Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની યાદી તૈયાર, CM પટેલ-ભાજપ અધ્યક્ષ પાટીલ...

    ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની યાદી તૈયાર, CM પટેલ-ભાજપ અધ્યક્ષ પાટીલ દિલ્હીમાં: કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં અપાશે અંતિમ ઓપ

    મોડી રાત સુધી ચાલેલી પ્રદેશ પાર્લામેન્ટ્રી બેઠકમાં ગુજરાત લોકસભાની તમામ સીટો માટે ઉમેદવારોના નામોની યાદી તૈયાર થઈ હતી. દરેલ લોકસભા સીટ પર 3-4 નામોની યાદી તૈયાર કરવામાં આવી છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત ભાજપે 26 ફેબ્રુઆરીએ લોકસભાની બેઠકો પર સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. બે દિવસ ચાલેલી સેન્સ પ્રક્રિયા બાદ 27 ફેબ્રુઆરીએ ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાત લોકસભાની 26 બેઠકો માટેના ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી, જેમાં દરેક સીટ પર 3-4 નામોની યાદી તૈયાર થઈ છે. હવે આ લિસ્ટ લઈને CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ પાટીલ દિલ્હી જવા રવાના થયા છે. દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં આ યાદીને રજૂ કરવામાં આવશે.

    ગુજરાતમાં એક તરફ જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન-ગઠબંધન રમી રહી છે ત્યાં ભાજપે ઉમેદવારો નક્કી કરવા માંડ્યા છે. આ માટે જ પાર્ટીની કાર્યપદ્ધતિ અનુસાર 26 ફેબ્રુઆરીએ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં તમામ બેઠકો પર નેતાઓએ દાવેદારી નોંધાવી હતી. જોકે, નવસારી (સીઆર પાટીલ) અને ગાંધીનગર (અમિત શાહ) જેવી અમુક બેઠકો એવી પણ હતી, જ્યાં કોઇ દાવેદાર ન નોંધાયા અને સર્વાનુમતે હાલના સાંસદોને રિપીટ કરવા કહેવામાં આવ્યું. જ્યારે અમદાવાદ પશ્ચિમ જેવી બેઠકો પર મોટી સંખ્યામાં નેતાઓએ દાવેદારી નોંધાવી. 

    સેન્સ પ્રક્રિયા બાદ ગાંધીનગરમાં રાજ્ય સ્તરની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઈ, જેમાં યાદીને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. જેમાં દરેક બેઠક પર 3થી 4 નામો લખવામાં આવ્યાં છે. આ યાદી હવે દિલ્હીમાં પાર્ટીની કેન્દ્રીય સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી શાહ, ભાજપ અધ્યક્ષ નડ્ડા અને અન્ય નેતાઓની હાજરીમાં મહોર મારવામાં આવશે. સંભવતઃ પ્રથમ તબક્કે જ ગુજરાતની તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર થઈ જશે.

    - Advertisement -

    તમામ સમીકરણોના આધારે તૈયાર થઈ છે યાદી

    સેન્સ પ્રક્રિયા સમયે તૈયાર કરવામાં આવેલી પેનલને બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. જેના પર તમામ નેતાઓને ચર્ચા-વિચારણા કરી હતી. જ્યારે અમુક સીટો પર જરૂર પડ્યે પરિવર્તન પણ કરવામાં આવ્યું હતું. તમામ પ્રક્રિયા બાદ ગુજરાતની 26 લોકસભા સીટો માટેના ઉમેદવારોની એક નવી પેનલ યાદી તૈયાર કરવામાં આવી છે.

    રાજકીય, સામાજિક, જ્ઞાતિગત સમીકરણોને ધ્યાને રાખીને આખી યાદી તૈયાર કરવામાં આવી છે. દરેક બેઠક પર 3-4 નામોની યાદી આપવામાં આવી છે. જોકે, આ 3-4 નામોની યાદી સાથે અન્ય નામોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. આ લિસ્ટને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગુજરાત ભાજપમાં મહામંત્રી દિલ્હી જવા માટે રવાના થઈ ગયા છે.

    લોકસભા ચૂંટણી આગામી એપ્રિલ-મેમાં યોજાઈ શકે છે, જે માટેની અધિસૂચના માર્ચ મહિનામાં જાહેર થઈ શકે છે. આ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 2019માં સાત તબક્કામાં ચૂંટણી થઈ હતી, આ વખતે પણ પાંચથી વધુ તબક્કામાં ચૂંટણી થાય તેવી સંભાવના છે. મોદી સરકારનો કાર્યકાળ 30 મે, 2024ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં