પેપર લીક થવાના કારણે ગત 29 જાન્યુઆરીના રોજ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. લાંબા ગાળે યોજાનારી આ પરીક્ષા પણ રદ થતા ઉમેદવારોમાં પણ ભારે આક્રોશ વ્યાપ્યો હતો. જેને લઈને ગુજરાત પંચાયત પસંદગી મંડળના ચેરમેન પણ બદલવામાં આવ્યા હતા. પરંતુ હવે પેપર ફોડનારાઓ સામે ગુજરાત સરકાર લાલ આંખ દેખાડી છે, જે માટે આગામી ફરી વાર પરીક્ષા યોજાય એ પહેલા સરકારે કડક કાયદો બનાવવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત સરકારે ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023(Gujarat Public Examination Bill, 2023) તૈયાર કરી દીધુ છે.
સરકાર દ્વારા તૈયાર કરાયેલા ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 માં પરીક્ષામાં ગેરરીતી કે પછી પેપર ફોડવા જેવા જધન્ય અપરાધ કરનારા તત્ત્વો માટે કડક સજાની જોગવાઈઓ કરવામાં આવી છે. આ અધિનિયમ હેઠળના તમામ ગુનાઓ બિનજામીનપાત્ર હશે. જેમાં પરીક્ષામાં ગેરરીતી આચરનાર પરીક્ષાર્થીને ત્રણ વર્ષની કેદ અને 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષાર્થી કે પછી કોઈ વ્યક્તિ પણ જો પરીક્ષામાં પેપર લીક કે કોઈ અન્ય પ્રકારની ગેરરીતી આચરશે અથવા આચરવાનો પ્રયત્ન કરશે, તો આ અધિનિયમની જોગવાઈનું ઉલ્લંઘન કરવાના ગુનામાં તે વ્યક્તિને ઓછામાં ઓછી 5 અને વધુમાં વધુ 10 વર્ષની કેદની સજા કરવામાં આવશે. આ સાથે જ ગેરરીતી આચરનારને 10 લાખ માંડીને 1 કરોડ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.
પેપરલીક મામલે સરકાર લાવશે બિલ
— Gujarat First (@GujaratFirst) February 16, 2023
ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક -2023 લાવશે સરકાર
વિધેયકની કોપી ધારાસભ્યોને આપવામાં આવી@Rushikeshmla @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh #Gujaratfirst #paperleaklaw pic.twitter.com/zzrZHJJR12
આ અધિનિયમ હેઠળ ગેરરીતીમાં દોષી ઠેરવાયેલા પરીક્ષાર્થીને, બે વર્ષ માટે તમામ પ્રકારની જાહેર પરીક્ષામાંથી બાકાત રાખવામાં આવશે. તો પેપર લીક જેવી ગેરરીતી આચરનાર આરોપીની જંગમ અથવા સ્થાવર મિલકતને જપ્ત કરી ખોટી રીતે મેળવેલા લાભની વસૂલાતનો હુકમ કરવામાં આવશે. આ ઉપરાંત આ અધિનિયમ હેઠળ જો સંચાલન મંડળ અથવા સંસ્થા અથવા મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારીની કોઈ વ્યક્તિ દોષી સાબિત થશે તો તે વ્યક્તિ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલો જાહેર પરીક્ષાને લગતો તમામ ખર્ચ અને નાણા ચૂકવવા માટે જવાબદાર ગણવામાં આવશે.
આટલું જ નહી, પરીક્ષા દરમિયાન કોઈ વ્યક્તિ તપાસ ટીમના સભ્ય, સુપરવાઈઝર, કર્મચારી વર્ગ, અથવા તો પરીક્ષા સત્તા મંડળના અધિકારી અને તેમના દ્વારા નિયુક્ત કરેલ વ્યક્તિને ફરજ બજાવતા અટકાવતા, તેમને ધમકાવતા કે પછી કોઈ પણ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અવરોધ ઉભો કરવા કે ગેરકાયદેસર પ્રવેશ કરવાનો પ્રયત્ન કરશે તો તે વ્યક્તિને પણ 3 વર્ષ સુધીની જેલ, અને 1 લાખ રૂપિયાથી વધુનો દંડ પણ થઇ શકશે. અને ફોજદારી અધિનિયમ 1973ની જોગવાઈ અનુસાર પણ સજાને પત્ર રહેશે. આ પ્રકારના ગુનાઓની તપાસ પણ નાયબ પોલીસ અધિક્ષકથી માંડીને ઓછામાં ઓછા પોલીસ ઈન્સ્પેક્ટરના હોદ્દા પર રહેલ અધિકારી જ કરી શકશે.