અખબારો ક્યારેક-ક્યારેક સમાચારો આપવામાં છબરડા કરી નાખતાં હોય છે. આવું તાજેતરમાં ‘ગુજરાત સમાચારે’ કર્યું છે. મજાની વાત એ છે કે જેમાં છબરડો થયો તે સમાચાર પણ છબરડાના જ હતા! સોશિયલ મીડિયા પર હવે નેટિઝન્સ મજા લઇ રહ્યા છે.
બન્યું હતું એવું કે તાજેતરમાં લક્ષદ્વીપ-માલદીવના વિવાદ વચ્ચે અભિનેતા રણવીર સિંહે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ગડબડ કરી નાખી હતી. તેમણે લક્ષદ્વીપના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરતી પોસ્ટમાં માલદીવના કોઇ બીચના ફોટાનો ઉપયોગ કર્યો હતો. જોકે, પછીથી ધ્યાને ચડતાં તેમણે પોસ્ટ ડીલીટ કરી દીધી હતી.
અભિનેતાની આ ગડબડ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની તો પછીથી મીડિયાનું પણ ધ્યાન ખેંચાયું. આખરે બે દિવસે ગુજરાતી અખબાર ‘ગુજરાત સમાચાર’ને પણ ધ્યાને ચડ્યું તો તેમણે પણ સમાચાર પ્રકાશિત કર્યા.
10 જાન્યુઆરી, 2024ની ગુજરાત સમાચારની બુધવારની આવૃત્તિમાં આ સમાચાર પ્રકાશિત થયા છે. હેડલાઈન કંઈક આ પ્રકારની છે- ‘રણવીરનો છબરડો: પોસ્ટ લક્ષદ્વીપની, ફોટા માલદિવના’. નીચે લખવામાં આવ્યું છે- ‘પાટલીબદલૂ બોલીવૂડ કલાકારોના દેશપ્રેમમાં ઊંડાણ નથી: નેટ પર આકરી ટીકા.’
સમાચારમાં લખવામાં આવ્યું છે કે, ‘માલદીવ વિવાદમાં અનેક બોલીવુડ સેલેબ્રિટીએ ઝંપલાવ્યું છે અને તેઓ લક્ષદ્વીપનો પ્રચાર કરી રહ્યા છે, પરંતુ આ પ્રવાહમાં જોડાયેલા રણવીર સિંહે લક્ષદ્વીપના પ્રચાર માટેની પોસ્ટમાં માલદિવ્સના ફોટા પોસ્ટ કરતાં ભારે ટ્રોલ થયો હતો.’ જોકે, અખબારે પછીથી લખ્યું કે, સામાન્ય રીતે PR એજન્સીઓ અભિનેતાઓનાં સોશિયલ મીડિયા હેન્ડલો સંભાળતી હોય છે તો તેમનાથી ભૂલ થઈ હોય શકે.
સમાચારમાં ઈન્ટરનેટ પર થતી ટીકાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો અને કહ્યું કે, લોકો કહી રહ્યા છે કે બોલીવુડ કલાકારોનો દેશપ્રેમ પણ છીછરો છે અન્યથા આવી રાષ્ટ્રીય મહત્વની પોસ્ટમાં તેઓ અંગત ધ્યાન આપી શકે તેમ હતા. ત્યારબાદ આગળ માલદીવ-ભારત વિવાદ વિશે જણાવવામાં આવ્યું છે અને એમ પણ કહેવામાં આવ્યું કે, માલદીવને લોકપ્રિય બનાવવામાં બોલીવુડ કલાકારોનો જ મોટો ફાળો છે અને હવે તેઓ લોકોના રોષનો ભોગ બની રહ્યા છે.
અહીં મજાની વાત આવે છે. રણવીર સિંહે જે ભૂલ કરી હતી તેવી જ ભૂલ ગુજરાત સમાચારે પણ કરી છે. કારણ કે સમાચારમાં જે ફોટો વાપરવામાં આવ્યો છે તે રણવીર સિંહનો નહીં પરંતુ રણબીર કપૂરનો છે. જેમને આ વિવાદ સાથે કશું જ લાગતું-વળગતું નથી. સમાચારમાં બધે જ રણવીર સિંહનો ઉલ્લેખ છે, પરંતુ તસવીર રણબીર કપૂરની છાપવામાં આવી છે!
રણવીર સિંહ અને રણબીર કપૂર- બંને છે બોલીવુડ અભિનેતાઓ, પરંતુ જુદા-જુદા વ્યક્તિઓ છે. ગુજરાત સમાચારે રણવીર સિંહના સમાચાર આપવા રણબીર કપૂરની તસવીરનો ઉપયોગ કર્યો. ટૂંકમાં, ગુજરાત સમાચારે પણ એ જ કર્યું, જે રણવીર સિંહે કર્યું હતું.
Photo Ranbir no news Ranveer Singh na.🧐🫨. #gujaratsamachar #irony #newspaper @adhirasy @parashah91 pic.twitter.com/yVPiAnDur0
— Akshay Vadodariya (@aki26991) January 10, 2024
જેવી રીતે ગુજરાત સમાચારે લખ્યું છે કે લોકો રણવીર સિંહને ટ્રોલ કરી રહ્યા છે, એ જ રીતે હવે અખબાર પણ નેટિઝન્સના નિશાને ચડી ગયું છે. લોકો આ છાપાનું કટિંગ શૅર કરીને મજા લઇ રહ્યા છે.
— Harshil (હર્ષિલ) (@MehHarshil) January 10, 2024
જોકે, ડિજિટલ મીડિયામાં પછીથી સુધારા-વધારાનો વિકલ્પ રહે છે, અખબારોમાં આવી કોઇ ‘સુવિધા’ મળતી નથી. જેથી હવે ગુજરાત સમાચારને આ ધ્યાને પણ આવે તેનો કોઇ અર્થ નથી.