બહુચર્ચિત શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસ મામલે આજે કોર્ટમાં હિંદુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલ શિવલિંગના કાર્બન ડેટિંગની માંગ કરતી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ સુનાવણી ટાળી દેવામાં આવી છે અને આગલી તારીખ 11 ઓક્ટોબર મુકરર કરવામાં આવી છે. બીજી તરફ, મુસ્લિમ પક્ષે વાંધો ઉઠાવ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે.
કોર્ટે સુનાવણી હાથ ધરતાં હિંદુ પક્ષ પાસે અમુક સ્પષ્ટીકરણ પણ માંગ્યાં હતાં અને પૂછ્યું હતું કે સરવેમાં મળી આવેલ શિવલિંગ કેસની સંપત્તિનો હિસ્સો છે કે કેમ અને શું કોર્ટ વૈજ્ઞાનિક તપાસ માટે કમિશન રચી શકે કે કેમ. જે મામલે હિંદુ પક્ષે જવાબ દાખલ કર્યો હતો.
સુનાવણી બાદ હિંદુ પક્ષના વકીલે કહ્યું હતું કે, “કોર્ટે બે બાબતોએ સ્પષ્ટતા માંગી હતી, જે મામલે અમે જવાબ દાખલ કરી દીધો છે. અમે જણાવ્યું છે કે, શિવલિંગ અમારા કેસની સંપત્તિનો હિસ્સો છે તેમજ કોર્ટ નિયમો અને કાયદાના આધારે વૈજ્ઞાનિક તપાસ કરવા માટે નિર્દેશ આપી શકે છે. મુસ્લિમ પક્ષે જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો છે. હવે મામલો 11 ઓક્ટોબરે સાંભળવામાં આવશે.”
We said that it is part of our suit property and by virtue of Order 26 Rule 10A of CPC, the Court has power to direct scientific investigation. Muslim side has sought some time to reply. The matter will now be heard on October 11: Adv Vishnu Jain, representing the Hindu side pic.twitter.com/BndXQpjeTK
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 7, 2022
અહીં ઉલ્લેખનીય છે કે આ મામલે હિંદુ પક્ષની ચાર મહિલાઓએ સરવેમાં મળી આવેલા શિવલિંગના કાર્બન ડેટિંગની કે અન્ય વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ કરવાની માંગ કરી છે. જ્યારે એક મહિલા રાખી સિંહે આનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે તેનાથી શિવલિંગ ખંડિત થઇ શકે છે.
કોર્ટમાં ચાર મહિલાઓ વતી વકીલ વિષ્ણુ જૈને માંગ કરી છે કે શિવલિંગની નીચે અને આસપાસની તપાસ કરવામાં આવે અને આ તપાસ શિવલિંગ સાથે કોઈ પણ પ્રકારની છેડખાની કર્યા વગર કરવામાં આવે, એ ભલે કાર્બન ડેટિંગ હોય કે અન્ય પદ્ધતિ.
બીજી તરફ, પ્રતિપક્ષ મુસ્લિમ પક્ષે પણ કાર્બન ડેટિંગનો વિરોધ કર્યો છે અને કહ્યું કે, પથ્થર અને લાકડાનું કાર્બન ડેટિંગ થઇ શકે નહીં. તેમણે કોર્ટ સમક્ષ જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો છે. તેઓ 11 ઓક્ટોબરે વાંધો ઉઠાવતો જવાબ દાખલ કરશે તેમ જાણવા મળ્યું છે.
હવે, આ મામલે 11 ઓક્ટોબરના રોજ જ વધુ ચિત્ર સ્પષ્ટ થઇ શકશે અને કાર્બન ડેટિંગ પર પણ ત્યારે જ નિર્ણય આવી શકે છે.