Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પોસ્ટ્સ એજન્ડા પર આધારિત, જામીન આપીશું તો ફરી ફેક આઈડી બનાવીને આવાં...

    ‘પોસ્ટ્સ એજન્ડા પર આધારિત, જામીન આપીશું તો ફરી ફેક આઈડી બનાવીને આવાં કૃત્યો કરશે’: હાઇકોર્ટે કોંગ્રેસ નેતા અફઝલ લાખાણીની જામીન અરજી ફગાવી, પીએમ મોદી-હીરાબા વિશે કરી હતી અપમાનજનક ટિપ્પણીઓ

    કોર્ટે કહ્યું કે, વ્યક્તિ કોઈને પસંદ-નાપસંદ કરી શકે છે પણ તેનો અર્થ એ નથી કે તે દેશના વડાપ્રધાન કે તેમના દિવંગત માતા વિશે અભદ્ર અને અપમાનજનક ભાષા વાપરવાની શરૂ કરી દે. 

    - Advertisement -

    ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) મંગળવારે (6 જૂન, 2023) સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનાં દિવંગત માતા હીરાબા વિશે આપત્તિજનક પોસ્ટ કરવા બદલ પકડાયેલા કોંગ્રેસ નેતા અફઝલ લાખાણીની (Afzal Lakhani) જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે, વ્યક્તિ કોઈને પસંદ-નાપસંદ કરી શકે છે પણ તેનો અર્થ એ નથી કે તે દેશના વડાપ્રધાન કે તેમના દિવંગત માતા વિશે અભદ્ર અને અપમાનજનક ભાષા વાપરવાની શરૂ કરી દે. 

    અફઝલ લાખાણીની ધરપકડ ગત જાન્યુઆરી મહિનામાં કરવામાં આવી હતી. 30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદીનાં માતા હીરાબાના અવસાન બાદ અફઝલે ફેસબુક પર પોતાના પેજ ‘ગુજરાત ત્રસ્ત, ભાજપા મસ્ત’ પરથી પીએમ અને હીરાબા વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. આ મામલે જામનગરમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ તેના આધારે કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી. 

    પોસ્ટ્સ અપમાનજનક, સમાજને અસર કરી શકે: કોર્ટ

    જાન્યુઆરીથી જેલમાં બંધ કોંગ્રેસ નેતાએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી કરીને જામીનની માંગ કરી હતી. લાખાણીની જામીન અરજી પર સુનાવણી કરતાં હાઇકોર્ટે કહ્યું કે, “ભારતમાં રહેતા લોકોએ દેશ પ્રત્યે વફાદાર રહેવું જ જોઈએ. સામગ્રીની તપાસ કરતાં જાણવા મળ્યું છે કે અરજદારે કેટલીક તેવી ટિપ્પણીઓ કરી છે જે ચોક્કસ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે અને એવી કેટલીક પોસ્ટ કરવામાં આવી છે જે ખરેખર અપમાનજનક છે. એવી કેટલીક સામગ્રી ધ્યાને આવી છે જેનાથી સમાજ પર મોટી અસર પડી શકે છે. 

    - Advertisement -

    કોર્ટે આગળ કહ્યું કે, ‘આ પોસ્ટમાં વાપરવામાં આવેલી ભાષા એટલી અપમાનજનક અને અભદ્ર છે કે આદેશમાં તેનો ફરીથી ઉલ્લેખ કરવો આ કોર્ટ માટે શક્ય નથી. એકદંરે જોતાં કોર્ટે નોંધ્યું છે કે અરજદારે સમાજની શાંતિ અને સદભાવનાને અસર પહોંચાડી છે. પ્રથમ દ્રષ્ટિએ આ પોસ્ટ એજન્ડા પર આધારિત હોય તેમ લાગે છે. જો આવા વ્યક્તિને જામીન આપવામાં આવે તો તે ફરીથી ખોટાં નામો વડે ફેક આઈડી બનાવીને આ પ્રકારનો ગુનો ફરી આચરે તેવી શક્યતા છે.’ 

    હિંદુ આઈડી બનાવીને RSS-બ્રાહ્મણો સામે ટિપ્પણી કરવાનો હતો આરોપ

    પીએમ મોદી અને હીરાબા વિશે ટિપ્પણી બાદ અફઝલ લાખાણી સામે વધુ એક ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં હિંદુ નામથી આઈડી બનાવીને RSS અને બ્રાહ્મણ સમુદાય વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે, તમામ પોસ્ટ તથ્યવિહોણી અને બદદાનતથી ઉપજાવી કાઢેલી અફવાઓથી ભરેલી હતી અને આરોપી અન્ય ધર્મનો (મુસ્લિમ) હોવા છતાં હિંદુ ધર્મના ઠક્કર સમાજની ઓળખ ઉભી કરીને, આ ખોટી ઓળખનો ઉપયોગ કરીને વિવિધ જ્ઞાતિઓને ગેરમાર્ગે દોરીને બ્રાહ્મણ જ્ઞાતિ વિરુદ્ધ વિવિધ સમાજમાં દુશ્મનાવટ અને દ્વેષભાવ ઉત્પન્ન કરવાના પ્રયાસ કર્યા હતા. આ ફરિયાદના આધારે તેની સામે IPCની વિવિધ કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

    ઉલ્લેખનીય છે કે અફઝલ લાખાણી કોંગ્રેસ પાર્ટીનો યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા સ્ટેટ કન્વીનર રહી ચૂક્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં