Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાત'જવાબદારોને છોડવામાં નહીં આવે, રાજ્ય આ ઘટના બાબતે ખૂબ ગંભીર': રાજકોટ અગ્નિકાંડ...

    ‘જવાબદારોને છોડવામાં નહીં આવે, રાજ્ય આ ઘટના બાબતે ખૂબ ગંભીર’: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સુઓમોટો સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં સરકારની દલીલ, ચાર કલાક ચાલી કાર્યવાહી

    હાઈકોર્ટે કહ્યું કે, "આ અઢી વર્ષથી ચાલી રહ્યુ હતું (રાજકોટ ગેમઝોનનો ઉલ્લેખ કરતાં). શું અમે એવું માની લઈએ કે, તમે આંખો મીંચી રાખી હતી? તમે અને તમારા સમર્થકો શું કરી રહ્યા હતા?"

    - Advertisement -

    26 મે, 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લઈને સુનાવણી હાથ ધરી હતી. આ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટે રવિવારે એટલે કે, રજાના દિવસે પણ સુનાવણી યોજી હતી. સ્પેશ્યલ જજ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચે આ અરજી સાંભળી. હાઈકોર્ટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. જ્યારે બીજા દિવસે એટલે કે, સોમવારે (27 મે, 2024) પણ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં ચાર કલાક સુધી સુનાવણી ચાલી હતી. અરજદાર અમિત પંચાલ, રાજ્યના સરકારી વકીલ, જુદી-જુદી મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી વકીલ, અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓ સુનાવણી દરમિયાન હાજર રહ્યા હતા.

    રાજકોટ અગ્નિકાંડ મામલે સુઓમોટો સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે, હવે તેઓ રાજ્ય સરકારની મશીનરીઓ પર વિશ્વાસ કરી શકે તેમ નથી. કોર્ટે આવું નિવેદન ત્યારે આપ્યું જ્યારે તેને જાણ થઈ હતી કે, રાજકોટ શહેરમાં બે ગેમઝોન 24 મહિના કરતાં વધુ સમયથી ફાયર સેફટી સર્ટિફિકેટ સહિતના તમામ પરમિટ વગર ચાલી રહ્યા હતા. રાજકોટ નગરપાલિકા તરફથી કોર્ટને કહેવામાં આવ્યું હતું, ગેમઝોને તેમની પરવાનગી લીધી નહોતી. તેના પર હાઈકોર્ટે કહ્યું કે, “આ અઢી વર્ષથી ચાલી રહ્યુ હતું (રાજકોટ ગેમઝોનનો ઉલ્લેખ કરતાં). શું અમે એવું માની લઈએ કે, તમે આંખો મીંચી રાખી હતી? તમે અને તમારા સમર્થકો શું કરી રહ્યા હતા?”

    આ સાથે કોર્ટે રાજકોટ મહાનગરપાલિકાની ટીકા પણ કરી હતી. કારણ કે, વાયરલ થઈ રહેલા કેટલાક ફોટોમાં જોઈ શકાયું હતું કે, TRP ગેમઝોનમાં નગરપાલિકાના અધિકારીઓ પણ જોવા મળ્યા હતા. જેઓ ત્યાંનાં માલિકને શુભેચ્છાઓ આપવા ગયા હોવાનું સામે આવ્યું હતું. કોર્ટે નગરપાલિકાને પૂછ્યું કે, “તે અધિકારીઓ કોણ હતા? શું તેઓ ત્યાં રમવા માટે ગયા હતા?” આ સાથે હાઈકોર્ટે રાજ્ય સરકાર પર પણ અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું કે, “શું તમે આંધળા થઈ ગયા છો? સૂઈ ગયા છો? હવે અમને સ્થાનિક વ્યવસ્થા અને રાજ્ય પર વિશ્વાસ રહ્યો નથી.”

    - Advertisement -

    તે સાથે જ રાજ્ય સરકારના વકીલે પણ તમામ પ્રશ્નોના જવાબ આપીને કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે, “અમે કોઈને નહીં છોડીએ. રાજ્ય આ ઘટના બાબતે ખૂબ ગંભીર છે. અમે કોઈને છોડીશું નહીં. 48 કલાકમાં 6 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.” આ સાથે સરકારે વધુમાં કહ્યું કે, “ઘટના બાદ તરત ફાયરની ગાડીઓ પહોંચી ગઈ હતી. કાલાવડ નગરપાલિકાની રેસ્ક્યૂ ટીમ પણ પહોંચી ગઈ હતી. 28 લોકો મૃત્યુ પામ્યા છે. ત્રણ સારવાર હેઠળ છે. બે આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે. વધુ તપાસ કરવામાં આવી રહી છે.”

    બે આરોપીઓની ધરપકડ કરી હોવાના સરકારના નિવેદન પર કોર્ટે કહ્યું કે, ‘બીજા ભાગી ગયા છે?’ જવાબમાં સરકારે કહ્યું કે, “તપાસ ચાલુ છે. જે આરોપીઓ નથી પકડાયા તેમની સામે લૂકઆઉટ સર્ક્યુલર જાહેર કરાયો છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે.” આ ઉપરાંત હાઈકોર્ટે રાજ્ય સરકારને સતર્ક રહેવા અને વ્યવસ્થા વધારવા માટેના નિર્દેશો આપ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં