હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે બહુમતી સાથે જીત તો મેળવી લીધી, પરંતુ હવે પાર્ટીને મુખ્યમંત્રી પસંદ કરવામાં અડચણો આવી રહી છે. એક તરફ પાર્ટી હાઇકમાન્ડે મુખ્યમંત્રી તરીકે સુખવિન્દર સિંઘ સુક્ખુના નામ પર પસંદગી ઉતારી છે તો બીજી તરફ સીએમ પદની રેસમાં આગળ ચાલતાં પ્રતિભાસિંહના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને નારાબાજી કરી રહ્યા છે.
Congress leader Sukhwinder Singh Sukhu to be CM of Himachal Pradesh and Mukesh Agnihotri to be Deputy CM. Oath ceremony will take place tomorrow at 11 am: Chhattisgarh CM Bhupesh Baghel pic.twitter.com/k5esMKURZB
— ANI (@ANI) December 10, 2022
છત્તીસગઢના મુખ્યમંત્રી અને સિમલા પહોંચેલા કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલે અધિકારીક જાણકારી આપતાં કહ્યું કે, સુખવિન્દર સિંઘ સુક્ખુ હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી બનશે જ્યારે મુકેશ અગ્નિહોત્રી ડેપ્યુટી સીએમ હશે. બંને આવતીકાલે 11 વાગ્યે શપથ લેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
શુક્રવારે હિમાચલ પ્રદેશમાં ધારાસભ્ય દળની એક બેઠક મળી હતી, જેમાં મુખ્યમંત્રી બનાવવાની જવાબદારી હાઇકમાન્ડને સોંપવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. જોકે, આમ તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે, પરંતુ કોંગ્રેસમાં હાઇકમાન્ડ ગાંધી પરિવાર જ રહે છે. જેથી ખડગેએ ગાંધી પરિવાર સાથે ચર્ચા કરીને આ નામ નક્કી કર્યું હતું.
એક તરફ હિમાચલમાં મુખ્યમંત્રી નક્કી કરવા માટે પાર્ટી નેતૃત્વ અસમંજસમાં મૂકાઈ હતી તો બીજી તરફ રાજ્યમાં જેમનાં નામો સીએમ પદની રેસમાં ચાલી રહ્યાં હતાં એ નેતાઓના સમર્થકોએ નારાજગી વ્યક્ત કરવાની શરૂ કરી દીધી હતી. કોંગ્રેસ પ્રભારી રાજીવ શુક્લા અને નિરીક્ષકો ભુપેન્દ્રસિંહ હુડ્ડા અને ભૂપેશ બઘેલ ચર્ચા માટે સિસલ હોટેલ પહોંચ્યા ત્યારે ત્યાં બહાર ભીડ એકઠી થઈને નારાબાજી કરવા માંડી હતી.
#WATCH | Supporters of Himachal Pradesh Congress president Pratibha Virbhadra Singh raise slogans in Shimla pic.twitter.com/zfeh5vODwp
— ANI (@ANI) December 10, 2022
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત બાદ પ્રતિભાસિંહના સમર્થકો તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે. દરમિયાન આજે પ્રતિભાસિંહના સમર્થકો હોટેલની બહાર પહોંચી ગયા હતા અને ‘હાઈકમાન હોશ મેં આઓ..’ અને ‘હોલીલોજ (પ્રતિભાસિંહનું નિવાસસ્થાન) સાતવીં બાર..’ના નારા લગાવ્યા હતા. સમર્થકોએ આરોપ લગાવ્યો કે પહેલાં સુનિયોજિત ષડ્યંત્ર હેઠળ પ્રતિભાસિંહને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યાં અને 6 વખત સીએમ રહેલા દિવગંત વીરભદ્રસિંહના નામે મત મેળવીને હવે તેમની અવગણના કરવામાં આવી રહી છે. તેમણે સુક્ખુના નામનો વિરોધ પણ કર્યો હતો.
68 વિધાનસભા બેઠકો ધરાવતી હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસે 40 બેઠકો સાથે જીત મેળવી, જ્યારે ભાજપને 25 બેઠકો જ મળી શકી. કોંગ્રેસની જીત સાથે જ પાર્ટીમાં મુખ્યમંત્રી કોને બનાવવા તેને લઈને વિખવાદ શરૂ થઇ ગયો હતો. જેને લઈને શુક્રવારે પણ પાર્ટી કાર્યાલય પર હંગામો ચાલુ રહ્યો અને બે પ્રબળ દાવેદારો સુખવિન્દરસિંઘ અને પ્રતિભાસિંઘના સમર્થકો પોતપોતાના નેતાના પક્ષમાં નારાબાજી કરતા રહ્યા હતા. આખરે પાર્ટીએ સુક્ખુના નામ પર મહોર મારી છે. જોકે, પાર્ટી આંતરિક વિખવાદ ખાળી શકશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.