દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. કોર્ટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનના એક આદેશને રદ કરી દીધો છે, જેમાં ગુજરાત યુનિવર્સીટીને પીએમ મોદીની ડિગ્રી રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ સાથે કોર્ટે કેજરીવાલ ઉપર 25 હજારનો દંડ પણ ફટકાર્યો છે.
A cost of Rs. 25K has been imposed upon the Chief Minister of Delhi @ArvindKejriwal to be deposited with the Gujarat State Legal Services Authority.#PMModiDegree
— Live Law (@LiveLawIndia) March 31, 2023
વર્ષ 2016માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનને એક પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક લાયકાતો વિશેની માહિતી સાર્વજનિક કરવા માટે કહ્યું હતું અને કમિશન પર મોદીની ડિગ્રી અંગેની વિગતો છુપાવવાના આરોપો પણ લગાવ્યા હતા.
ત્યારબાદ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને વડાપ્રધાન કાર્યાલય, દિલ્હી યુનિવર્સીટી અને ગુજરાત યુનિવર્સીટીને વડાપ્રધાન મોદીની ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી રજૂ કરવા માટે આદેશ આપ્યો હતો, જેને ગુજરાત યુનિવર્સીટીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
ગુજરાત યુનિવર્સીટીની આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવ્યા બાદ શુક્રવારે (31 માર્ચ, 2023) ગુજરાત હાઇકોર્ટની એક સિંગલ જજ બેન્ચે CIC દ્વારા બે યુનિવર્સીટીઓ અને PMOને પીએમ મોદીની ડિગ્રીઓ રજૂ કરવા માટે આપવામાં આવેલ આદેશ રદ કરી દીધો હતો.
આ સિવાય ગુજરાત હાઈકોર્ટે પીએમની ડિગ્રીઓ વિશેની વિગતો માંગનાર દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી નેતા અરવિંદ કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જે રકમ તેમણે ચાર અઠવાડિયાની અંદર ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી સમક્ષ ભરવી પડશે. કોર્ટે ચુકાદા પર સ્ટે મૂકવાનો પણ ઇનકાર કરી દીધો છે.
કોઈની બાલિશ જીજ્ઞાશા પોષવા ખાતર આવી માહિતી માંગી શકાય નહીં: SG
કેસની સુનાવણી દરમિયાન યુનિવર્સીટી પક્ષેથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે ગુજરાત યુનિવર્સીટીને પીએમ મોદીની ડિગ્રીઓ વિશેની જાણકારી સાર્વજનિક કરવા માટે બાધ્ય કરી શકાય નહીં. તેમણે કહ્યું કે, લોકશાહીમાં સત્તા પર બેઠેલા વ્યક્તિએ ડોક્ટરેટ મેળવી છે કે નિરક્ષર છે તેનાથી કોઈ ફેર પડતો નથી. ઉપરાંત, આ બાબતમાં કોઈ જનતાનું હિત પણ સચવાયેલું નથી. ઉપરથી તેમની ગોપનીયતાને અસર પહોંચે છે.
આગળ તેમણે દલીલ કરી કે, કોઈની બાલિશ અને બિનજવાબદારીપૂર્વકની જિજ્ઞાસાને પોષવા માટે આ પ્રકારની વિગતો માંગી શકાય નહીં. તેમણે એમ પણ કહ્યું કે, જે માહિતી માંગવામાં આવી છે તેનાથી પીએમ મોદીના પબ્લિક ફિગરને કશું જ લાગતું-વળગતું નથી.
અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં દિલ્હી યુનિવર્સીટીએ પણ CICના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો, જેમાં પીએમની ડિગ્રી વિશેની વિગતો માંગવામાં આવી હતી. આ કેસની પહેલી જ સુનાવણીમાં જાન્યુઆરી, 2017માં કોર્ટે CICના આદેશ પર સ્ટે મૂકી દીધો હતો.