ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પાંચ વાગ્યા સુધીમાં અંદાજિત 58.68 ટકા મતદાન નોંધવામાં આવ્યું છે. જોકે, આ અંદાજિત આંકડા છે અને તેમાં વધઘટ જોવા મળી શકે છે.
Approx 58.68% polling recorded till 5pm in the second phase of #GujaratAssemblyPolls: ECI pic.twitter.com/S9bBzvTu3A
— ANI (@ANI) December 5, 2022
આજે ગુજરાતના કુલ 14 જિલ્લાઓની 93 વિધાનસભા બેઠકો ઉપર બીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાયું હતું. આ તમામ જિલ્લાઓ ઉત્તર અને મધ્ય ગુજરાતના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની 89 બેઠકો ઉપર ગત 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. જેમાં સરેરાશ 63.14 ટકા મતદાન નોંધાયું હતું.
બીજા તબક્કામાં, બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કુલ 14 જિલ્લામાં સરેરાશ 50.51 ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન સાબરકાંઠામાં 57.24 ટકા, જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદમાં 44.44 ટકા થયું હતું. તે પહેલાં 1 વાગ્યા સુધીનું સરેરાશ મતદાન 34.74 ટકા, 11 વાગ્યા સુધીમાં 19.17 ટકા અને 9 વાગ્યા સુધીમાં 4.75 ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું.
50.51% voter turnout recorded till 3pm in the second and the last phase of the Gujarat Assembly elections: Election Commission of India pic.twitter.com/Q0qjoNQael
— ANI (@ANI) December 5, 2022
બીજા તબક્કામાં પણ અનેક હાઈ-પ્રોફાઈલ બેઠકો પર ચૂંટણી થઇ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક, હાર્દિક પટેલની વિરમગામ, અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ, જીગ્નેશ મેવાણીની વડગામ વગેરે બેઠકોનો સમાવેશ થાય છે. ઉપરાંત, ગુજરાત સરકારના મંત્રીઓ ઋષિકેશ પટેલ, કીર્તિસિંહ વાઘેલા વગેરેની બેઠકો પર પણ આજે જ ચૂંટણી યોજાઈ હતી.
પહેલા તબક્કામાં નર્મદા જિલ્લામાં સૌથી વધુ 78.24 ટકા જેટલું મતદાન થયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન બોટાદ જિલ્લામાં 57.58 ટકા જેટલું નોંધાયું હતું. આ ઉપરાંત, મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ 60 ટકા મતદાન નોંધાયું હતું. દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં 71.06 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2012 અને 2017 કરતાં આ વર્ષે પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થયું હતું. 2012માં આ 19 જિલ્લાઓમાં 72.02% મતદાન થયું હતું, જ્યારે 2017માં 69.01% મતદાન નોંધાયું હતું.
બંને તબક્કાની ચૂંટણી પૂર્ણ થઇ ગયા બાદ હવે આગામી 8મી ડિસેમ્બર (ગુરુવાર)ના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે. આ જ દિવસે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીનાં પણ પરિણામો ઘોષિત કરવામાં આવશે.