Sunday, September 8, 2024
More
    હોમપેજગુજરાતકોંગ્રેસે પોતાના જ કાર્યકર્તાઓને ખેસ પહેરાવીને કોંગ્રેસમાં જોડ્યા!: મૃત:પ્રાય થઇ રહેલી લોકપ્રિયતા...

    કોંગ્રેસે પોતાના જ કાર્યકર્તાઓને ખેસ પહેરાવીને કોંગ્રેસમાં જોડ્યા!: મૃત:પ્રાય થઇ રહેલી લોકપ્રિયતા વચ્ચે સમાચારમાં બની રહેવા માટે દેશની સૌથી જૂની પાર્ટીનો મરણિયો પ્રયાસ

    વધુ તપાસ કરતા મીડિયાને જાણવા મળ્યું કે 100 આપ કાર્યકર્તાઓના દાવા સામે માત્ર 20-30 આપ કાર્યકર્તાઓ જ વશરામ સાગઠિયા સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. બાકીના જેમને પણ ખેસ પહેરાવીને કોંગ્રેસમાં જોડવામાં આવ્યા હતા તેઓ પહેલાથી જ કોંગ્રેસના કાર્યકર્તા હતા.

    - Advertisement -

    મંગળવાર, 20 જૂનના રોજ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પોતાનો ચાર્જ સાંભળ્યો હતો. દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં મૃત:પાય થયેલી કોંગ્રેસની લોકપ્રિયતા વચ્ચે હવે તેમના માટે સમાચારમાં રહેવું અઘરું થઇ રહ્યું છે. એમાંય જયારે દેશની સૌથી જૂની પાર્ટીના ગુજરાત જેવા મોટા રાજ્યના પ્રમુખ પદ સંભાળવા જઈ રહ્યા હોય અને મીડિયામાં વાત ના થાય તો કેવું લાગે! માટે મીડિયામાં ચર્ચા ઉભી કરવા કોંગ્રેસે 21 તારીખે એવું તો ગતકડું શોધ્યું કે જેનો ફોડ થતા ઊલટાની વધુ કિરકીરી થઇ. જેમાં પોતાના જ કાર્યકર્તાઓને પહેરાવ્યો કોંગ્રેસનો ખેસ અને પાર્ટીમાં સ્વાગત કર્યું.

    અહેવાલો અનુસાર જેની પહેલાથી આશંકા હતી તેમ બુધવાર, 21 જૂનના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ વશરામ સાગઠિયા પોતાના 20-30 સમર્થકો સાથે કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસમાં જોડાયા હતા. નોંધનીય છે કે ભૂતકાળમાં સાગઠિયા કોંગ્રેસ છોડીને જ આપમાં જોડાયા હતા.

    નોંધનીય છે કે 20 તારીખે જ આમ આદમી પાર્ટીએ વશરામ સાગઠિયાને પાર્ટીમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી. જો કે વશરામ સાગઠિયાએ આ વાતનો ખુલાસો કરતા કહ્યુ હતું કે તેમણે 18મી જૂને જ આમ આદમી પાર્ટીમાંથી ઉપ્રમુખ પદ અને સભ્યપદ પરથી રજીનામું આપી દીધુ હતું. આ રાજીનામાંનો મેસેજનો સ્ક્રીન શૉટ શેર કર્યા ત્યારથી જ વશરામ સાગઠિયાની કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

    - Advertisement -

    જોડાયા 30 કાર્યકર્તા મીડિયાને જણાવ્યા 100!

    હવે જયારે આ રીતે આમ આદમી પાર્ટીના કોઈ નેતા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોય તો તે મોકો ભાળીને કોંગ્રેસે મોટા ઉપાડે જાહેરાત કરી દીધી કે 100થી વધુ આપ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે. સાથે જ નવા બનેલા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે તો નિવેદન પણ આપી દીધું કે, “આપના 100થી વધુ કાર્યકર્તાઓ જોડાતા હવે કોંગ્રેસની તાકાતમાં ઉમેરો થશે.”

    સાભાર: સંદેશ

    ‘સંદેશ’ના અહેવાલ મુજબ મીડિયામાં જાહેરાત કરી દીધા બાદ એક બાદ એક કાર્યકર્તાઓને શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસનો ખેસ પહેરાવતા ગયા. ગુજરાત કોંગ્રેસનો પ્રયત્ન હતો કે મીડિયાની સાથે સાથે કોંગ્રેસ હાઇકમાન્ડને આપમાંથી કોંગ્રેસમાં જોડાનારા કાર્યકર્તાઓનો એક મોટો આંકડો આપવામાં આવે.

    તેવામાં મીડિયા દ્વારા શક્તિસિંહ ગોહિલ દ્વારા જેમને ખેસ પહેરાવીને કોંગ્રેસમાં આવકારાયા હતા તેવા એક વ્યક્તિ સાથે વાત કરવામાં આવી. વાત વાતમાં તેમણે જણાવ્યું કે તેમનું નામ કનુભાઈ છે અને તેઓ રાજકોટથી આવ્યા છે. જયારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ આપમાંથી કોંગ્રેસમાં કેમ જોડાયા તો તેઓએ જણાવ્યું કે તેઓ પહેલાથી જ કોંગ્રેસના જ કાર્યકર્તા છે! વધુ તપાસ કરતા મીડિયાને જાણવા મળ્યું કે 100 આપ કાર્યકર્તાઓના દાવા સામે માત્ર 20-30 આપ કાર્યકર્તાઓ જ વશરામ સાગઠિયા સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. બાકીના જેમને પણ કોંગ્રેસનો ખેસ પહેરાવીને પાર્ટીમાં જોડવામાં આવ્યા હતા તેઓ પહેલાથી જ કોંગ્રેસના કાર્યકર્તા હતા.

    નોંધનીય છે કે તાજેતરની વિધાનસભા ચૂંટણીનું પરિણામ હોય કે જમીનીસ્તરની પરિસ્થિતિ હોય, ગુજરાતમાં આપ અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સામે ક્યાંય ટકી શકી નથી. ગુજરાતની જનતાએ તેમને અને તેમના વિચારોને જડમૂળમાંથી નકારી કાઢ્યા છે. તેવામાં કોંગ્રેસ દ્વારા મીડિયામાં બની રહેવા માટે કરાયેલા આ સ્ટંટની ગુજરાતીઓ ટીકા કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં