ભારતના દક્ષિણ છેડે આવેલા એક નાનકડો પણ મહત્ત્વપૂર્ણ ટાપુ ‘કચ્ચાતીવુ’ ફરી ચર્ચામાં આવ્યો છે. અખબાર ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’એ એક રિપોર્ટ પ્રકાશિત કરીને વિગતવાર જણાવ્યું કે કઈ રીતે ભૂતકાળની કોંગ્રેસ સરકારોના અણઘડ વહીવટના કારણે આ ટાપુ શ્રીલંકાના કબજામાં જતો રહ્યો હતો. વડાપ્રધાન મોદીએ પણ આ મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.
પીએમ મોદીએ રવિવારે (31 માર્ચ) X પર એક પોસ્ટ કરીને આ વિગતોને આંખ ઉઘાડનારી ગણાવી અને કહ્યું કે, કોંગ્રેસે કઈ રીતે અત્યંત ઉદાસીનતા સાથે કચ્ચાતીવુ ટાપુ છોડી દીધો હતો તે વિશે નવાં તથ્યો સામે આવ્યાં છે. આનાથી દરેક ભારતીય આક્રોશિત છે અને ફરી એક વખત જનતાએ મન બનાવી લીધું છે કે આપણે કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ કરી શકીએ એમ નથી.
Eye opening and startling!
— Narendra Modi (@narendramodi) March 31, 2024
New facts reveal how Congress callously gave away #Katchatheevu.
This has angered every Indian and reaffirmed in people’s minds- we can’t ever trust Congress!
Weakening India’s unity, integrity and interests has been Congress’ way of working for…
આગળ તેમણે કહ્યું કે, “ભારતની એકતા, અખંડિતતા અને તેનાં હિતોને નબળાં પાડવાં એ જ છેલ્લાં 75 વર્ષમાં કૉંગ્રેસની કાર્યશૈલી રહી છે અને હજુ પણ એ જ ચાલી રહ્યું છે.”
કચ્ચાતીવુ ભારતના રામેશ્વરમ પાસે બંને દેશોની સરહદ વચ્ચે આવેલો છે. પરંપરાગત રીતે તમિલનાડુ અને શ્રીલંકાના તમિલ માછીમારો તેનો ઉપયોગ કરતા આવ્યા હતા. વર્ષ 1974માં તત્કાલીન ભારતીય વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ એક સમજૂતીના ભાગરૂપે આ દ્વીપ શ્રીલંકાને આપી દીધો હતો. ઘણાં વર્ષોથી તેને પરત મેળવવાની માંગ ઉઠતી રહી છે.
TOI રિપોર્ટમાં શું ઘટસ્ફોટ થયા?
ઈન્દિરા ગાંધીએ કઈ રીતે ટાપુ આપી દીધો હતો, તે વિશે વધુ સ્ફોટક માહિતી ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટમાં બહાર આવી છે. આ માટે આધાર તમિલનાડુના ભાજપ અધ્યક્ષ અન્નામલાઇએ કરેલી એક RTIમાં મળેલા જવાબ પર રાખવામાં આવ્યો છે. અધિકારીક દસ્તાવેજો અને રેકર્ડ પર ઉપલબ્ધ અન્ય સામગ્રીના માધ્યમથી જાણવા મળ્યું કે કઈ રીતે તત્કાલીન કોંગ્રેસ સરકારોની ઉદાસીનતાના કારણે ભારતે ટાપુ ગુમાવવો પડ્યો હતો.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ 1.9 સ્ક્વેર કિલોમીટરના ટાપુ પર શ્રીલંકા પહેલેથી જ દાવો માંડતું આવ્યું હતું અને ભારતે તેનો પ્રતિકાર કરવામાં ઉદાસીનતા દાખવી. 1948માં સ્વતંત્રતા મળ્યાના તરત પછી શ્રીલંકાએ (ત્યારે સિલોન નામ હતું) ટાપુ પર દાવો માંડી દીધો હતો અને કહ્યું કે આ ટાપુ પર ભારતીય નૌસેના તેમની (શ્રીલંકા) પરવાનગી વગર એક્સરસાઇઝ કરી શકે તેમ નથી. ત્યારપછી ઑક્ટોબર, 1955માં સિલોન એરફોર્સે અહીં એક્સરસાઇઝ હાથ ધરી હતી.
નેહરુનું શું વલણ હતું?
પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ એક વખત નોંધ્યું હતું કે તેમના માટે આ નાનકડા ટાપુનું કોઇ મહત્વ નથી અને તેની ઉપર દાવો છોડી દેવા માટે પોતે તૈયાર છે. આ નોંધ તાત્કાલિક કૉમનવેલ્થ સેક્રેટરી વાય. ડી ગણદેવીયાએ તૈયાર કરેલી નોટ્સમાં મળી આવે છે, જે પછીથી વિદેશ મંત્રાલયે 1968માં ઇન્ફોર્મલ કન્સલ્ટિવ કમિટી સમક્ષ બેકગ્રાઉન્ડર તરીકે શૅર કરી હતી.
નેહરુએ કહ્યું હતું કે, “આ ટાપુ પર દાવો છોડવા માટે હું બિલકુલ પણ ખચકાઈશ નહીં. આ નાનકડા ટાપુનું મારા માટે કોઇ મહત્વ નથી અને આપણો દાવો છોડવા માટે તૈયાર છીએ. મુદ્દો કાયમ માટે લંબિત રહી જાય અને ફરી સંસદમાં ઉઠે તે મને પસંદ નથી.”
આ નોંધમાં વિગતવાર વર્ણન છે કે કઈ રીતે 1947થી લઈને 1974 સુધીની કોંગ્રેસ સરકારોએ આ ટાપુને લઈને કોઇ ઠોસ નિર્ણય લીધો ન હતો અને આખરે ઈન્દિરા સરકારે શ્રીલંકાને પધરાવી દીધો.
અધિકારીઓ મત ધરાવતા હતા કે ટાપુ પર ભારતનો જ હક છે
નોંધવું જોઈએ કે તે સમયે સરકારમાં ઉચ્ચ પદો પર આસીન અનેક અધિકારીઓનો સ્પષ્ટ મત હતો કે આ ટાપુ પર ભારતનો જ હક છે. 1960માં તત્કાલીન એટર્ની જનરલ એમ. સી સેતલવાડે નોંધ્યું હતું કે, “આ મુદ્દો સ્પષ્ટ નથી અને ગૂંચવણભર્યો છે, પરંતુ તમામ પુરાવાઓના અભ્યાસ પરથી સ્પષ્ટ થાય છે કે તેની ઉપર ભારતનો જ હક છે.” તેમણે આ માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા રામનાથપુરમના રાજાને આપવામાં આવેલા જમીનદારી હકોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 1875થી લઈને 1948 સુધી આ હકો રાજા પાસે જ હતા અને જમીનદારી હકો નાબૂદ થયા બાદ તે મદ્રાસ સ્ટેટમાં આવતું હતું. આ માટે ક્યારેય પણ કોલંબોને ટેક્સ આપવામાં આવ્યો નથી.
આ સિવાય, વિદેશ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી કે કૃષ્ણ રાવ પણ એ મત ધરાવતા હતા કે કાયદાકીય રીતે ભારતનો હાથ આ કેસમાં ઉપર છે અને ટાપુ જો મેળવી લેવાય તો મત્સ્યઉદ્યોગ માટે ઉપયોગી બની શકે તેમ છે. અગાઉ જેમનો ઉલ્લેખ આવ્યો તે અધિકારી ગણદેવીયા જોકે ટાપુને મહત્વપૂર્ણ માનતા ન હતા, પરંતુ છતાં તેમણે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે ટાપુ શ્રીલંકાને સોંપવામાં જોખમ છે અને ભારતે તે ઉઠાવવું જોઈએ નહીં.
ઇન્દિરા સરકાર સામે અવાજ ઊઠ્યો, પણ આખરે શ્રીલંકા સાથે સમજૂતી કરી દેવાઇ
1968માં તત્કાલીન ઇન્દિરા ગાંધી સરકાર સામે વિપક્ષે અવાજ ઉઠાવ્યો હતો અને ટાપુ પર શ્રીલંકા દ્વારા કરવામાં આવતા દાવા વિરુદ્ધ સરકારના નરમ વલણની ટીકા કરી હતી. 1968માં જ શ્રીલંકાના વડાપ્રધાન સેનાનાયકે ભારતની યાત્રાએમ આવ્યા હતા, તે દરમિયાન ચર્ચા વહેતી થઈ હતી કે ઈન્દિરા ગાંધી અને સેનાનાયકે વચ્ચે એક બેઠક યોજાઈ હતી, જેમાં ટાપુ વિશે ચર્ચા કરવામાં આવી હતી. વિપક્ષે આ વિષય પર સંસદમાં ચર્ચાની માંગ કરી હતી.
જોકે, તે સમયે ભારત સરકારે કહ્યું હતું કે ટાપુ માટે કોઇ સમજૂતી કરવાની યોજના નથી પરંતુ સાથે એવું પણ જણાવ્યું હતું કે જે-તે સ્થળ ‘વિવાદિત જગ્યા’ છે અને ભારતે શ્રીલંકા સાથે સારા સંબંધો જાળવી રાખવા માટે સંયમિત રીતે કામ લેવું જોઈએ. ત્યારબાદ 1969માં ફરી વિપક્ષે મુદ્દો ઉઠાવ્યો, પરંતુ ત્યાં સુધીમાં ભારત અને શ્રીલંકા ટાપુ વિશે સમજૂતી કરવા માટે યોજના બનાવી ચૂક્યાં હતાં અને વાટાઘાટો અંતિમ તબક્કામાં હતી.
1973માં કોલંબોમાં વિદેશ સચિવ સ્તરની વાતચીત બાદ ભારત સરકારે આખરે ટાપુ પરનો હક છોડી દેવા માટે નિર્ણય લઇ લીધો અને જૂન, 1974માં તેની જાણકારી તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી કરૂણાનિધિને આપી દેવાઇ. ત્યારે વિદેશ સચિવે જમીનદારી હકોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, શ્રીલંકા ટાપુ પર હક દર્શાવવા માટે દસ્તાવેજી પુરાવા આપી શક્યું નથી, પણ સાથે એવું પણ ઉમેર્યું હતું કે રેકર્ડ પર ઉપલબ્ધ સામગ્રીને જોતાં આ ટાપુ પર શ્રીલંકાનો હક જણાય આવે છે અને ડચ અને બ્રિટિશ નકશાઓમાં પણ તેને જાફનાપટ્ટનમનો (શ્રીલંકાનું એક શહેર, ત્યારે રાજ્ય) ભાગ દર્શાવવામાં આવ્યો છે. આ દાવો પછીથી ભારતીય સરવે ટીમે સ્વીકારી લીધો હતો.
ઈન્દિરા સરકારે કઈ રીતે સમજૂતી થકી આ ટાપુ શ્રીલંકાને આપી દીધો હતો તે વિશે વિગતવાર અહીંથી વાંચી શકાશે.