Monday, September 9, 2024
More
    હોમપેજમિડિયાહવે માહોલ બનાવવા માટે વિદેશી મીડિયા પણ મેદાને, દિલ્હીમાં મતદાન પહેલાં કેજરીવાલને...

    હવે માહોલ બનાવવા માટે વિદેશી મીડિયા પણ મેદાને, દિલ્હીમાં મતદાન પહેલાં કેજરીવાલને મોદીના પ્રતિદ્વંદ્વી ચીતરવાનો બ્રિટીશ અખબારનો નિરર્થક પ્રયાસ

    FT લખે છે કે, કેજરીવાલ મોદી વિરુદ્ધ ભારે પ્રચાર કરી રહ્યા છે અને તેમની ઉપર પ્રતિદ્વંદીવન નુકસાન પહોંચાડવા માટે ભ્રષ્ટાચારની તપાસનો દુરુપયોગ કરવાનો અને દેશમાં વધતી જતી મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવાના આરોપ લગાવી રહ્યા છે. 

    - Advertisement -

    આમ આદમી પાર્ટી કે તેના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ માટે મીડિયા માહોલ બનાવે તે આપણા ગુજરાતીઓ માટે આમ તો નવું નથી. 2022થી આપણે જોતા આવ્યા છીએ. પણ હવે વિદેશી મીડિયાએ પણ મેદાનમાં એન્ટ્રી કરી લીધી છે. હમણાં બ્રિટનના એક અખબાર ‘ફાયનાન્સિયલ ટાઈમ્સ’માં એક લેખ છપાયો. શીર્ષક આવું છે- ‘મોદી રાઈવલ ફ્રીડ ફ્રોમ જેલ શેઈક્સ અપ ઇન્ડિયા ઇલેક્શન કેમ્પેઇન.’ ગુજરાતીમાં કહીએ તો ભાષાંતર એવું કરી શકાય કે જેલમાંથી બહાર આવેલા મોદીના પ્રતિદ્વંદ્વીએ ભારતના ચૂંટણી પ્રચારમાં જોશ લાવી દીધું છે. 

    દિલ્હીમાં લોકસભા ચૂંટણી યોજાય તેના માત્ર એક દિવસ પહેલાં પ્રકાશિત કરવામાં આવેલા લેખની શરૂઆતમાં લખવામાં આવ્યું છે કે ભારતના ટોપ વિપક્ષી નેતાની મુક્તિના કારણે ભારતના ચૂંટણી પ્રચારમાં જોશ આવ્યું છે અને તેમને વડાપ્રધાન પદેથી હટાવવા માટે કામ કરતા નરેન્દ્ર મોદીના પ્રતિસ્પર્ધીઓને જે ગતિની જરૂર હતી તે તેમને આખરે મળી છે. અહીં ‘મુક્તિ’ એટલે કેજરીવાલને મળેલા વચગાળાના જામીનની વાત થાય છે. હમણાં જ સુપ્રીમ કોર્ટે તેમને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા હતા, ત્યારથી તેઓ બહાર છે. 1 જૂને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થાય કે બીજા દિવસે તેમણે તિહાડ જઈને હાજરી પુરાવવાની રહેશે. 

    FT લખે છે કે, કેજરીવાલ મોદી વિરુદ્ધ ભારે પ્રચાર કરી રહ્યા છે અને તેમની ઉપર પ્રતિદ્વંદીવન નુકસાન પહોંચાડવા માટે ભ્રષ્ટાચારની તપાસનો દુરુપયોગ કરવાનો અને દેશમાં વધતી જતી મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવાના આરોપ લગાવી રહ્યા છે. 

    - Advertisement -

    અહીં વાત સાચી છે કે કેજરીવાલ રાત-દહાડો આ આરોપ લગાવતા રહે છે. પણ પ્રશ્ન એ છે કે ગંભીરતાથી લેનારા લોકો કેટલા છે? અહીં ફાયનાન્સિયલ ટાઇમ્સે બહુ મહેનત કરીને કેજરીવાલને મોદીના પ્રતિસ્પર્ધી ગણાવવાના પ્રયત્નો કર્યા છે, પણ મૂળ વાત એ છે કે આ બંનેની સરખામણી જ શક્ય નથી. પહેલી વાત તો એ છે કે મોદીની ભારતીય જનતા પાર્ટી દેશમાં 400થી વધારે બેઠકો પર લડી રહી છે. કેજરીવાલની આમ આદમી પાર્ટી માંડ પચ્ચીસેક બેઠક પર લડતી હશે. તેમાં પણ દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. કયા દહાડે આ બંને પાર્ટીઓ કે તેના નેતાઓની સરખામણી થઈ શકે? 

    કેજરીવાલને મોદીના હરીફ ચીતરવામાં વિદેશી મીડિયા ભૂલી જાય છે કે મોદીના ચહેરે આખી ચૂંટણી લડાઇ રહી છે. એક નેરેટિવ બહુ સામાન્ય છે કે લોકો મોદીનો જ ચહેરો જોઈને લોકસભા ચૂંટણીમાં મતદાન કરે છે. ચૂંટણી પ્રચારથી માંડીને, નારા, સભાઓ, ગીતો, જાહેરાતો બધે જ કેન્દ્રસ્થાને મોદી હોય છે. કારણ કે તેમની લોકપ્રિયતા એટલી પ્રચંડ છે અને આ લોકપ્રિયતા મહેનત અને કામના જોરે તેમણે કમાઈ છે. બીજી બાજુ કેજરીવાલના નામ સાથે એવું કશું જ નથી. તેઓ એક પાર્ટીના કન્વીનર છે, જેઓ હાલ ભ્રષ્ટાચારના આરોપમાં જેલની હવા ખાઈ રહ્યા છે અને વચગાળાના જામીન પર બહાર આવ્યા છે. 

    કેજરીવાલના આવવાથી ગઠબંધન મજબૂત બન્યું? કઈ રીતે?

    આગળ લેખમાં ‘વિશ્લેષકો’ને ટાંકીને લખવામાં આવ્યું છે કે કેજરીવાલની મુક્તિના કારણે INDI ગઠબંધન મજબૂત બન્યું છે. આ પણ હાસ્યાસ્પદ વાત થઈ ગઈ. હકીકત એ છે કે છેલ્લા થોડા સમયમાં આમ આદમી પાર્ટી જેવા વિવાદોમાં ફસાઈ છે, તેને જોતાં તો તે ગઠબંધન માટે ‘લાઇબિલિટી’ બની ગઈ છે. 

    આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ પોતે ભ્રષ્ટાચારના કેસમાં ફસાઈ ચૂક્યા છે. તેઓ અને તેમના સાથીદારો ભલે મોદીને ગાળો દેતા હોય પણ પ્રજા જાણે છે કે જો ખરેખર બનાવટી કેસ હોય તો પછી કોર્ટ શા માટે તેમને જેલમાં મોકલી રહી છે. આ સિવાય AAPના ઘણા નેતાઓ જેલમાં છે અને અમુક જામીન પર બહાર છે. હમણાં જ AAP સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટની ઘટના બની એ પણ મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં. આ ઘટનાથી કોંગ્રેસ પણ અંતર બનાવતી દેખાઇ. બીજી તરફ કેજરીવાલ પણ સવાલોના કઠેડામાં છે. હવે વાંચનારે નક્કી કરવાનું છે કે આ સંજોગોમાં ગઠબંધન કેટલું મજબૂત બન્યું. 

    મોદી સામે વિપક્ષ એક? આ નેરેટિવમાં તથ્ય કેટલું? બિલકુલ નહીં

    એક નેરેટિવ એવો પણ ફેલાવવામાં આવી રહ્યો છે કે મોદી સામે આખો વિપક્ષ એક બનીને લડી રહ્યો છે. પણ આ પણ ગપ્પાં જ છે. દિલ્હીમાં જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડી રહ્યાં છે તેઓ પંજાબમાં સામસામે છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ બહુ સમય પહેલાં જ ગઠબંધન પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. બીજાં અમુક રાજ્યોમાં સ્થિતિ આવી છે. બીજું કેજરીવાલ એવા પ્રભાવશાળી રાજકારણી નથી કે તેમના પ્રચારથી જે-તે મતવિસ્તારમાં બહુ મોટો ફેર પડી જાય અને ગઠબંધનને એવો ફાયદો મળે, જેવો FTના લેખમાં દાવો કરવામાં આવ્યો છે. 

    વિદેશી મીડિયા કશુંક લખે અને મોદી પર નકામા પ્રહાર કરવા સિવાય પૂરું કરે એવું આજ સુધી બન્યું નથી. અહીં પણ મોદી પર મુસ્લિમો સામે ભેદભાવપૂર્ણ નિવેદનો આપવાનો આરોપ લગાવી દેવામાં આવ્યો છે. સાથે કહ્યું કે, તેઓ ગઠબંધનને ભ્રષ્ટાચાર મુદ્દે ઘેરે છે પણ કેજરીવાલની જ પાર્ટીના એક નેતા જેલમાં છે અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ જેલ થઈ છે. પણ એ જણાવ્યું નથી કે કયા કારણોસર જેલ થઈ છે. તેમને એજન્સીએ સમન્સ પાઠવ્યું હતું, વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યા છતાં તેઓ હાજર ન થયા એટલે ધરપકડ કરી. કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને કોર્ટે જામીન નામંજૂર કર્યા છે. 

    લેખમાં અંતે બે-ત્રણ વ્યક્તિઓનાં નિવેદનો ટાંકીને એવું ચિત્ર ઉપસાવવાના પ્રયાસ થયા છે કે લોકો મોદીથી ત્રાસી ગયા છે અને અનેક મુદ્દાઓ એવા છે જેને લઈને લોકોનો મોદી સામે વિરોધ છે, પણ તેઓ માને છે કે તેઓ ઇચ્છે કે નહીં ઇચ્છે પણ મોદી જ ફરી જીતશે. જ્યારે હકીકત એ છે કે મોદીએ ગત પાંચ વર્ષમાં જે કામો કર્યાં છે તેનાથી એક બહુ મોટો વર્ગ તેમના કામો અને શાસનથી સંતુષ્ટ છે અને બીજી ટર્મ મળશે તો તેના આધારે જ મળશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં