હિમાચલ પ્રદેશના શિમલામાં એક પૂજારીની હત્યાનો મામલો સામે આવ્યો છે. શિમલાના ઢલી વિસ્તારના એક મંદિરમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના પૂજારીની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ મૃતદેહને મંદિરની બહાર ઝાડીઓમાં ફેંકી દેવામાં આવ્યો હતો. 59 વર્ષના પૂજારી છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી મંદિરમાં રહેતા હતા.
મૃતક પૂજારીની ઓળખ મહારાષ્ટ્ર નિવાસી સુનિલદાસ તરીકે થઈ છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. શિમલા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવી રહ્યું છે. આ ઘટના ઢલી પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા કાંતી ગામના ભૂતેશ્વર મંદિરની હોવાનું જણાયું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર નિવાસી સુનિલદાસ માર્ચ 2021થી ભૂતેશ્વર મંદિરમાં પૂજારી તરીકે રહેતા હતા. ગત 8 ઓગસ્ટના રોજ અનુયાયીઓએ સુનિલદાસનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમનો મોબાઈલ બંધ હતો. ભૂતેશ્વર મંદિરમાં પણ પૂજારી હાજર નહોતા. સંદિગ્ધ પરિસ્થિતિમાં ગુમ થયા બાદ અનુયાયીઓએ તેમની તપાસ ચાલુ કરી હતી. 12 ઓગસ્ટ (શનિવાર)ના રોજ તેમનો મૃતદેહ મંદિરથી 15 મીટર દૂર ઝાડીઓમાં પડેલો મળ્યો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક પૂજારીના શરીર પર ઈજાના નિશાન હતા. ફોરેન્સિક ટીમ દ્વારા તેની યોગ્ય તપાસ કરવામાં આવી હતી. દંડા વડે માર મારી પૂજારીની હત્યા કરી હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ મંદિર નિર્જન જગ્યા પર આવેલું છે અને એક કિલોમીટર સુધી કોઈ રહેઠાણ પણ નથી. મંદિર પરિસરમાં CCTV પણ નથી.
શિમલાના એસપી સંજીવ ગાંધી દ્વારા પુષ્ટિ કરી જણાવાયું છે કે, અજ્ઞાત અપરાધીઓએ શિમલામાં ઢલી પોલીસ સ્ટેશન અંતર્ગત આવેલા એક મંદિરના પૂજારીની હત્યા કરી હતી. આ મામલે ઢલી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 અંતર્ગત હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ તેના અનુયાયીઓને સોંપવામાં આવ્યો હતો. અનુયાયીઓએ મૃતદેહનો અગ્નિસંસ્કાર કર્યો હતો. ઘટના સ્થળેથી ફોરેન્સિક ટીમે સેમ્પલ એકત્રિત કર્યા છે. તેમણે ઉમેર્યું કે આ મામલે તપાસ ચાલુ છે અને જલ્દીથી હત્યારાઓની ધરપકડ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ગત વર્ષે રાજસ્થાનમાં આવી ઘટના નોંધાઈ હતી જેમાં રાજસ્થાનના ધૌલપૂરમાં પૂજારીની હત્યા કરી દેવામાં આવી હતી, ધૌલપૂર જિલાના કંચનપુર ક્ષેત્રના ટોંટરી ગામે માતાના મંદિરમાં પુજારી તરીકે સેવા આપતા પુજારીની અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી દીધી હતી. જે પછી હત્યારાઓએ ધારદાર હથિયારથી લાશના 4 ટુકડા કરીને પ્લાસ્ટીકના અલગ અલગ બોરામાં ભરીને નદી કિનારે ફેંકી દીધા હતા.