વિવાદિત માળખા જ્ઞાનવાપી પરિસરમાં ચાલતા ASI સરવે પર રોક લગાવવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. અલાહાબાદ હાઇકોર્ટે પરવાનગી આપ્યા બાદ મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ કરીને સરવે રોકવાની માગ કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે હાલ આ કેસમાં કોઈ પણ પ્રકારે હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે ASIની એ દલીલ ધ્યાને લીધી જેમાં જણાવવામાં આવ્યું હતું કે સર્વેક્ષણ દરમિયાન કોઈ પણ જાતનું ખોદકામ કરવામાં આવશે નહીં કે માળખાને પણ નુકસાન પહોંચશે નહીં. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઇકોર્ટનો આદેશ યથાવત રાખ્યો હતો અને કહ્યું કે સરવે પર રોક લગાવવામાં આવશે નહીં અને પ્રક્રિયા ચાલુ રહેશે.
CJI: On your Order VII Rule 11, subject to hearing, we'll issue notice. So far as the survey is concerned, since all these safeguards have been ensured…after all it's in an interlocutory order, why should we entertain?#SupremeCourt #GyanvapiRow #GyanvapiMosque
— Live Law (@LiveLawIndia) August 4, 2023
ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેન્ચે નોંધ્યું કે, CPCના ઓર્ડર 26 નિયમ 10A હેઠળ ટ્રાયલ જજ દ્વારા પસાર કરવામાં આવેલો આદેશ પ્રથમ દ્રષ્ટિએ ન્યાયક્ષેત્રથી બહાર જઈને પસાર કરવામાં આવ્યો હોય તેમ જણાઈ રહ્યું નથી. (સુપ્રીમ) કોર્ટ હાઇકોર્ટના આદેશને નકારી શકે તેમ નથી. જેથી અમે હસ્તક્ષેપ કરીશું નહીં.
સુપ્રીમ કોર્ટમાંથી પણ માર્ગ મોકળો થઇ ગયા બાદ હવે વિવાદિત માળખા જ્ઞાનવાપી પરિસરનો સંપૂર્ણ સરવે કોઈ પણ મુશ્કેલી વિના પાર પાડવામાં આવશે. જોકે, આની શરૂઆત તો થઇ જ ગઈ છે. આજે પણ પરિસરમાં સરવે કરવાનું કામ હાથ પર લેવામાં આવ્યું હતું. પૂર્ણ થઇ ગયા બાદ તેનો રિપોર્ટ એક બંધ કવરમાં વારાણસીની જિલ્લા કોર્ટને સોંપવામાં આવશે.
વાસ્તવમાં ગત 21 જુલાઈના રોજ વારાણસીની જિલ્લા કોર્ટે જ્ઞાનવાપી પરિસરનો ASI સરવે કરવાની માગ કરતી હિંદુ પક્ષની અરજી સ્વીકારીને ગયા વર્ષે જ્યાંથી શિવલિંગ મળી આવ્યું હતું એ વજૂખાનાને છોડીને બાકીના વિસ્તારનો વૈજ્ઞાનિક સરવે કરવા માટે આર્કિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયાને લીલી ઝંડી આપી હતી. કોર્ટના આ આદેશ સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતાં કોર્ટે વારાણસી કોર્ટના આદેશ પર રોક લગાવીને મસ્જિદ સમિતિને અલાહાબાદ હાઇકોર્ટ જવા કહ્યું હતું. અલાહાબાદ હાઇકોર્ટે ગુરૂવારે (3 ઓગસ્ટ, 2023) સરવેની પરવાનગી આપી વારાણસી કોર્ટનો આદેશ યથાવત રાખ્યો હતો, જેની સામે ફરી મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે હવે રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે.