હરિયાણાના ફરીદાબાદ પોલીસને જંગલમાંથી શરીરના અંગોથી ભરેલી એક સુટકેસ મળી આવી છે. આ સૂટકેસ 24 નવેમ્બરે સૂરજકુંડના જંગલમાંથી મળી આવી હતી. પોલીસને શંકા છે કે હરિયાણા સુટકેસમાં ભરેલા શરીરના અંગો મુંબઈની 27 વર્ષીય શ્રદ્ધા વાલકરના હોય શકે છે. ફરીદાબાદ પોલીસે લાશના ટુકડા ભરેલી સુટકેસ અંગે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો છે.
અહેવાલો મુજબ પોલીસે જણાવ્યું છે કે શરીરના અંગો પ્લાસ્ટિક અને બારદાનની થેલીઓમાં લપેટેલા મળી આવ્યા હતા, જ્યારે સૂટકેસ પાસે કપડાં અને બેલ્ટ પણ મળી આવ્યા છે. ફરીદાબાદ પોલીસનું કહેવું છે કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે મૃતક વ્યક્તિની હત્યા બીજે ક્યાંક કરવામાં આવી હોય અને તેના શરીરના અંગો અન્ય જગ્યાએ ફેંકી દેવામાં આવ્યા હોય. જેથી કોઈની ઓળખ ન થઈ શકે. ફરીદાબાદ પોલીસનો સંપર્ક કર્યા બાદ દક્ષિણ દિલ્હીની મહેરૌલી પોલીસ ત્યાં પહોંચી અને તેમની સાથે તપાસ શરૂ કરી છે. અહીં નોંધવું જરૂરી છે કે મહેરૌલી પોલીસ જ શ્રદ્ધા હત્યા કાંડનો કેસ તપાસી રહી છે અને હરિયાણા પોલીસને લાશના ટુકડા ભરેલી સુટકેસ જંગલમાંથી મળી આવી હોવાની ઘટનાના તાર શ્રદ્ધા હત્યા કેસ સાથે જોડાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે.
Suitcase With Body Parts Spotted In Haryana, Police Suspect Links With Shraddha Walkar Murder Case#ShraddhaWalkar #AaftabPoonawala #HaryanaPolice https://t.co/7x7XLD3sR2
— ABP LIVE (@abplive) November 25, 2022
દિલ્હી પોલીસને આશંકા છે કે આ સૂટકેસમાંથી મળેલા શરીરના અંગો શ્રદ્ધા હત્યા કેસ સાથે સંબંધિત હોય શકે છે. અહેવાલો અનુસાર, મળી આવેલા શરીરના અંગોમાં જે ધડ મળ્યું છે તે મહિનાઓ જુનું છે. હાલ એ પણ સ્પષ્ટ નથી થયું કે આ ધડ પુરુષનું છે કે સ્ત્રીનું. પોલીસે આ ટુકડાઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. ત્યારબાદ જ તેનાથી સંબંધિત તથ્યો સ્પષ્ટ થશે. બીજી તરફ ફરીદાબાદ પોલીસનું પણ કહેવું છે કે તેમણે શરીરના કેટલાક સેમ્પલ સાચવી રાખ્યા છે. જો દિલ્હી પોલીસને તેની જરૂર પડશે તો સોંપવા પણ તૈયાર છે.
Suitcase with body parts found in Haryana; Police suspect links with Shraddha murder
— ANI Digital (@ani_digital) November 25, 2022
Read @ANI Story | https://t.co/eXTOGFP5Fk#ShraddhaWalkar #Shraddha #ShraddhaMurderCase #Haryana pic.twitter.com/ft47XWoBAf
શ્રદ્ધા હત્યા કેસ
આફતાબ આમીન પૂનાવાલા નામના ઈસમે હિંદુ યુવતી શ્રદ્ધાને પહેલાં ગળું દબાવીને મારી નાંખી હતી અને ત્યારબાદ તેના મૃતદેહના 35 ટુકડા કર્યા હતા. જેને પાણી વડે ધોઈને સાફ કરીને ભરવા માટે એક ફ્રિજ પણ લાવ્યો હતો. ત્યારબાદ તે દરરોજ રાત્રે 2 વાગ્યે નીકળીને ટુકડાઓ નજીકમાં આવેલા જંગલ અને આસપાસના વિસ્તારોમાં ફેંકી આવતો હતો.
શ્રદ્ધા અને આફતાબ બંને એકલાં જ રહેતાં હતાં. ઘણા સમયથી યુવતીએ સંપર્ક ન કરતાં તેના પિતા તપાસ કરતા દિલ્હી આવી પહોંચ્યા હતા. જ્યાં પણ ફ્લેટ પર તાળું લાગેલું જોતાં તેમણે પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. આખરે છ મહિના બાદ પોલીસ આફતાબ સુધી પહોંચી શકી હતી અને સમગ્ર કેસની વિગતો બહાર આવી હતી. હાલ આફતાબ પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
જેમ-જેમ આ કેસની તપાસ આગળ ચાલી રહી છે તેમ નવા અને ચોંકાવનારા ખુલાસા પણ થઇ રહ્યા છે. જેમાં આફતાબ શ્રદ્ધાની હત્યા બાદ પણ અનેક યુવતીઓને તેના ફ્લેટ પર લાવ્યો હોવાનું અને શ્રદ્ધા સાથે અગાઉ પણ મારપીટ કરી ચૂક્યો હોવા સહિત અનેક મોટા ખુલાસા થયા છે.