાળ અને ભવ્ય ગોલ્ફ રિસોર્ટ શરૂ કરવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા એ પહેલાં અમેરિકન ઉદ્યોગપતિ તરીકે જાણીતા હતા. તેમનો કારોબાર દુનિયાના અનેક દેશોમાં ફેલાયેલો છે અને અઢળક સંપત્તિના માલિક છે. અનેક સેક્ટરોમાં તેમનો પરિવાર કરોડો-અબજોનો કારોબાર કરે છે. ટ્રમ્પ જોકે હવે કહે છે કે આ બધું તેમનાં સંતાનો સંભાળે છે અને પોતે કોઈ લાભ મેળવતા નથી. પણ કહેવા માટે બધું કહી શકાય એમ છે. અમુક વાતો કહેવાની હોય છે. વાસ્તવિકતા ઘણી વખત જુદી હોવાની. 

ટ્રમ્પ પરિવારની આ ભવ્ય ગોલ્ફ રિસોર્ટ માટે જમીન ફાળવવામાં આવી ચૂકી છે, આધારશિલા પણ મૂકી દેવાઈ છે અને તેમાં ટ્રમ્પપુત્ર એરિકે પણ હાજરી આપી હતી. હવે આગામી મહિને બાંધકામ શરૂ થશે. ખર્ચ લગભગ દોઢ બિલિયન ડૉલર જેટલો થશે તેવું મીડિયા અહેવાલો કહી રહ્યા છે. બાંધકામ છેક 2027માં પૂરું થશે. તૈયાર થયા બાદ રિસોર્ટ લગભગ 990 હેક્ટરમાં ફેલાયેલી હશે. એકરમાં જોઈએ તો લગભગ અઢી હજાર જેટલા થાય. 

મહત્ત્વની વાત એ છે કે આ રિસોર્ટ માટે જગ્યાની ફાળવણી અને પરવાનગીઓની પ્રક્રિયા એ જ સમયે થઈ જ્યારે વિયેતનામ અને અમેરિકા વચ્ચે વેપાર કરાર માટે વાતચીતો ચાલતી હતી. સામાન્ય રીતે આવા મોટા પ્રોજેક્ટ માટે, એ પણ વિદેશી કંપનીને આપવાના હોય તો બહુ લાંબી અને જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને મહિનાઓ અને વર્ષો લાગી જાય છે, પણ અહેવાલો જણાવે છે કે બહુ ઝડપથી આ પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવી. 

અમેરિકાનું ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ જણાવે છે કે પ્રોજેક્ટને ‘બહુ ઝડપથી’ અને ‘આશ્ચર્યજનક રીતે’ મંજૂરી આપી દેવામાં આવી અને આ દરમિયાન પર્યાવરણીય સમીક્ષા જેવી અમુક બાબતોને સંપૂર્ણ અવગણી દેવામાં આવી હતી. વડાપ્રધાન પોતે આધારશિલા મૂકવાના કાર્યક્રમમાં આવ્યા અને ટ્રમ્પ પરિવારને તમામ સહયોગ આપવાની ખાતરી આપી. એમ પણ કહ્યું કે એરિકની યાત્રાથી આ પ્રોજેક્ટને ગતિ અપાવવા માટે તેમને ‘મોટિવેશન’ મળ્યું છે. 

સ્થાનિકોને પૂરતું વળતર નહીં 

સ્થાનિક ખેડૂતોની હજારો એકર જમીન આ ગોલ્ફ રિસોર્ટના કારણે બલિ ચડી જશે. તેમનું કહેવું છે કે તેમને પૂરતું વળતર આપવામાં આવી રહ્યું નથી. ‘રોયટર્સ’ના રિપોર્ટ મુજબ સ્થાનિકોને ખેતીની જમીન માટે પ્રતિ સ્ક્વેર મીટર 12 અને 30 ડૉલર ચૂકવવામાં આવી રહ્યા છે. સાથે જે પાક ઉખડી જશે તેનું થોડુઘણું વળતર અને ચોખા આપવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન એમ કહીને બચાવ કરી રહ્યા છે કે આ ગોલ્ફ કોર્સથી અમેરિકા સાથેના સંબંધો સુધરશે અને નોકરીઓનું સર્જન થશે. જેમને અસર થશે એ સ્થાનિકોને પૂરતું વળતર અપાશે. પણ વળતરવાળી વાતમાં જમીની વાસ્તવિકતા જુદી દેખાય રહી છે. 

આ એક પ્રકરણ પરથી ભૂ-રાજકારણના ઘણા સાંપ્રત પ્રશ્નોના જવાબો મળી રહે તેમ છે. ટ્રમ્પ ટેરિફનો ઉપયોગ દેશોને પોતાની શરતો પર વેપાર કરવા માટે ઘૂંટણિયે પાડવા માટે કરી રહ્યા છે. પહેલાં ઊંચા દરે ટેરિફ લાગુ કર્યા બાદ તેમની સાથે ટ્રેડ ડીલ પર ચર્ચા થાય છે અને આખરે આ રીતે પોતાનાં રાજકીય-વ્યવસાયિક હિતો સાધવામાં આવે છે. વિયેતનામ તેનું ઉદાહરણ છે. 46%થી 20% પર ટેરિફ લાવવા માટે તેમણે હજારો હેક્ટર ટ્રમ્પ પરિવારને ધરી દેવી પડી. 

ભારત સાથે પણ ટ્રમ્પ આ જ તકનીકનો ઉપયોગ કરવા ગયા, પણ મોદી સરકાર ટસની મસ ન થઈ. હવે મોદીના ‘ખેડૂતોનાં હિત સાથે સમાધાન નહીં થાય’ શબ્દોનો સંદર્ભ મળી ગયો હોવો જોઈએ. ટ્રમ્પ કેમ વારંવાર ભારત વિશે આવાં નિવેદનો કરી રહ્યા છે, તે પ્રશ્નનો પણ જવાબ આ ચર્ચાઓમાં છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં