લગભગ 10 મહિનાથી જેલમાં બંધ અંગ્રેજી અખબાર ‘ધ હિન્દુ’ના ગુજરાત સંવાદદાતા મહેશ લાંગાની (Mahesh Langa) જામીન અરજી હાઇકોર્ટે (Gujarat High Court) ફગાવી દીધી છે. લાંગાએ મની લોન્ડરિંગના આરોપસર ED દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં રાહતની માંગ કરી હતી, પરંતુ કોર્ટે એજન્સીની દલીલોને ધ્યાનમાં રાખીને અરજી નામંજૂર કરી છે. કોર્ટે નોંધ્યું કે ‘પત્રકાર’ વિરુદ્ધ લાગેલા આરોપો ગંભીર છે અને EDએ પૂરતા પુરાવા પણ રજૂ કર્યા છે, જેનાથી પ્રથમ દૃષ્ટિએ લાંગાની સંડોવણી હોવાનું પ્રતીત થાય છે.
મહેશ લાંગાની ઑક્ટોબર 2024માં GST ફ્રોડના એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની વિરુદ્ધ અન્ય પણ ગુના નોંધાયા. ગાંધીનગરમાં તેની સામે સરકારી દસ્તાવેજો લીક કરવાનો પણ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પછીથી કેસમાં EDની પણ એન્ટ્રી થઈ હતી અને નવેમ્બરમાં એજન્સીએ અમદાવાદ પોલીસની બે FIR પરથી એક ECIR દાખલ કરી હતી. ફેબ્રુઆરી 2025માં એજન્સીએ લાંગાની ધરપકડ કરી હતી, ત્યારથી તે જેલમાં બંધ છે.
કોર્ટમાં EDએ દલીલ કરી કે મહેશ લાંગાએ મીડિયા કવરેજ અપાવવાની લાલચ આપીને કે જમીનના વિવાદોની સુલેહ કરાવવાનું કહીને પૈસા પડાવી લીધા હતા. તપાસ બે FIR પર આધારિત છે.
- અમદાવાદની એક વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે લાંગાએ તેમની પાસેથી ₹23 લાખ લીધા હતા અને જણાવ્યું હતું કે તે તેનો ઉપયોગ એક ઑફિસ ખરીદવા માટે કરશે અને આટલી જ રકમ રોકડા સ્વરૂપે પરત કરી દેશે. પણ વાસ્તવમાં ક્યારેય પૈસા પરત કર્યા નહીં. આરોપ એવો પણ છે કે લાંગાની પત્નીની જન્મદિવસની પાર્ટી માટે પણ તેમની પાસેથી જ ₹5.68 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા.
- અન્ય એક જમીનના દલાલે મહેશ લાંગા પર પોઝિટિવ મીડિયા કવરેજના નામે ₹40 લાખ પડાવી લેવાનો અને પરત ન આપીને બદનામ કરવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો.
આ બંને FIR પર ઑપઇન્ડિયાનું વિસ્તૃત રિપોર્ટિંગ અહીં અને અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
EDના આરોપ– પચાવી પાડેલા પૈસાનો ઉપયોગ જમીનના સોદા અને સંપત્તિ ખરીદવામાં કર્યો
તપાસ કરતી એજન્સી EDનો આરોપ છે કે આ ખંડણીના પૈસાનો ઉપયોગ મહેશ લાંગાની પત્ની કવિતા લાંગાના નામે સંપત્તિ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. સંપત્તિની ઘોષિત કિંમત ₹30 લાખ જણાવવામાં આવે છે પણ એજન્સીનું કહેવું છે કે સાચી કિંમત ₹70 લાખ પાર કરી જાય છે. જેથી બાકીના ‘અનઅકાઉન્ટેડ કૅશ’ હોવાની પૂરેપૂરી શક્યતા છે.
ઉપરાંત, મહેશ લાંગાના ઘરમાંથી ₹20 લાખ મળી આવવાનો પણ એજન્સીએ ઉલ્લેખ કર્યો. લાંગાએ દાવો કર્યો હતો કે આ પૈસા તેની ભાભી નૈના લાંગાના છે. પરંતુ જ્યારે નૈનાનું નિવેદન નોંધવામાં આવ્યું ત્યારે તેમણે આવો કોઈ પણ નાણાકીય વ્યવહાર થયો હોવાની ના પાડી દીધી હતી. કવિતાએ પોતાના નિવેદનમાં આ પૈસા ‘ભેટસ્વરૂપે’ મળ્યા હોવાનું જણાવ્યું હતું. નિવેદનોમાં વિરોધાભાસના કારણે આ પૈસાનો મૂળ સ્ત્રોત શું છે એ પણ એક તપાસનો વિષય છે.

એજન્સીએ એક રિયલ એસ્ટેટ ડીલનો પણ ઉલ્લેખ કર્યો છે. વિગતો અનુસાર, મિલન મહેતા નામની એક વ્યક્તિ સાથે જમીનનો સોદો કર્યો હતો, જે અનુસાર 2 કરોડની જમીનનો પચાસ ટકા હિસ્સો મહેશની પત્ની કવિતાના નામે થવાનો હતો. ત્યારબાદ લાંગાએ 30 લાખ રોકડા મહેતાને મોકલી આપ્યા હતા, પણ પછીથી આ સોદો ન થઈ શક્યો અને મહેતાએ 30 લાખ પરત કરી દીધા હતા. આમાં લાંગાએ દાવો કર્યો હતો કે મહેતાએ જમીનનો કબજો ન સોંપવાના કારણે સોદો થઈ શક્યો ન હતો, જ્યારે મિલન મહેતાએ નિવેદનમાં જણાવ્યું હતું કે લાંગા બાકીના ₹72 લાખ ન આપી શકતાં ડીલ થઈ શકી ન હતી.
અન્ય નાણાકીય વ્યવહારો પણ શંકાના દાયરામાં
આ સિવાય પણ મહેશ લાંગાના અમુક નાણાકીય વ્યવહારો પણ શંકાના દાયરામાં છે. જેમકે, મિલન મહેતા અને લાંગાની પત્નીનાં ખાતાં વચ્ચે અન્ય પણ અમુક નાણાકીય વ્યવહાર થયા હતા. લાંગાના પિતાએ એ ફર્મમાં ₹55 લાખ ટ્રાન્સફર કર્યા હતા, જેમાં કવિતા લાંગા પાર્ટનર હતાં. આ પુરાવાઓના આધારે EDએ કોર્ટમાં દલીલ કરી હતી કે ગુનાની રકમ ₹1 કરોડ કરતાં વધે છે, જેથી PMLA હેઠળ ગુનો નોંધી શકાય તેમ છે. ઉલ્લેખનીય છે કે લાંગાએ કોર્ટમાં દલીલ કરી હતી કે ગુનાની રકમ, જેને પ્રોસીડ્સ ઑફ ક્રાઇમ કહેવાય છે, 1 કરોડ સુધી પહોંચી નથી અને ED વધારાની રકમો જોડી રહી છે, જેથી જામીનની શરતો કડક કરી શકાય.
એજન્સીએ મહેશ લાંગા પર કસ્ટડીમાંથી સાક્ષીને પ્રભાવિત કરવાનો પણ આરોપ લગાવ્યો છે. 18 જૂન, 2025ના રોજ નૈના લાંગાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, પણ 7 જુલાઈના રોજ લંગાના વકીલે નિવેદન પરત લેવા માટે એફિડેવિટ દાખલ કરી દીધું હતું. એજન્સીનો એ પણ આરોપ છે કે લાંગા અને અન્ય સંબંધીઓ દ્વારા તપાસમાં પૂરતો સહયોગ આપવામાં આવી રહ્યો નથી.

તમામ દલીલોને અંતે કોર્ટે ઠેરવ્યું કે, “રેકર્ડ પર ઉપલબ્ધ તથ્યો અને પુરાવાઓને ધ્યાને લેતાં આરોપી આ ગુનામાં સંડોવાયેલો નથી તેવું કોર્ટ કહી શકે તેમ નથી. ઉપરાંત તથ્યો જોતાં એ માનવું પણ કઠિન છે કે આરોપીને જો જામીન પર મુક્ત કરવામાં આવે તો કોઈ ગુનો નહીં આચરે. જો જામીન મળે તો તે કેસની તપાસને અસર કરી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. જેથી અરજી મંજૂર કરવી ન્યાયોચિત જણાતી નથી.”
હાઇકોર્ટે અરજી નામંજૂર કરતાં હવે મહેશ લાંગાએ જેલમાં જ રહેવું પડશે.


