જૈન સમુદાયના પર્યુષણ પર્વ દરમિયાન શહેરનું કતલખાનું બંધ કરવાના અમદાવાદ મહાનગરપાલિકાના નિર્ણયને પડકારતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટે સુનાવણી કરતાં અરજદારને કહ્યું હતું કે, એક-બે દિવસ માંસ ન ખાય તો કશું થઇ જવાનું નથી.
અમદાવાદ મહાનગરપાલિકાએ એક આદેશ કરીને પર્યુષણ પર્વ શહેરનું કતલખાનું થોડા દિવસો માટે બંધ રાખવા માટેનો નિર્ણય જાહેર કર્યો હતો. જેની સામે વાંધો ઉઠાવતાં એક મુસ્લિમ સંગઠને ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદ મહાનગરપાલિકાના નિર્ણયને પડકાર્યો હતો અને દાવો કર્યો હતો કે આવો નિર્ણય તેમના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે.
આ અંગે સુનાવણી કરતાં હાઇકોર્ટે કહ્યું હતું કે, તેઓ દર વખતે છેલ્લી ઘડીએ કોર્ટ પાસે આવે છે અને તોપણ એક-બે દિવસ માંસ ન ખાય તો કોઈ ફેર પડી જવાનો નથી. જે બાદ કોર્ટે મામલાની સુનાવણી શુક્રવાર સુધી સ્થગિત કરી દીધી હતી.
અરજી ઉપર સુનાવણી કરતાં ગુજરાત હાઇકોર્ટે ટિપ્પણી કરીને કહ્યું હતું કે, તમે હવે છેલ્લી ઘડીએ કેમ આવો છો? જ્યારે પણ કોઈ પ્રતિબંધ લાગે છે ત્યારે લોકો અણીના સમયે કોર્ટ તરફ દોટ મૂકે છે. તમે એક-બે દિવસ સુધી પોતાને માંસ ખાતા રોકી જ શકો છો. અમે આમાં કોઈ હસ્તક્ષેપ કરીશું નહીં.
હાઈકોર્ટે અરજદારને વધુ સામગ્રી અને કાગળો રજૂ કરવા માટે સમય આપ્યો હતો અને મામલાની સુનાવણી આગામી 2 સપ્ટેમ્બરના રોજ મુકરર કરી હતી. સુનાવણી દરમિયાન અરજદાર કમિટીઆ સભ્ય દાનિશ કુરૈશી અને મોહમ્મદ ઈમ્માદ હુસૈન રજાઈવાલાએ હાઇકોર્ટમાં પક્ષ રાખ્યો હતો.
વાસ્તવમાં અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ગત 18 ઓગસ્ટના રોજ એક પ્રસ્તાવ પસાર કરીને પર્યુષણ પર્વ દરમિયાન 24 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી કતલખાનું બંધ કરવાનો આદેશ કર્યો હતો. ઉપરાંત 5 થી 9 ડિસેમ્બર દરમિયાન પણ વિવિધ તહેવારોને ધ્યાનમાં લઈને કતલખાનું બંધ રાખવા માટે કહેવામાં આવ્યું હતું.
મહાનગરપાલિકાના આ નિર્ણય સામે વાંધો ઉઠાવતાં કુલ હિંદ જમિયત-અલ કુરૈશ એક્શન કમિટીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજદારે દાવો કર્યો હતો કે, આ આદેશ લોકોના ભોજનના અધિકારને બાધિત કરે છે. ઉપરાંત, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રીશનની ગાઈડલાઈનને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે, લોકોને પ્રોટીનયુક્ત ખોરાક ખાવા માટેની સલાહ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન અનેક શહેરોમાં કતલખાનાં બંધ કરી દેવાના આદેશ આપવામાં આવે છે. જોકે, આ વખતે અમદાવાદ મહાનગરપાલિકાના નિર્ણય સામે એક ઇસ્લામિક સંગઠનએ વાંધો પડ્યો હતો. જોકે, ગુજરાત હાઇકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે એક-બે દિવસ માંસ ન ખાવાથી તેમને કોઈ ફેર પડશે નહીં અને આમ છેલ્લી ઘડીએ શા માટે કોર્ટ તરફ દોટ મૂકવામાં આવે છે.