Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત ચૂંટણીમાં એક દિવસ આવીને 2 સભાઓ કરી ગયા હતા કોંગ્રેસના ‘સ્ટાર...

    ગુજરાત ચૂંટણીમાં એક દિવસ આવીને 2 સભાઓ કરી ગયા હતા કોંગ્રેસના ‘સ્ટાર પ્રચારક’ રાહુલ ગાંધી, આ બેઠકો પર પણ પાર્ટીએ ચાખવી પડી હાર

    - Advertisement -

    આ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી આમ તો કોંગ્રેસના ‘સ્ટાર પ્રચારક’ હતા પરંતુ તેમણે પ્રચારમાં ખાસ રસ દાખવ્યો ન હતો. સામી ગુજરાત ચૂંટણીએ ‘ભારત જોડો યાત્રા’માં વ્યસ્ત રાહુલ ગાંધી માત્ર એક દિવસ ગુજરાત આવ્યા હતા અને એક દક્ષિણ ગુજરાત અને એક સૌરાષ્ટ્ર એમ ગણીને 2 જ સભાઓ સંબોધી હતી. રસપ્રદ બાબત એ છે કે આ બંને બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો હારી ગયા છે.  

    રાહુલ ગાંધી ગુજરાત ચૂંટણીના પ્રચાર માટે સુરતના મહુવા અને રાજકોટમાં સભાઓ કરવા માટે આવ્યા હતા. મહુવામાં ભાજપના ઉમેદવારની સતત ત્રીજી વખત જીત થઇ તો બીજી તરફ રાજકોટમાં પણ શહેરની તમામ બેઠકો ભાજપે જીતી લીધી હતી. 

    રાહુલ ગાંધી ગત 21 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના મહુવા તાલુકાના પાંચકાકડા ગામે રેલી કરવા માટે આવ્યા હતા. પાંચકકડા મહુવા તાલુકાનું ગામ છે. ઉપરાંત, વિધાનસભા વિસ્તારની રીતે પણ તે મહુવા વિધાનસભામાં જ આવે છે. રાહુલ ગાંધીએ અહીં એક જનસભા સંબોધી હતી. 

    - Advertisement -

    રાહુલ ગાંધીની આ જનસભાને સામાન્ય પ્રતિસાદ જ મળ્યો હતો. બીજી તરફ, પરિણામો જાહેર થયાં ત્યારે અહીં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોહન ઢોડિયા સરળતાથી જીતી ગયા હતા. અહીં કોંગ્રેસે હેમાંગિની ગરાસિયાને ચૂંટણી લડવા ઉતાર્યાં હતાં. જેમને માત્ર 29.34 ટકા મતો મળી શક્યા. જ્યારે ભાજપ ઉમેદવાર મોહન ઢોડિયાએ 47.88 ટકા મતો સાથે જીત મેળવી લીધી હતી. તેઓ સતત ત્રીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. 

    રાજકોટમાં પણ તમામ બેઠકો પર ભાજપે જીત મેળવી 

    આ જ દિવસે તેમની બીજી સભા રાહુલ ગાંધીએ રાજકોટમાં કરી હતી. અહીં પણ શહેરની તમામ બેઠકો ઉપર ભાજપે જ જીત મેળવી છે. રાજકોટ પૂર્વ બેઠક પર ઉદય કાનગડ, રાજકોટ પશ્ચિમ બેઠક પર ડૉ. દર્શિતા શાહ, રાજકોટ દક્ષિણ પર રમેશ ટીલાળા અને રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાનુબેન બાબરિયા વિજયી બન્યાં હતાં. રાજકોટ શહેરમાં કોંગ્રેસ એકેય બેઠક મેળવી ન શકી. રાજકોટ શહેર જ નહીં, તેની આસપાસની બેઠકો પર પણ કોંગ્રેસના ઉમેદવારો હાર્યા હતા. 

    સૌરાષ્ટ્રમાં 3, દક્ષિણમાં 1 અને મધ્યમાં 2 બેઠકો મળી

    કોંગ્રેસ પાર્ટી ગત ચૂંટણીમાં સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો જીતી હતી, પરંતુ આ ચૂંટણીમાં પાર્ટીને સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાંથી માત્ર ત્રણ બેઠકો મળી છે. જેમાં પોરબંદર (અર્જુન મોઢવાડિયા), માણાવદર (અરવિંદ લાડાણી) અને સોમનાથ (વિમલ ચુડાસમા)નો સમાવેશ થાય છે. કોંગ્રેસને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી પણ ખાસ કંઈ મળ્યું નથી. દક્ષિણ ગુજરાતમાં માત્ર વાંસદા બેઠક (અનંત પટેલ) જ્યારે મધ્યમાં ખંભાત (ચિરાગ પટેલ) અને આંકલાવ (અમિત ચાવડા) બેઠક પર પાર્ટી જીતી શકી છે. તે સિવાયની બાકીની તમામ બેઠકો ઉત્તર ગુજરાતમાંથી મળી છે. 

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 156 બેઠકો સાથે વિજયી બની હતી જ્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, 3 બેઠકો પર અપક્ષ ઉમેદવારો અને એક બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારે જીત મેળવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં