ચૈત્ર સુદ પૂનમના રોજ મનાવવામાં આવતી ‘હનુમાન જયંતી’નું હિંદુ ધર્મમાં અનેરું મહત્વ છે. પ્રભુ શ્રીરામના પરમ ભક્ત બનીને આ દિવસે શંકર ભગવાને ‘હનુમાનજી’ સ્વરૂપે પોતાનો અગિયારમો અવતાર ધારણ કર્યો હતો. બજરંગબલીના ભક્તો આ દિવસને ધામધૂમથી મનાવે છે. આ દિવસે મંદિરોથી લઈને હિંદુઓના ઘરમાં પણ વિશેષ પૂજા થાય છે અને શોભાયાત્રા પણ નીકળે છે. સોશિયલ મીડિયા આવ્યું એ પછી આવા વિશેષ દિવસનો ઉત્સાહ વધ્યો છે. જોકે, આ દિવસોમાં સોશિયલ મીડિયા પર હનુમાન જયંતી કે જન્મોત્સવ એ અંગે ભક્તો જુદા-જુદા તર્ક પણ કરતા જોવા મળે છે.
યુઝર્સ એ વાતે દલીલો કરી રહ્યા છે કે આપણે હનુમાનજીની જન્મતિથિને ‘જયંતી’ કહેવું જોઈએ કે પછી ‘જન્મોત્સવ’?
હનુમાન જયંતી કે જન્મોત્સવ… સાચું શું છે?
તમે પણ સોશિયલ મીડિયા પર એવા મેસેજ વાયરલ થતા જોયા હશે જેમાં ભક્તોને ‘હનુમાન જયંતી’ને બદલે ‘હનુમાન જન્મોત્સવ’ કહેવાની વિનંતી કરવામાં આવી હોય. આ કહેવા પાછળ તેમનો તર્ક એ છે કે જયંતી શબ્દ ‘મૃત પામેલા લોકોના જન્મદિવસ’ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યારે હનુમાનજી એ ચિરંજીવી છે જે આજે પણ ધરતી પર હાજર છે અને કળિયુગના અંત સુધી રહશે.
આવા મેસેજ અને તેની પાછળના તર્ક વાંચીને કોઈપણ વિચારમાં પડી જાય કે શું ખરેખર આજે પાવન અવસરે આપણે જયંતી શબ્દનો ખોટો પ્રયોગ કર્યો અને ખરેખર જન્મોત્સવ કહેવું જોઈતું હતું!
Dear Hindus,
— Vibhu Vashisth 🇮🇳 (@Indic_Vibhu) April 6, 2023
Please stop calling ‘Hanuman Janmotsav’ as ‘Hanuman Jayanti’.
🌺It is Hanuman Janmotsav and not Hanuman Jayanti.🌺
As we know that Jayanti is celebrated on Birthday of those people who are no more on this earth. But Hanuman Ji is still alive and present on earth. pic.twitter.com/hUfDoA5lv1
જયંતી શબ્દનો અર્થ શું થાય?
આજે આપણે આ વિષય પર થોડી જાણકારી મેળવીએ. આજના સમયમાં કોઈપણ શબ્દનો અર્થ જાણવા માટે સૌથી સરળ રસ્તો ઈન્ટરનેટનો છે. ગૂગલ પર આ શબ્દનો અર્થ મળે છે- ‘વિજયિની’ એટલે કે વિજય મેળવનારી સ્ત્રી અને બીજો અર્થ ‘કોઈ પુણ્ય આત્માની જન્મતિથિનો દિવસ’. આ ઉપરાંત, ધજા, મા દુર્ગાનું નામ વગેરે અર્થ પણ મળ્યા. પરંતુ, ‘મૃત લોકોથી સંબંધિત’ એ પ્રકારનો અર્થ ન મળ્યો.
શાસ્ત્રોમાં જયંતી શબ્દનો અર્થ
લોકગાથા નામની યુટ્યુબ ચેનલ પર એક રસપ્રદ માહિતી આપવામાં આવી છે જેમાં ‘જયંતી’ શબ્દના સંસ્કૃતમાં અર્થ જણાવવામાં આવ્યા હતા. વિડીયોમાં શાસ્ત્રોનો ઉલ્લેખ કરીને ‘જયંતી’ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી છે. આ વિડીયો 11 મહિના પહેલા 2022માં આ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો.
તેમાં જણાવ્યા મુજબ, સ્કંદ પુરાણમાં લખ્યું છે કે,
“જયં પુણ્ય ચ કુરૂતે જયંતીમિતિ તાં વિદુ:।” અર્થાત જે જય અને પુણ્ય પ્રદાન કરે તેને ‘જયંતી’ કહે છે. એ પછી વિડીયોમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું.
આપણે આ પવિત્ર તિથિને જન્માષ્ટમી તરીકે ઓળખીએ છીએ, પણ શું તમને ખ્યાલ છે કે શાસ્ત્રમાં આ તિથિને ‘જયંતી’ કહેવામાં આવે છે.
સ્કંદ પુરાણના એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે-
જયન્ત્યામ ઉપવાસશ્યચ મહાપાતકનાશન:।
સર્વે કાર્યો મહાભક્ત્યા પૂજનીયશ્ય કેશવ:।।
આનો અર્થ થાય શ્રીકૃષ્ણ જયંતીનું વ્રત મહાપાતકનો વિનાશ કરે છે. એટલે ભક્તિપૂર્વક આ વ્રત કરતા ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરો.
વિષ્ણુ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે- રોહિણી નક્ષત્ર સંયુક્ત જન્માષ્ટમી જયંતી કહેવાય છે.
આ ઉપરાંત, ભગવદગીતામાં ભગવાને પોતાના જન્મને દિવ્ય જણાવ્યો છે. તેમણે ચોથા અધ્યાયના નવમા શ્લોકમાં કહ્યું છે- જન્મ કર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્વતઃ। અર્થાત “અર્જુન મારો જન્મ અને કર્મ બંને દિવ્ય છે.”
હવે વિચારવાલાયક વાત એ છે કે ભગવાન શ્રીકૃષ્ણની જેમ હનુમાનજીનો જન્મ પણ દિવ્ય જ છે ને. હનુમાનજી પોતે શિવજીના અગિયારમા અવતાર છે જેમણે પ્રભુ શ્રીરામની મદદ કરવા માટે પૃથ્વી પર જન્મ લીધો અને આજે પણ ધરતીના સંરક્ષક છે.
અહીં એ સ્પષ્ટ છે કે જયંતી શબ્દનો અર્થ મૃત વ્યક્તિ સાથે જોડાયેલો નથી. એટલે હનુમાન જન્મતિથિને ‘જયંતી’ કહેવામાં કંઈ ખોટું નથી. જે લોકો આ દિવસને હનુમાનજીનો જન્મોત્સવ કહે છે, તેઓ પણ ખોટા નથી, કારણકે, હનુમાનજીના જન્મનો દિવસ એ હિંદુઓ માટે ખરેખર તારીખથી વિશેષ એક ઉત્સવ છે.