અગ્રણી ઔદ્યોગિક જૂથ ટાટા ગુજરાતમાં દેશની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફૅક્ચરિંગ માટે ગીગા ફેક્ટરી સ્થાપવા જઈ રહ્યું છે. જેને લઈને આજે ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર અને TATA ગ્રુપ વચ્ચે એક MoU (મેમરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ) સાઈન થયા હતા.
જાણવા મળ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં 13 હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે 20 ગિગાવોટનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જેની સાથે લિથિયમ આયન સેલ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે.
શુક્રવારે (2 જૂન, 2023) પાટનગર ગાંધીનગર ખાતે ટાટા ગૃપની સબસીડીયરી કંપની અગ્રતાસ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન પ્રાયવેટ લિમિટેડના CEO અને ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ આ MoU પર હસ્તાક્ષર કર્યા હતા. દરમ્યાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.
કુલ 13 હજાર લોકોને રોજગાર મળવાનું અનુમાન
ગીગા ફેક્ટરી ભારતમાં સૌપ્રથમ લિથિયમ આયન સેલ ઉત્પાદન પ્લાન્ટ કાર્યરત કરશે. પ્રારંભિક સ્તરે આ પ્લાન્ટમાં અંદાજે 13 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, જ્યારે તેની ઉત્પાદન ક્ષમતા 20 Gwhની હશે. આ પ્લાન્ટ થકી પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને કુલ 13 હજારથી વધુ લોકોને રોજગાર મળશે તેમ જણાવવામાં આવ્યું છે.
લિથિયમ આયન સેલ ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય બનવા તરફ
ટાટા ગ્રુપ દ્વારા આ પ્લાન્ટની સ્થાપના થયા બાદ EVનો વપરાશ વધવાની સાથે લિથિયમ-આયન બેટરી પરની નિર્ભરતા પણ મહદ અંશે ઘટી જશે તેમજ લિથિયમ આયન સેલ ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય બની જશે અને જેના કારણે રાજ્યમાં બેટરી મેન્યુફૅક્ચરિંગ ઈકોસીસ્ટમ સ્થાપવામાં પણ સફળતા મળશે.
MoU થયા બાદ રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, સરકાર ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન વધારીને કારણ ઉત્સર્જન રહિત ઉર્જા-ગ્રીન ક્લીન એનર્જી વધારવા અને ફોસિલ ફ્યુઅલ ક્ન્ઝમ્પશન ઘટાડીને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે અને આ જ ક્રમમાં આ MoU કરવામાં આવ્યા છે. એમ પણ જણાવવામાં આવ્યું કે, ગુજરાત સરકારે ઘડેલી નવી ઇલેક્ટ્રોનિક્સ પોલિસીના ભાગરૂપે આ MoU સાઈન કરવામાં આવ્યા છે.
આ સાથે ગુજરાત સરકારે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2030 સુધીમાં 100 ટકા ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ અને 50 ટકા કાર્બન ઉત્સર્જન-નેટ ઝીરો કાર્બન ઇમિશનના લક્ષ્યાંકને સાકાર કરવા માટે ગીગા ફેક્ટરીની સ્થાપના બળ પૂરું પાડશે.