હરિયાણા વિધાનસભાની ચૂંટણી (Haryana Legislative Election) ચાલી રહી છે ત્યારે કોંગ્રેસના હરિયાણાના એક ધારાસભ્યનો દીકરો મની લોન્ડરિંગ કેસમાં જેલમાં હોવા છતાં મુક્ત રીતે ફરતો અને તેના પિતા માટે પ્રચાર કરી રહ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA) ધરમસિંઘ ચોખરના પુત્ર સિકંદર સિંઘની ગત વર્ષે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર, તે બીમારીનું બહાનું કાઢીને તાજેતરમાં રોહતકની એક હોસ્પિટલમાં દાખલ થયો હતો અને ત્યાંથી હવે શહેરમાં મુક્તપણે ફરી રહ્યો છે અને કાર્યકર્તાઓની મિટિંગ પણ લઈ રહ્યો છે.
આ ઘટસ્ફોટ આજતકના એક રિપોર્ટમાં થયો છે. વિશેષ અહેવાલમાં જણાવવામાં આવ્યું કે, હરિયાણા રાજ્યના સ્મલખાથી કોંગ્રેસના ધારાસભ્ય ધરમસિંઘ ચોખરનો પુત્ર સિકંદર સિંઘ 400 કરોડના કૌભાંડના આરોપમાં જેલમાં બંધ છે. ગત વર્ષે માર્ચ મહિનામાં ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. પરંતુ તાજેતરમાં તે બીમારીનું બહાનું કાઢીને રોહતકની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. આરોપ છે કે ત્યારબાદ તે હોસ્પિટલમાંથી નીકળીને જાહેર રસ્તાઓ પર ફરતો જોવા મળ્યો હતો.
અહેવાલ અનુસાર તે ખુલ્લેઆમ ફોન પર વાતો પણ કરતો હોય છે. આ સિવાય ફરીથી ચૂંટણી લડી રહેલા તેના પિતાના પ્રચાર-પ્રસાર માટે કોંગ્રેસ કાર્યકર્તાઓની મીટીંગ પણ લેતો હોય છે. આ ઉપરાંત તે લક્ઝુરીયસ કારમાં ફરતો પણ જોવા મળ્યો હતો. મહત્વની બાબત એ છે કે તેની સાથે કોઈ પોલીસકર્મી પણ હાજર હોતા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે કોર્ટે તેને શરતોને આધીન અને પોલીસ બંદોબસ્ત સાથે જ તેને હોસ્પિટલમાં ભરતી કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ કોંગ્રેસ ધારાસભ્ય કે તેમનો પુત્ર કોઈ કોર્ટના આદેશનું પાલન કરતા જોવા મળી રહ્યા નથી. ઉપરાંત રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સિકંદર સિંઘનો બહાર ખુલ્લેઆમ ફરતા CCTV ફૂટેજનો વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં સિકંદર સિંઘ ન્યાયિક કસ્ટડીમાં હોવા છતાં કાયદાકીય નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતો જોવા મળે છે.
આ મામલે EDએ ગુરુગ્રામ પોલીસ કમિશ્નર અને DG જેલ હરિયાણાને પત્ર લખીને સિકંદર સિંઘની વિરુદ્ધમાં પુરાવા મોકલ્યા હતા, તથા કેવી રીતે તે કાયદાકીય નિયમો અને પોલીસ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરી રહ્યો છે તે પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ધરમસિંઘ અને તેમના પુત્ર સિકંદર સિંઘ, બંને વિરુદ્ધ 1,500થી વધુ ઘર ખરીદારો સાથે 400 કરોડની છેતરપિંડી કરી હોવાના આરોપ છે.
EDએ બંને વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ઑગસ્ટ, 2024માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સિકંદર સિંઘની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેણે બીમારી અને મેડિકલ રિપોર્ટ્સ બનાવીને જેલમાંથી નીકળવાનું બહાનું શોધી લીધું હતું. આજતકે રિપોર્ટમાં જણાવ્યું છે કે વાસ્તવમાં તેને કોઈ ગંભીર બીમારી નથી, જેનાથી વારેવારે હોસ્પિટલમાં દાખલ થવું પડે.