તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને વિપક્ષના પણ કેટલાક ધારાસભ્યો-સાંસદો તરફથી મતો મળ્યા હતા. જેમાં ગુજરાત રાજ્યમાંથી પણ દસેક જેટલા ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. જેમાં સાત ધારાસભ્યો કોંગ્રેસના હોવાનું સામે આવ્યું છે. આ સાત ધારાસભ્યો કોણ છે તેની બહાર તો કોઈને ખબર નથી પરંતુ ખુદ કોંગ્રેસ પાર્ટી પણ જાણતી નથી.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, પાર્ટી હજુ સુધી ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોની ઓળખ કરી શકી નથી. આ ઉપરાંત તેમણે ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, હાલ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તેમણે એ બાબતે પણ સંકેત આપ્યા કે જે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું તેઓ વહેલા-મોડા ભાજપમાં સામેલ થઇ શકે છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આ ધારાસભ્યો વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાનો ઇનકાર કરતાં કહ્યું કે, જો આ બાબતની તપાસ કરવામાં આવે તો એ પાર્ટીના ધારાસભ્યોની નિષ્ઠા પર શંકા કરવા સમાન હશે.
એક તરફ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ધારાસભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો ઈનકાર કરી રહ્યા છે ત્યાં બીજી તરફ પાર્ટીના જ પ્રવક્તાએ વિપરીત નિવેદન આપતાં કહ્યું હતું કે, પાર્ટી આ મામલે તપાસ કરી રહી છે. કોંગ્રેસ નેતા મનીષ દોષીએ જણાવ્યું હતું કે, “આ આઘાતજનક છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાં પણ ક્રોસ વોટિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે. અમે તપાસ કરી રહ્યા છીએ. તપાસ પૂર્ણ થયા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતમાં ભાજપ પાસે 111 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 63 ધારાસભ્યો છે. ઉપરાંત અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થન સાથે આંકડો 64 થાય છે. જેથી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને 111 મતો મળવા જોઈએ, તેને સ્થાને 121 મતો મળ્યા હતા. એટલે કે વિપક્ષના 10 ધારાસભ્યોએ પણ દ્રૌપદી મુર્મૂના સમર્થનમાં મતદાન કર્યું હતું. જેમાંથી બીટીપીના છોટુ વસાવા-મહેશ વસાવા તેમજ એનસીપીના કાંધલ જાડેજાએ દ્રૌપદી મુર્મૂના સમર્થનમાં મત આપ્યો હતો. ક્રોસ વોટિંગ કરનારા બાકીના સાત ધારાસભ્યો કોંગ્રેસના
ચૂંટણીનું પરિણામ જાહેર થયું ત્યારે યશવંત સિન્હાના સમર્થનમાં માત્ર 57 મતો પડ્યા હતા. જોકે, આ સાત ધારાસભ્યો કોણ છે તે જાણી શકાયું નથી. કારણ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન ગુપ્ત પદ્ધતિથી યોજાય છે અને મતદાર ધારાસભ્યો-સાંસદોએ મત કોને આપ્યો તે જાહેર કરવાનું રહેતું નથી. વધુમાં, આ ચૂંટણીમાં મતદાન કરવા માટે પાર્ટીઓ વ્હીપ પણ જારી કરી શકતી નથી.