સમાન્ય રીતે અન્ય રાજ્યોમાં પોલીસની વિશેષ શાખાઓ જેમકે CID અને ATS હાઈપ્રોફાઈલ કેસ સોલ્વ કરતી હોય છે, પણ કોંગ્રેસશાસિત હિમાચલ પ્રદેશમાં CIDને એક એવા કેસ માટે કામે લગાડવામાં આવી છે, જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. બન્યું એવું કે મુખ્યમંત્રી સુખવિંદર સિંઘ સુક્ખુ (Sukhvinder Singh Sukhu) માટે એક ફાઈવ સ્ટાર હોટેલમાંથી સમોસા (Samosa) અને કેક મંગાવવામાં આવ્યાં હતાં, પણ તે તેમને ન પીરસતાં તેમના સિક્યુરિટી સ્ટાફને પીરસી દેવામાં આવ્યાં. આવી મોટી ભૂલ પાછળ કોનો હાથ છે તે શોધી કાઢવા પછીથી CID કામે લાગી અને એજન્સીએ પછીથી તપાસ પણ કરી.
આ મામલો ગત 21 ઑક્ટોબરનો છે. આ દિવસે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંઘ સુક્ખુ સાયબર વિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા CID હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં તેમના માટે એક ફાઈવ સ્ટાર હોટેલમાંથી સમોસા અને કેકનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. પણ તે CM સુધી પહોંચ્યા જ નહીં અને સિક્યુરિટી સ્ટાફ જ આ સમોસા ઝાપટી ગયો. જ્યારે આ વાતની જાણ થઈ તો CIDએ તપાસ કરી અને એ નિષ્કર્ષ પર પહોંચી કે આ સમન્વયના અભાવે થયું હતું અને ‘મોટી ચૂક’ થવાના કારણે સમોસા મુખ્યમંત્રી સુધી ન પહોંચી શક્યા.
CIDને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જે મહિલા અધિકારીને આ ડબ્બાઓ સોંપવામાં આવ્યા હતા તેમણે કોઈ પણ વરિષ્ઠ અધિકારી સાથે પુષ્ટિ કર્યા વિના જ આ ડબ્બા મિકેનીકલ ટ્રાન્સપોર્ટ વિભાગને સોંપી દીધા હતા. જેથી આ નાસ્તો યોગ્ય જગ્યાએ પહોંચી ન શક્યો. એજન્સીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે સંકલનના અભાવે આમ બન્યું હતું. મહિલા અધિકારીએ જણાવ્યું કે, તેમને ખબર ન હતી કે ડબ્બામાં મુખ્યમંત્રી માટે મંગાવવામાં આવેલો નાસ્તો છે અને તેમણે ખોલ્યા વગર સીધા જ તેને MT વિભાગને મોકલી દીધા હતા. સમગ્ર તપાસ બાદ જાણવા મળ્યું કે માત્ર SI રેન્કના અધિકારીને જ જાણકારી હતી કે મુખ્યમંત્રી અને અન્ય VVIP માટે એક હોટેલમાંથી નાસ્તો મંગાવવામાં આવ્યો છે અને તે કયા ડબ્બામાં છે.
21 ઓક્ટોબરે ઘટેલી આ ઘટના મામલે એક મહિલા અધિકારી સહિત 5 પોલીસ કર્મચારીઓને ‘કારણ દર્શાવો’ નોટિસ પાઠવવામાં આવી હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. પરંતુ વિભાગ ઇનકાર કરી રહ્યો છે. એટલું જ નહીં, તપાસમાં આ કૃત્યને ‘સરકારવિરોધી કૃત્ય’ પણ ગણાવવામાં આવ્યું છે. એમ પણ કહેવામાં આવ્યું કે, જેઓ આ માટે જવાબદાર છે તેમણે પોતાના જ એજન્ડા અનુસાર કામ કર્યું હતું.
આ મામલે ભાજપે સુક્ખુ પર પ્રહાર કર્યા હતા. રાજ્યમાં સુક્ખુ સરકાર પર નિશાન સાધતા વિપક્ષી પાર્ટી ભાજપના મુખ્ય પ્રવક્તા રણધીર શર્માએ ગુરુવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, “સરકારને રાજ્યના વિકાસની ચિંતા નથી અને તેની એકમાત્ર ચિંતા મુખ્ય પ્રધાનના સમોસાની છે.” તેમણે ઉમેર્યું કે, “આ ઘટના હિમાચલ પ્રદેશના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. મુખ્ય પ્રધાન જેવા VVIPને સામેલ કરતા કાર્યક્રમમાં આવા સંકલન સમસ્યાઓના કારણે સરકારી તંત્ર શરમ અનુભવે છે.”
સરકારે ઊંચા હાથ કર્યા, કહ્યું- અમે આદેશ નથી આપ્યા, એજન્સી પોતાની રીતે તપાસ કરતી હોય શકે
આ મામલે રાજ્ય સરકારનું સ્ટેન્ડ પણ સામે આવ્યું છે. સરકારનું કહેવું છે કે તેમણે આ મામલે કોઈ તપાસના આદેશ આપ્યા નથી અને CID પોતાની રીતે આંતરિક તપાસ હાથ ધરી રહી હોય તેવું બની શકે છે. મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર નરેશ ચૌહાણે એક નિવેદનમાં કહ્યું કે, “સરકારે આવો કોઈ તપાસનો આદેશ નાથી આપ્યો અને અમને કશું લાગતું-વળગતું પણ નથી. CID પોતાના સ્તરે તપાસ કરી રહી હોય શકે. બીજી તરફ, CIDના DG સંજીવ રંજને પણ કહ્યું કે, એજન્સી પોતાની રીતે તપાસ કરી રહી છે.
તેમણે કહ્યું કે, “મુખ્યમંત્રી અમારા કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા. કાર્યક્રમ પૂરો થયો પછી અધિકારીઓ ચા-નાસ્તો કરી રહ્યા હતા. ત્યારે કોઈએ કહ્યું કે, બીજો પણ નાસ્તો લાવવામાં આવ્યો છે. ત્યારે જાણ થઈ. આ CIDનો આંતરિક મામલો છે. જોકે, તેમણે કહ્યું હતું કે આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે અને નોટિસ પણ ઇસ્યુ નહીં થાય.