બે દિવસ પહેલાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ગુજરાત હાઇકોર્ટની સુનાવણી દરમિયાન બે જજ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય છે, તેથી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ ગયો હતો. આ ઘટનાને લઈને હવે ન્યાયાધીશ બિરેન વૈષ્ણવે ખેદ વ્યક્ત કરીને માફી માંગી છે.
ઘટના સોમવારે (23 ઓક્ટોબર, 2023) બની જ્યારે ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશ બિરેન વૈષ્ણવ અને મૌના ભટ્ટ સુનાવણી કરી રહ્યા હતા. આ દરમિયાન એક કેસમાં જસ્ટિસ વૈષ્ણવ આદેશ સંભળાવી રહ્યા હતા ત્યારે જસ્ટિસ મૌના ભટ્ટે અસહમતિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ બંને વચ્ચે નાનકડી તકરાર થઈ હતી. જે સમગ્ર વાતચીત કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને લાઈવ પ્રસારણ પણ થયું હતું.
આ ઘટના બાદ બુધવારે (25 ઓક્ટોબર) જ્યારે બંને ન્યાયાધીશોએ કેસ સાંભળવાના શરૂ કર્યા ત્યારે શરૂઆત કરતાં જસ્ટિસ વૈષ્ણવે જે કંઈ બન્યું તેની ઉપર ખેદ વ્યક્ત કર્યો હતો અને જસ્ટિસ ભટ્ટની માફી માંગી હતી. તેમણે કહ્યું, “સોમવારે જે કંઈ બન્યું તે નહતું બનવું જોઈતું. હું ખોટો હતો અને તે બદલ દિલગીર છું. હવે નવા સેશનની શરૂઆત કરીએ. તે બનવું જોઈતું ન હતું. મને ખબર નથી….હું ખોટો હતો.”
Justice Biren Vaishnav of Gujarat High Court apologises to Justice Mauna Bhatt
— Bar & Bench (@barandbench) October 25, 2023
"What happened on Monday should not have happened. I was wrong."#GujaratHighCourt pic.twitter.com/s3jpjv2gV8
આ પહેલાં સોમવારે કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ વૈષ્ણવ એક કેસમાં ઓર્ડર પસાર કરી રહ્યા હતા અને ત્યારે જ જસ્ટિસ ભટ્ટે અસહમતિ દર્શાવીને ધીમા સ્વરે કશુંક કહ્યું હતું, જેનાથી જસ્ટિસ વૈષ્ણવ અકળાઈ ઉઠ્યા અને કહ્યું હતું કે, “તો તમે અલગ મત ધરાવતો આદેશ આપો. તમે એક કેસમાં અલગ મત આપી જ ચૂક્યા છો, અહીં પણ આપો.”
જેની ઉપર જસ્ટિસ ભટ્ટ કહેતાં સંભળાય છે કે, “આમાં અલગ મતની કોઇ વાત નથી.”
જસ્ટિસ વૈષ્ણવ- “તો પછી ગણગણાટ ન કરો. (એમ લાગે તો) તમે અલગ આદેશ પસાર કરો.” ત્યારબાદ તેઓ આગળ વધુ કેસો સંભાળશે નહીં તેમ કહીને બેઠક પરથી ઉઠીને ચાલ્યા ગયા હતા.
સમગ્ર કાર્યવાહીનું જીવંત પ્રસારણ થયું હતું પરંતુ પછીથી ગુજરાત હાઈકોર્ટની અધિકારીક યુ-ટ્યુબ ચેનલ પરથી વિડિયો હટાવી લેવામાં આવ્યો હતો. જોકે, તેમ છતાં સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટની તમામ બેન્ચની તમામ સુનાવણીનું જીવંત પ્રસારણ યુ-ટ્યુબ પર કરવામાં આવે છે.