હાલોલથી ગોધરા જતી બસમાં હિંદુ મહિલાની છેડતી કરનારો મોહમ્મદ કાસિમ પોલીસને સોંપવામાં આવ્યો છે. તેણે રાત્રિના સમયે અંધારાનો લાભ ઉઠાવીને એક મહિલા સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં. બસ ગોધરા સ્ટેશને પહોંચતાં જ કાસિમને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
ફરિયાદી મહિલા રાતના સમયે હાલોલથી ગોધરા બસમાં મુસાફરી કરી રહી હતી. એ દરમિયાન બસની લાઈટો બંધ હોવાથી આરોપીએ અંધારાનો લાભ લઈને મહિલાને સ્પર્શ કરીને છેડતી કરવાની શરૂઆત કરી હતી. જેને મહિલાએ અટકાવતાં બંને વચ્ચે બોલાચાલી પણ થઇ હતી અને તેમ છતાં કાસિમ અટક્યો ન હતો અને હરકતો ચાલુ રાખી હતી. ત્યારબાદ મહિલાએ ફોન મારફતે પતિને જાણ કરીને બોલાવી લીધા હતા અને સ્ટેશન પર ઉતર્યા બાદ આસપાસના લોકોની પણ મદદ લઇ આરોપીને પોલીસના હવાલે કર્યો હતો.
પીડિતાએ આ મામલે નોંધાવેલી ફરિયાદ મુજબ, રાત્રે બસની લાઈટ બંધ હતી ત્યારે આ બનાવ બન્યો હતો. તેને લાગ્યું કે અન્ય પેસેન્જર (કાસિમ) તેના ખભાને વારંવાર સ્પર્શ કરી રહ્યો છે એટલે તેણે કાસિમને દૂર રહેવા જણાવ્યું હતું. જેને લઈને બંને વચ્ચે દલીલ થઈ હતી. બીજી તરફ કંડક્ટરે બસમાં બોલાચાલી કરવાની ના પાડી દીધી. તેમ છતાં આરોપી અટક્યો ન હતો અને ખરાબ ઈરાદાથી મહિલાની જાંઘના નીચેના ભાગને વારંવાર સ્પર્શ કર્યો હતો. મહિલાએ બાદમાં અન્ય મુસાફરને આરોપીના ફોટો પાડીને તેના પતિને મોકલવા અને ગોધરા સ્ટેશને મળવા માટે જણાવ્યું હતું.
આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો પણ લોકોએ તેને પકડી પડ્યો
બસ રાત્રે 9.30 કલાકે ગોધરા બસ સ્ટેશન પર પહોંચતાં જ મહિલાએ આરોપી મોહમ્મદ કાસિમને અટકાવ્યો હતો અને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. આરોપીએ પછીથી ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ મહિલાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને તેને ભાગતો અટકાવ્યો હતો. ત્યારબાદ મહિલાના પતિ પણ પહોંચતાં તેમણે અન્ય સ્થાનિકો સાથે મળીને મોહમ્મદ કાસિમને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો. ત્યારબાદ આ મામલે ફરિયાદ દાખલ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.