Friday, April 12, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકિંગ ઓફ સાળંગપુર: આજે હનુમાનજીની 30 હજાર કિલોની 54 ફૂટ ઊંચી મૂર્તિનું...

  કિંગ ઓફ સાળંગપુર: આજે હનુમાનજીની 30 હજાર કિલોની 54 ફૂટ ઊંચી મૂર્તિનું થશે અનાવરણ, હનુમાન જયંતીના દિવસે ગૃહમંત્રી અમિત શાહ નવી ભોજનશાળા ખુલ્લી મુકશે

  હનુમાનજીની આ પ્રતિમા 54 ફૂટ ઊંચી છે. જેમાં તેમના હાથની લંબાઈ 6.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે. જ્યારે તેમના પગની લંબાઈ 8.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે. મહાબલીનું મુખારવિંદ જ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે.

  - Advertisement -

  બુધવાર, 5 એપ્રિલ 2023ના દિવસથી દેશ-વિદેશના કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન સાળંગપુર હનુમાનજી હવે ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામથી ઓળખાશે. આમ તો કષ્ટભંજન દેવ નામ બોલતા જ શ્રદ્ધાળુઓને હનુમાન દાદાની ભવ્ય પ્રતિમાનું સ્મરણ થઈ આવે, પરંતુ હવે શ્રદ્ધાળુઓને વધુ એક દિવ્ય હનુમંત પ્રતિમાના દર્શન થવાના છે. આજે પ્રતિમાનું અનાવરણ થવાનું છે અને આવતી કાલે હનુમાન જયંતીના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અહીંયાની નવી ભોજનશાળાનું અનાવરણ કરશે.

  અહેવાલો મુજબ હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ એટલે કે બુધવારે સાળંગપુર ધામમાં 54 ફૂટ ઊંચી હનુમાન દાદાની આ પ્રતિમા ‘કિંગ ઓફ સાળંગપુર’નું અનાવરણ કરવામાં આવશે. ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદદાસજી મહારાજના હસ્તે હનુમાન દાદાની ભવ્ય અને વિશાળકાય મૂર્તિનું અનાવરણ થશે. જેને લઈને સાળંગપુર હનુમાનજી મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ પાવન અવસરનો લ્હાવો લેવા માટે સાળંગપુરમાં અત્યારથી જ મોટાપાયે શ્રદ્ધાળુઓનો જમાવડો થઈ રહ્યો છે.

  જે બાદ 6 એપ્રિલે હનુમાન જયંતિના પાવન પર્વ પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અહીં અત્યાધુનિક ભોજનાલયનું લોકાર્પણ કરવાના છે. દેશની પવિત્ર ભૂમિઓ પરથી માટી લાવીને આ સ્થાન પર પાથરવામાં આવી અને તેના પર ભોજનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે હનુમાન દાદાના દિવ્ય મહોત્સવને લઈને પોલીસ દ્વારા પણ ટ્રાફિકથી લઈને સુરક્ષા સુધી એમ તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

  - Advertisement -

  હરિયાણાના માનેસરમાં તૈયાર થઇ છે પ્રતિમા

  કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાનું નિર્માણ હરિયાણાના માનેસરમાં કરવામાં આવ્યું છે. મૂર્તિ પંચધાતુથી બનાવવામાં આવી છે. 200થી 300 કારીગરોએ રોજના આઠ કલાક કામ કરીને પ્રતિમા તૈયાર કરી છે.

  જે બાદ મૂર્તિના અલગ-અલગ ભાગને સાળંગપુર લાવી અને પછી તેને જોડીને આ ભવ્ય રૂપ પ્રદાન કરવામાં આવ્યું છે.

  હનુમાન દાદાની ભવ્ય પ્રતિમાનું કરાશે અનાવરણ

  આજે (5 એપ્રિલ) સાંજે પાંચ વાગ્યે હનુમાન દાદાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે. આ મૂર્તિ પંચધાતુમાંથી બનાવવામાં આવી છે અને 30 હજાર કિલો વજન ધરાવે છે. મૂર્તિની પૂજાવિધિ કર્યા બાદ રાતે ભવ્ય લોકડાયરાનું આયોજન પણ થવાનું છે.

  જે બાદ 6 એપ્રિલના રોજ હનુમાન જયંતીના પર્વ પર તેમની મંગળા આરતી કર્યા બાદ શણગાર આરતી કરવામાં આવશે. બપોરે 11 કલાકે કેક કાપીને તેમને શુભેચ્છા પાઠવવામાં આવશે. હનુમાન જયંતી પર સાળંગપુરમાં યજ્ઞ પણ યોજાવાના છે, જેમાં આશરે 500 દંપતી ભાગ લેશે. હનુમાન જયંતી પર મંદિરમાં આખો દિવસ ભક્તોની ભીડ રહેશે અને તેમને તકલીફ ન પડે તે માટે ત્યાં શરબત-છાશના કાઉન્ટર ગોઠવવામાં આવશે.

  ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમાની વિશેષતાઓ

  હનુમાન દાદાની ભવ્ય પંચધાતુની પ્રતિમા 30 હજાર કિલો વજન ધરાવે છે અને 54 ફૂટ ઊંચી છે. પંચધાતુની જાડાઈ 7 એમએમની છે. જેમાં તેમના હાથની લંબાઈ 6.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે. જ્યારે તેમના પગની લંબાઈ 8.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે. મહાબલીનું મુખારવિંદ જ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે. જ્યારે કે તેમનો મુગટ 7 ફૂટ ઊંચાઈ અને 7.5 ફૂટ પહોળાઈ ધરાવે છે. તો પ્રભુની ગદા 27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી છે.

  11 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્રોજેકટ 1,45,888.49 સ્ક્વેર મીટર વિસ્તારમાં તૈયાર કરાયો છે. પ્રતિમાનો બેઝ બનાવતા એક વર્ષનો સમય લાગ્યો હતો. 50 હજાર સોલિડ ગ્રેનાઇટ રોક અને 30 હજાર ઘનફૂટ લાઇમ ક્રોંકિટના ફાઉન્ડેશનથી બેઝ બનાવાયો છે. આ બેઝ માટેના પથ્થરો મકરાણાથી મગાવાયા હતા.

  બેઝની ચારે બાજુ હનુમાન દાદાની પરિક્રમા 754 ફૂટ લાંબી હશે. સ્ટીલના સ્ટ્રક્ચરથી તૈયાર થયેલી આ પ્રતિમાને ભૂકંપની અસર થશે નહીં. પ્રતિમાના અલગ અલગ પાર્ટ એક હજાર કિમી દૂરથી સાળંગપુરમાં ગયા ઓક્ટોબરમાં લવાયા હતા. પ્રતિમા બનાવવા થ્રીડી પ્રિન્ટર, થ્રીડી રાઉટર અને સીએનસી મશીનનો ઉપયોગ કરાયો હતો.

  જેની આસપાસ હનુમાન ચરિત્રની કલાકૃતિઓને અંકિત કરવામાં આવી છે તે સંપૂર્ણ સાળંગપુર ધામ 9.17 લાખ સ્કવેર ફૂટ વિસ્તારમાં પથરાયેલું છે. જે પૈકી કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટને પણ 1.35 લાખ સ્કવેર ફૂટ જગ્યામાં વિસ્તારવામાં આવ્યો છે.

  ભોજનાલયની ખાસિયત

  ‘કિંગ ઓફ સાળંગપુર’ની સાથે-સાથે અહીં પાસે જ એક હાઈટેક ભોજનાલય પણ બનાવવામાં આવ્યું છે. જેનું કેન્દ્રીય મંત્રી અમિત શાહ અનાવરણ કરવાના છે.

  અહીં એકસાથે 10 હજાર લોકો ડાઈનિંગ ટેબલ પર બેસીને ભોજન લઈ શકશે. શ્રદ્ધાળુઓ માટે ભોજન બનાવવામાં અગવડતા ન પડે તે માટે ભવ્ય રસોડું પણ તૈયાર કરાયું છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં