કોઈ પણ તહેવાર હોય, ગુજરાત જોરદાર ઉજવણી માટે હર-હંમેશ તત્પર રહે છે તે સહું કોઈ જાણે, તેવીજ રીતે લોકશાહીના મહાપર્વ એવી અગામી વિધાનસભા ચૂંટણી માટે પણ આખું ગુજરાત થનગની રહ્યું છે, તમામ પાર્ટીઓ જીતવા માટે એડી-ચોટીનું જોર લગાવી રહી છે, દર વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેલતા આ જંગમાં આ વખતે આમ આદમી પાર્ટી પણ ગુજરાત પર પોતાનો હાથ અજમાવવા માટે મહેનત કરી રહી છે, પણ ગુજરાતની જોરાળી જનતા નો મુડ તો કઈક અલગજ જોવા મળી રહ્યો છે, એક ખાનગી ચેનલના સરવેમાં ગુજરાતની જનતાએ ઇસુદાન ગઢવીનું મુખ્યમંત્રી બનવાનું સપનું રોળ્યું છે.
અહેવાલો અનુસાર અરવિંદ કેજરીવાલની પાર્ટી દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં પણ સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. પાર્ટીએ ગુજરાતમાં તેના મુખ્યમંત્રી ચહેરાની પણ જાહેરાત કરીને ઈસુદાન ગઢવીને સીએમ પદના ઉમેદવાર બનાવ્યા છે. જોકે ભાજપ પહેલાં જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. જ્યારે કોંગ્રેસે સીએમ પદનો ચહેરો જાહેર કર્યો નથી.
ગુજરાતમાં ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે છે જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે છે. ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં ગુજરાતમાં લોકો સીએમ તરીકે કોને જોવા માંગે છે એ અંગેનો સરવે સામે આવ્યો છે જેમાં ઈન્ડિયા ટીવી-મેટરાઈઝના સર્વેમાં લોકોને એ પણ પૂછવામાં આવ્યું કે તેઓ ગુજરાતમાં સીએમ તરીકે કોને પસંદ કરે છે, દરમિયાન સરવેમાં ગુજરાતની જનતાએ ઇસુદાન ગઢવીનું મુખ્યમંત્રી બનવાનું સપનું રોળ્યું હોય તેવા પરિણામો જાણવા મળ્યા હતા.
ઈન્ડિયા ટીવી-મેટરાઈઝના સરવે મુજબ ગુજરાતની જનતાને પૂછવામાં આવેલા મુખ્યમંત્રી તરીકેની પસંદગીના સવાલ મુજબ વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પર 32% લોકોએ પસંદગીનો કળશ ઢોળ્યો હતો, જયારે શક્તિસિંહ ગોહિલ પર 7%, ભરતસિંહ સોલંકી પર 4% અને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીને માત્ર 7% લોકોએ પસંદ કર્યા હતા, આ સરવે મુજબ વિચારવામાં આવે તો અગામી ચૂંટણીમાં AAPને ગુજરાતની જનતા ફરી દિલ્હી અને પંજાબ ભેગી કરી દે એવા આસાર દેખાઈ રહ્યા છે.
વતન જામખંભાળિયાથી લડવું પણ લોઢાના ચણા ચાવવા જેવું
અમારા અગાઉના જ એક અહેવાલ મુજબ આમ આદમી પાર્ટીએ પત્રકારમાંથી નેતા બનાવેલા ઇસુદાનને સીએમ ફેસ તો જાહેર કરી દીધો પણ મુંજવણ એ હતી કે તેમને લડાવવા ક્યાંથી? દ્વારકા બેઠક પર જોખમ લગતા પાર્ટીએ ખંભાળિયા બેઠક પર પસંદગી ઉતારી અને ઈસુદાનને મેન્ડેટ આપ્યું હતું. પણ ખંભાળિયા બેઠકનો ઇતિહાસ જોઈએ તો અહીં આહિર સમાજનું વર્ચસ્વ રહ્યું છે. વર્ષ 1967 પછી ક્યારેય બિનઆહીર ઉમેદવાર ચૂંટાયા જ નથી. પાર્ટી કોઈ પણ હોય પરંતુ આહિર ઉમેદવાર જ જીતે છે.
અહીં 1972 માં હેમંત માડમે અપક્ષ ઉમેદવારી કરીને જીત મેળવી હતી. ત્યારબાદ 1975, 1980 અને 1985માં પણ તેઓ જ ચૂંટાતા રહ્યા. 1990માં તેમણે ચૂંટણી લડી ન હતી અને કોંગ્રેસે પહેલીવાર જીત મેળવી હતી. ત્યારબાદ 1995ની ચૂંટણીમાં પહેલી વખત ભાજપે અહીં જીતનું ખાતું ખોલાવ્યું હતું. 1995માં ભાજપના જેસાભાઇ ગોરિયાએ જીત મેળવ્યા બાદ 1998, 2002, 2007 અને 2012 સુધી ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો ચૂંટાતા આવ્યા હતા. જોકે, 2014ની પેટાચૂંટણીમાં કોંગ્રેસે બેઠક આંચકી લીધી હતી. ત્યારબાદ 2017માં પણ કોંગ્રેસ જ જીતી હતી.
આ ચૂંટણીમાં કોંગ્રેસે વિક્રમ માડમને રિપીટ કર્યા છે. બીજી તરફ, ભાજપે મુળુ બેરા જેવા વરિષ્ઠ નેતાને ટિકિટ આપી છે. અને આ નેતાઓ બંને આહિર સમાજમાંથી આવે છે. તો બીજી તરફ ઇસુદાન ની વાત કરીએ તો તેઓ રાજકારણમાં આવ્યાને માંડ બે-અઢી વર્ષ થયાં છે. હજુ તેમનું એટલું પ્રભુત્વ પણ દેખાય રહ્યું નથી કે લોકો તેમને નેતા તરીકે સ્વીકારતા પણ થયા નથી. બીજી તરફ, સામે એવા લોકો છે જેઓ વર્ષોથી રાજકારણમાં છે. તેવામાં આપના ‘આપ’ના સીએમ ફેસ ઈસુદાન ગઢવી ખંભાળિયા બેઠક પર કોઈ મોટો અપસેટ સર્જી શકે તેવું હાલની સ્થિતિએ તો લાગતું નથી.
તેવામાં તાજેતરના સરવેનું માનીએ તો માત્ર 7% લોકો જ ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદ પર જોવા માંગે છે, જયારે સૌથી વધુ લોકો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફરી એક વાર ગુજરાતની ગાડીએ બેસાડવા પોતાનો મત આપી રહ્યા છે, જોકે આ માત્ર એક સરવે છે, ખરો નિર્ણય તો અગામી ચૂંટણીઓ બાદ 8મીએ જાહેર થનારા પરિણામો બાદ જ ખબર પડશે કે ગુજરાત કોણે સર કર્યું છે.