ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં કોર્ટના આદેશ બાદ વહીવટીતંત્ર બુલડોઝર સાથે ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા માટે પહોંચ્યું હતું, પરંતુ ઇસ્લામી ટોળાએ ઉગ્ર થઈને પથ્થરમારો શરૂ કરી દીધો. ત્યારબાદ હિંસા, આગચંપી અને ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન અને પેટ્રોલ પંપ સળગાવી દેવામાં આવ્યાં હતાં. વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. આ ઘટના વચ્ચે બાઇક પર બેઠેલા એક વ્યક્તિનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો હતો. પથ્થરમારાની વચ્ચે તેમણે એક વીડિયો બનાવીને સમજાવ્યું હતું કે ત્યાં શું થઈ રહ્યું છે. તે પ્રત્યક્ષદર્શીએ ઑપઈન્ડિયાને ઘટના વિશેની વિગતવાર માહિતી આપી છે.
વિડીયોમાં તેઓ કહેતા જોવા મળે છે કે, જ્યારે પોલીસના જવાનો પર પથ્થરમારો થઈ શકે છે તો તમે અને હું તો શું કહેવાઈએ. વિડીયોમાં તેઓ કહે છે કે, “આ છે ભાઈચારો. આવો, ભાઈચારો બતાવું તમને.” તેમણે કેમેરામાં બતાવ્યું કે, કેવી રીતે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. ઑપઈન્ડિયાએ વાયરલ વિડીયોમાં જોવા મળી રહેલા વ્યક્તિને શોધી કાઢ્યો છે. તેમનું નામ દીપાંશુ છે. ઑપઈન્ડિયા સાથે વાત કરતી વખતે દીપાંશુએ જણાવ્યું કે, આ વિડીયો ગુરુવાર (8 ફેબ્રુઆરી, 2024) સાંજે 5 વાગ્યા પછીનો છે.
પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, તેઓ ઘટનાસ્થળ (હલ્દ્વાનીમાં) પર હાજર જ હતા, તેઓ આવી રહ્યા હતા અને અરાજકતાનું વાતાવરણ જોયા પછી તેમને ખબર પડી કે ગેરકાયદેસર મસ્જિદ-મદરેસા પર બુલડોઝર ચલાવવાના કારણે ટોળાએ હુમલો કર્યો હતો. દીપાંશુના કહેવા પ્રમાણે, તેમણે જોયું કે 100-150 મહિલા કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા માટે હેલ્મેટ પહેરીને ભાગી રહી હતી. તેમણે કહ્યું કે, તેમાંના ઘણા કર્મચારીઓ ઘાયલ થયા હતા, જેમાંથી કેટલાકને તે લોકોએ હોસ્પિટલમાં ખસેડયા હતા. દીપાંશુએ જણાવ્યું કે તેમણે પોતે ઘાયલોને પાણી પીવડાવીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
‘પોલીસકર્મીઓને મુસ્લિમો પાણી પીવડાવી રહ્યા હતા’- આ નેરેટિવ પર દીપાંશુએ કહ્યું કે, તેમણે આવું કંઈ જોયું નથી, મુસ્લિમો તો પથ્થર ફેંકી રહ્યા હતા. દીપાંશુએ કહ્યું કે, સરકારી વિભાગના મોટાભાગના અધિકારીઓ ઘાયલ થયા હતા, કેટલાકના માથામાંથી, કેટલાકના પગમાંથી અને કેટલાકના હાથમાંથી લોહી વહી રહ્યું હતું. દીપાંશુએ કહ્યું કે, તેમને જોઈને ખૂબ જ દુખ થયું હતું કે, જ્યારે યુનિફોર્મ પહેરેલા લોકો જ પીડાઈ રહ્યા છે તો સામાન્ય લોકો શું કરી શકે, તેઓ રડી રહ્યા હતા અને તડપી રહ્યા હતા. તેમણે કહ્યું કે, જે લોકો હિંદુ-મુસ્લિમ ભાઈચારાની વાત કરે છે તેમના માટે જ તેમણે વીડિયો બનાવ્યો હતો.
દીપાંશુએ જણાવ્યું કે, મહિલા કોન્સ્ટેબલ રડી રહી હતી અને કહી રહી હતી કે, તેને ઈજા થઈ છે. તેમણે કહ્યું, “કલ્પના કરો કે જો કોઈ વ્યક્તિ પર ઈંટ પડે તો તે કેટલું રડે. તે ખૂબ જ દર્દનાક દ્રશ્ય હતું. હુમલાખોરો છત પરથી પથ્થરો ફેંકી રહ્યા હતા, ટાંકીમાં પાણીને બદલે પથ્થરો ભરેલા હતા. વીડિયો સરવેમાં કોઈ પત્થર મળ્યા નહોતા, તેને છુપાવીને રાખવામાં આવ્યા હતા. VHP અને ‘બજરંગ દળ’ના કાર્યકર્તાઓએ રક્તદાન કર્યું હતું. આમાં વહીવટીતંત્રનો કોઈ દોષ નથી. તે સરકારી આદેશ પર ફરજ બજાવવા આવ્યા હતા.”
દીપાંશુએ જણાવ્યું કે, ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવવામાં આવી રહ્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્ય સુમિત હૃદયેશ હજુ પણ તોફાનીઓની સાથે છે. તેમણે કહ્યું કે, પોલીસ પ્રશાસને કોઈને ટોર્ચર કર્યા નથી, ઉલટું તેમને રાક્ષસની જેમ મારવામાં આવ્યા છે. દીપાંશુ ફોટોગ્રાફીની દુકાન ચલાવે છે. નોંધનીય છે કે, હલ્દ્વાની ડીએમ વંદના સિંઘે કહ્યું હતું કે, પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ હલ્દ્વાનીના બનભૂલપુરામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને તોફાનીઓને જોતાં જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા હતા.