Friday, March 6, 2026
More
    હોમપેજદેશપુતિન, મેલોની, નેતન્યાહુ, આલ્બનીઝ… વિશ્વભરમાંથી રાષ્ટ્રાધ્યક્ષોએ પીએમ મોદીને 75મા જન્મદિવસે મોકલ્યા શુભેચ્છા સંદેશ:...

    પુતિન, મેલોની, નેતન્યાહુ, આલ્બનીઝ… વિશ્વભરમાંથી રાષ્ટ્રાધ્યક્ષોએ પીએમ મોદીને 75મા જન્મદિવસે મોકલ્યા શુભેચ્છા સંદેશ: વાંચો કોણે શું કહ્યું

    જ્યોર્જિયા મેલોનીએ X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, “ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ. તેમની શક્તિ, દૃઢ નિશ્ચય અને લાખો લોકોનું નેતૃત્વ કરવાની ક્ષમતા વાસ્તવમાં પ્રેરણાસ્ત્રોત છે.”

    - Advertisement -

    17 સપ્ટેમ્બર, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ. દેશભરમાંથી શુભેચ્છાનો વરસાદ થયો. આ પ્રસંગે વૈશ્વિક નેતાઓએ પણ PM મોદીને સોશિયલ મીડિયા, વિડીયો દ્વારા અને ફોનકોલના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી.

    જે નેતાઓએ PM મોદીને શુભેચ્છાઓ પાઠવી છે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ (યુનાઈટેડ સ્ટેટ્સ), વ્લાદિમીર પુતિન (રશિયા), બેન્જામિન નેતન્યાહુ (ઈઝરાયેલ), જ્યોર્જિયા મેલોની (ઈટાલી), એન્થની આલ્બેનીઝ (ઓસ્ટ્રેલિયા), ક્રિસ્ટોફર લક્સન (ન્યૂઝીલેન્ડ) જેવા નેતાઓ તેમજ બિલ ગેટ્સ અને દલાઈ લામા જેવી આંતરરાષ્ટ્રીય હસ્તીઓનો સમાવેશ થાય છે. સંદેશાઓમાં વ્યક્તિગત મિત્રતા, દ્વિપક્ષીય ભાગીદારી, અને મોદીના નેતૃત્વ હેઠળ ભારતના વિકાસની માન્યતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

    રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યક્તિગત રીતે PM મોદીને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત તેમણે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને આ અંગે માહિતી પણ આપી હતી. તેમણે કહ્યું કે PM મોદી રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા ખૂબ સારું કામ કરી રહ્યા છે, તેમણે આ યુદ્ધને સમાપ્ત કરવામાં સમર્થન આપવા બદલ PM મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

    - Advertisement -

    રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

    રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નવી દિલ્હી અને મોસ્કો વચ્ચેના સંબંધોને મજબૂત કરવામાં મોદીના મહત્ત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપતો ઔપચારિક સંદેશ મોકલ્યો હતો. ક્રેમલિન વેબસાઇટ પર પ્રકાશિત એક સંદેશમાં રશિયન નેતાએ કહ્યું, PM મોદી બંને દેશો વચ્ચે ખાસ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર ફાયદાકારક રશિયન-ભારતીય સહયોગ વિકસાવવામાં એક મોટું યોગદાન આપી રહ્યા છે. પુતિને વધુમાં કહ્યું કે મોદી સરકારના નેતૃત્વ હેઠળ ભારતવાસીઓએ સર્વોચ્ચ સન્માન અને વિશ્વ મંચ પર વિશેષ સ્થાન મેળવ્યું છે.

    ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ

    ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક વિડીયો મેસેજ X પર પોસ્ટ કર્યો હતો, જેમાં મોદીને ‘એક સારા મિત્ર’ તરીકે સંબોધ્યા અને ભારત-ઇઝરાયલ સંબંધોને મજબૂત બનાવવામાં તેમની સહિયારી સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આપણે આપણી ભાગીદારી અને મિત્રતાને હજુ વધુ ઉંચાઈઓ પર લઈ જઈશું.”

    ઇટાલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોની

    જ્યોર્જિયા મેલોનીએ X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, “ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ. તેમની શક્તિ, દૃઢ નિશ્ચય અને લાખો લોકોનું નેતૃત્વ કરવાની ક્ષમતા વાસ્તવમાં પ્રેરણાસ્ત્રોત છે.”

    તેમણે કહ્યું હતું કે મિત્રતા અને સન્માન સાથે તેઓ PM મોદીના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવે છે તેથી ભારતને ઉજ્જવળ ભવિષ્ય મળી શકે. તેમણે ઉમેર્યું હતું કે PM મોદીના કારણે બંને દેશોના સંબંધો વધુ મજબૂત બન્યા છે.

    ડોમિનિકાના વડા પ્રધાન

    ડોમિનિકાના વડા પ્રધાન રૂસ્વેલ્ટ સ્કેરિટએ X પર શુભેચ્છાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે “ડોમિનિકા સરકાર અને લોકો વતી હું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. અમે ભારતના સતત સમર્થનની ખૂબ પ્રશંસા કરીએ છીએ, જેમાં મહામારી દરમિયાન કરવામાં આવેલી અમૂલ્ય સહાય અને અન્ય સહયોગ સામેલ છે.” તેમણે PM મોદીને દેશનું નેતૃત્વ કરવા માટે સારા સ્વાસ્થ્યની અને સફળતાની પ્રાર્થના કરી હતી.

    ઓસ્ટ્રેલિયાના પીએમ આલ્બનીઝ

    ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની આલ્બનીઝે પણ PM મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે એક વિડીયો મેસેજ શેર કર્યો હતો જેમાં તેમણે PM મોદીને ‘મિત્ર’ તરીકે સંબોધતાં કહ્યું હતું કે, “મારા મિત્ર પ્રધાનમંત્રી મોદીને જન્મદિવસની શુભકામનાઓ. ઑસ્ટ્રેલિયાને ભારત સાથેની તેની ગાઢ મિત્રતા પર ગર્વ છે અને અમે ઑસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના અવિશ્વસનીય યોગદાન માટે આભારી છીએ.” તેમણે કહ્યું કે તેઓ PM મોદીને મળવા અને મિત્રતાને આગળ વધારવા માટે આતુર છે.

    ન્યૂઝીલેન્ડના PM ક્રિસ્ટોફર લક્સન

    ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન તરફથી 40 સેકન્ડના વિડીયોમાં જન્મદિવસની શુભેચ્છા મળી હતી. તેમણે હિન્દીમાં મોદીને અભિનંદન આપીને અને તેમના ‘નેતૃત્વ’ની પ્રશંસા કરીને પોતાનો સંદેશ શરૂ કર્યો હતો.

    લકસને વધુમાં ભાર મૂક્યો કે ન્યુઝીલેન્ડ સુરક્ષાના ક્ષેત્રમાં ભારત સાથે ભાગીદારી કરવા આતુર છે. તેમણે ભારતની તેમની પાછલી મુલાકાતને યાદ કરી અને પ્રધાનમંત્રી મોદીને ટૂંક સમયમાં ન્યુઝીલેન્ડની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

    યુનાઇટેડ કિંગડમના પૂર્વ વડા પ્રધાન

    યુનાઇટેડ કિંગડમના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે બુધવારે PM નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ આપી હતી. સુનકે કહ્યું, “વડાપ્રધાન મોદીને 75મા જન્મદિવસની શુભેચ્છા પાઠવતા મને ખૂબ આનંદ થાય છે. આ અનિશ્ચિત સમયમાં આપણને બધાને સારા મિત્રોની જરૂર છે અને મોદીજી હંમેશા મારા અને યુકે માટે સારા મિત્ર રહ્યા છે.”

    તેમણે ઉમેર્યું, યુકે-ભારત સંબંધોને મજબૂત બનતા જોઈને તેઓ આનંદ અનુભવે છે. તેમણે તાજેતરની ઇંગ્લેન્ડ-ભારત ટેસ્ટ શ્રેણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ બ્રિટિશ-ભારતીય પરિવારમાંથી આવતા હોવાથી આ સંબંધનું તેમના હૃદયમાં ખાસ સ્થાન છે. સુનકે કહ્યું, “મોદીજી, હું તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ટૂંક સમયમાં તમને મળવા માટે આતુર છું.”

    ભૂતાનના PMની શુભેચ્છાઓ

    ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ ટોબગેએ તેમના વિડીયો મેસેજમાં કહ્યું કે, “અમારા રાષ્ટ્રીય સેવકો અને ભૂટાનના સમગ્ર લોકો તમારા 75મા જન્મદિવસ પર હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવે છે. આ શુભ પ્રસંગે અમે તમને સારા સ્વાસ્થ્ય, ખુશી અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવીએ છીએ.”

    આ સિવાય તેમણે PM મોદીના ફોટો સાથેની પોસ્ટ પણ કરી હતી જેમાં લખ્યું હતું કે, “માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. તમારા સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા. તમારા નેતૃત્વ અને ભૂતાન અને ભારત વચ્ચેની ખાસ મિત્રતા માટે આભારી છું.”

    ગુયાનાના રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ

    ગુયાનાના રાષ્ટ્રપતિ ઈરફાન અલીએ X પર પોસ્ટ કરીને પીએમ મોદીને શુભકામનાઓ પાઠવી અને તેમના ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાર્થના કરી. તેમણે પીએમ મોદીને ગ્લોબલ સાઉથ અને સમગ્ર માનવતાની સેવા કરવાના તેમના મિશન બદલ પણ અભિનંદન પાઠવ્યા.

    નોંધનીય છે કે PM મોદીએ વૈશ્વિક નેતાઓનો જન્મદિવસ પર શુભકામનાઓ બદલ આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ મોટાભાગના X મેસેજનો વ્યક્તિગત રીતે જવાબ પણ આપ્યો હતો. જન્મદિવસની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરવું એ એક સામાન્ય સંકેત છે, પરંતુ જ્યારે વિશ્વના આટલા બધા નેતાઓ એક નેતાને જન્મ દિવસની વ્યક્તિગત રીતે શુભેચ્છાઓ આપે ત્યારે સમજાય કે ભારત અને તેની રણનીતિ વિશ્વમાં કેટલું મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં