વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન તોડી નાંખ્યા બાદ હવે બીટીપીએ (BTP) નીતીશ કુમારની પાર્ટી જેડીયુ (JDU) સાથે હાથ મિલાવ્યા છે. બીટીપી અધ્યક્ષ છોટુ વસાવા અને જેડીયુના પ્રદેશ અધ્યક્ષ વચ્ચે મુલાકાત થઇ હતી અને ત્યારપછી છોટુ વસાવાએ જાહેરાત કરી હતી કે બંને પાર્ટીઓ ગઠબંધન કરી ગુજરાત ચૂંટણી સાથે લડશે.
બીટીપીના (BTP) છોટુ વસાવાએ જનતા દળ યુનાઇટેડને (JDU) તેમના જૂના સાથીઓ ગણાવ્યા હતા અને કહ્યું કે, તેઓ આગામી વિધાનસભા ચૂંટણી જેડીયુ સાથે મળીને લડવા જઈ રહ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો કે, આ ગઠબંધન થકી તેમને વિધાનસભા ચૂંટણીમાં જ નહીં પરંતુ લોકસભા ચૂંટણીમાં પણ ફાયદો થશે.
JDU અમારો જૂનો સાથી,સાથે મળીને ચૂંટણી લડીશુંઃ છોટુ વસાવા@Chhotu_Vasava @jduonline #GujaratElection2022 #Gujaratfirst pic.twitter.com/nQIGeVoRFZ
— Gujarat First (@GujaratFirst) November 7, 2022
છોટુ વસાવાએ કહ્યું કે, ખરાબ શાસન ચલાવનારાઓને દૂર કરવા માટે અમે જૂના મિત્રો સાથે ગઠબંધન કરવાના છીએ. એ અમને અને અમે તેમને મદદ કરીશું. તેમણે એવી પણ જાહેરાત કરી કે ગુજરાત ચૂંટણીમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ પ્રચાર કરવા માટે આવશે. જેડીયુ સાથે મળીને તેઓ આગામી સમયમાં ઉમેદવારોની યાદી તૈયાર કરશે તેમ પણ જણાવ્યું હતું.
છોટુ વસાવાએ મોંઘવારી, ગરીબી અને બેરોજગારી વગેરેની વાત કરીને ભાજપ સરકારને હટાવવાની વાત કરી હતી અને કહ્યું હતું કે, એક વિચારધારા ધરાવનારાઓને ભેગા કરવાનું કામ અમારું છે અને એ અમે એ કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે છ જ મહિના પહેલાં આમ આદમી પાર્ટી અને બીટીપીના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. ત્યારબાદ બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થયાની પણ વાતો હતી. જોકે, ચૂંટણી પહેલાં જ બંને પાર્ટીઓ અલગ થઇ ગઈ હતી. બીટીપીને આમ આદમી પાર્ટી તરફથી મહત્વ ન મળતું હોવાના કારણે તેમણે ‘આપ’થી છેડો ફાડી નાંખ્યો હતો.
આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનને લઈને છોટુ વસાવાએ કહ્યું હતું કે, કેજરીવાલ વૈચારિક માણસ નથી, તેઓ RSSમાંથી આવેલ વ્યક્તિ છે. તેમણે એમ પણ કહ્યું કે, બીટીપીએ આપ સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન કર્યું ન હતું.
બીજી તરફ, જેડીયુની વાત કરવામાં આવે તો પાર્ટી 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી 38 બેઠકો પર લડી હતી અને એકેય બેઠક જીતી શકી ન હતી. જોકે, 2012માં પાર્ટી એક બેઠક જીતી હતી. ત્યારે છોટુ વસાવા જેડીયુમાં હતા અને ગુજરાતની કમાન તેમના હાથમાં હતી. તેઓ ઝઘડિયા બેઠક પરથી જેડીયુની ટિકિટ પર જીત્યા હતા.
જોકે, 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં તેમણે જેડીયુમાંથી છૂટા પડીને ‘ભારતીય ટ્રાઇબલ પાર્ટી’ની સ્થાપના કરી હતી. હાલ તેમના બે ધારાસભ્યો છે. હવે, ફરી તેઓ જેડીયુ સાથે આવ્યા છે.