પ્રસાદના લાડુમાં જાનવરની ચરબી મળ્યા બાદથી આંધ્રપ્રદેશનું (Andhra Pradesh) તિરુપતિ મંદિર (Tirupati) સતત ચર્ચામાં છે. કરોડો હિંદુઓની અસ્થાને ભારોભાર ઠેસ પહોંચાડનાર આ ઘટના બાદ મંદિર પ્રશાસને મંદિરમાં બિન હિંદુઓના કામ કરવા પર રોક લગાવવાનો નિર્ણય લીધો. ત્યારે હવે તિરુપતિ મંદિરની નજીકમાં જ હોટલ મુમતાઝ (Hotel Mumtaz) બનવાને લઈને હિંદુઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હિંદુ ચૈતન્ય સમિતિ અને હિંદુ સંગઠનોએ ટાટા નગર ટાઉન ઓથોરીટી ઓફીસ સામે ધરણા કર્યા હતા.
હિંદુઓએ તિરુપતિ મંદિરની નજીકમાં જ બની રહેલી હોટલ મુમતાઝ પર પ્રતિબંધ લગાવી તેનું નિર્માણકાર્ય અટકાવવા માંગ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે હોટલ માટે ઓબેરોય ગ્રુપને જમીન ફાળવવામાં આવી હતી, ત્યાર બાદ અહીં મુમતાઝ હોટલનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું. આ મામલે તિરુમાલા તિરુપતિ દેવ સ્થાનમ (TTD) બોર્ડે ગત 19 નવેમ્બર 2024ના રોજ એક પ્રસ્તાવ લાવીને હોટલને ફાળવવામાં આવેલી જમીન રદ કરવાની માંગ કરી હતી. અહીં પાછલી YSRCPના નેતૃત્વવાળી સરકારમાં 20 એકર જમીનની ફાળવણી કરી દેવામાં આવી હતી.
બિનહિંદુઓને મંદિર પ્રશાસનમાંથી દૂર કરવાની કવાયત શરૂ
નોંધવું જોઈએ કે થોડા સમય અગાઉ વિશ્વ ભરના હિંદુઓના આસ્થાના કેન્દ્ર તિરુપતિ મંદિરમાં પ્રસાદ સ્વરૂપે મળતા લાડુના પરીક્ષણમાં તેમાં વપરાયેલા ઘીમાં જાનવરની ચરબી ઉપયોગ થઈ હોવાનું સામે આવ્યું હતું. આ ચોંકાવનારા ખુલાસા બાદ કરોડો હિંદુઓની આસ્થા અને લાગણીઓને ઠેસ પહોંચી હતી. આખા દેશમાં હિંદુઓએ તેનો વિરોધ કર્યો હતો. આ આખા ઘટનાક્રમ બાદ તિરુમાલા તિરુપતિ દેવ સ્થાનમ બોર્ડે નિર્ણય લીધો હતો કે મંદિરમાં બિન હિંદુઓને કામ પર ન રાખવામાં આવે.
TTDના નવા અધ્યક્ષ બીઆર નાયડુની અધ્યક્ષતામાં 18 નવેમ્બર, 2024ના રોજ યોજાયેલી બેઠકમાં તિરુપતિની સેવામાં બિન-હિંદુઓને નોકરી ન આપવા ઉપરાંત અન્ય ઘણા નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. આ બેઠક તિરુપતિના અન્નામૈયા ભવનમાં થઈ હતી. TTDના અધ્યક્ષ બીઆર નાયડુ ઉપરાંત અન્ય સભ્યોએ પણ તેમાં ભાગ લીધો હતો. આ મોટો ફેરબદલ કરવા પર કેટલાક લોકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. જોકે પ્રસાદમાં જાનવરની ચરબી મળ્યા બાદથી જ TTD મંદિરની પવિત્રતા જળવાય તે માટે નિર્ણય લઈ રહ્યું છે. વર્તમાન સરકારે પણ ઘટનાને ગંભીરતાથી લઈને મહત્વપૂર્ણ પગલા લીધા છે.