પર્વતીય વિસ્તારો ધરાવતાં રાજ્ય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કુદરતી આફતથી ભારે જાનહાનિ થઈ થઈ રહી છે. બંને રાજ્યો પ્રાકૃતિક આફતોનો સામનો કરી રહ્યાં છે. ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી લઈને વાદળ ફાટવાથી અને ઈમારતો ધરાશાયી થવાથી અનેક જાનહાનિ પણ નોંધાઈ છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં 2 જગ્યાએ ભૂસ્ખલનના લીધે 12 લોકોનાં મોત થયાં છે. શિમલાના સમરહિલ સ્થિત શિવમંદિર પણ ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયું હતું. મંદિરની અંદર 25-30 લોકો ફસાયેલા હતા. જેમાંથી 9નાં મોત થયાનું જાણવા મળ્યું છે. મંડી સ્થિત 300 વર્ષ પ્રાચીન પંચવક્ત્ર મંદિરમાં પણ પાણી ભરાઈ ગયું છે.
શિમલા સ્થિત દેવસ્થાન જે ભૂસ્ખલનને કારણે વિનાશનો શિકાર બન્યું હતું, તેનું નામ શિવ બાવડી મંદિર છે. મૃતકોમાં ઘણાં બાળકો પણ સામેલ છે. આ મંદિર શિમલાના ઉપનગર બાલૂગંજમાં આવેલું હતું. શ્રાવણનો સોમવાર 14 ઓગસ્ટ,2023) હોવાથી અહીં ભારે ભીડ હતી. ભારે વરસાદના કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. લાંબા સમય સુધી પહાડી પરથી પથ્થરો પડતા રહ્યા. ઘણા વૃક્ષો તો મંદિરની ઉપર જ પડી ગયા હતા. SDRF, ITBP અને પોલીસ ઉપરાંત સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં લાગી ગયા છે.
આ સાથે કાટમાળ હટાવવા માટે જેસીબીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શ્રાવણ માસમાં મંદિરમાં ભંડારો પણ યોજવામાં આવે છે. એવામાં ઘણા લોકો મંદિરમાં પ્રસાદ માટે ખીર બનાવવા ગયા હતા. મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુક્ખૂ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. બીજી તરફ શિમલાના ફાગલીમાં પણ ભૂસ્ખલનને કારણે એક ડઝન લોકો કાટમાળ નીચે દટાયા હતા. આ પહેલાં સોલનના જાદોન ગામમાં વાદળ ફાટવાથી 7 લોકોનાં મોત થયાં હતાં. ભારે વરસાદના કારણે મંડીમાં પૂર જેવી સ્થિતિ છે.
Supervising the ongoing rescue operations following the tragic landslide near Shiv Temple in Summerhill, Shimla.
— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) August 14, 2023
Emphasizing the highest priority on life-saving efforts, the government remains unwaveringly dedicated to securing the well-being of those entrapped.
My sincerest… pic.twitter.com/7Jwvxt3Ybl
મંડીના દ્રંગ સ્થિત કટૌલાના સગરી બાંબોલામાં એક મકાન ધરાશાયી થતાં તેમાં 8 લોકો ફસાયા હતા. પીપલકોટીમાં પણ ભારે વરસાદના કારણે અનેક વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા છે. હિમાચલના સીએમએ વિનંતી કરી છે કે પ્રવાસીઓ થોડા દિવસો સુધી રાજ્યમાં ન આવે. પ્રાણમતી નદીમાં સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે. ફાગલીમાં જ્યાં ભૂસ્ખલન થયું છે, ત્યાં નેપાળી સમાજના ઘણા લોકો રહે છે. ઉત્તરાખંડમાં પણ સોલ ઘાટી મોટરવે (માર્ગ)નું ધોવાણ થઈ ગયું હતું. ચમોલીના માયાપુર ખાતે બદ્રીનાથ હાઈવે પર અનેક વાહનો અટવાઈ પડ્યાં છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની તબાહી બાદ ઉત્તરાખંડમાં પણ સ્થિતિ સારી નથી. દેહરાદૂનમાં એક ડિફેન્સ કોલેજની ઈમારત ધરાશાયી થઈ હતી. રાજ્યમાં ભારે વરસાદ અને કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં 60 લોકોનાં મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. ડિફેન્સ કોલેજનું બિલ્ડિંગ પ્રભાકર નદીમાં જ ડૂબી ગયું હતું. આ કોલેજ માલદેવતા નામના વિસ્તારમાં આવેલી હતી. બિલ્ડિંગની નીચેની માટી સતત ખસી રહી હતી. ચમોલીમાં પણ વાદળ ફાટ્યું હતું. રાજ્યમાં 16 ઓગસ્ટે પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.