દેશની સુપ્રીમ કોર્ટે ગોધરા હિંદુ હત્યાકાંડના ગુનેગાર ફારૂક ભાણાને જામીન આપ્યા છે. ગુરુવારે (15 ડિસેમ્બર 2022) ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે આ આદેશ પસાર કર્યો હતો. જામીન આપતી વખતે કોર્ટે કહ્યું કે, ગુનેગાર 17 વર્ષથી જેલમાં છે. ઉપરાંત, કોર્ટે ઘટના સમયે તેની ભૂમિકા અંગે પણ ઉલ્લેખ કર્યો હતો.
#SupremeCourt grants bail to a convict named Farook, sentenced to life in the Godhra carnage case, considering the fact that he has undergone 17 years sentence and that his role was of stone-pelting at the train.
— Live Law (@LiveLawIndia) December 15, 2022
Bench led by CJI DY Chandrachud passed the order. pic.twitter.com/2dXwywv9lz
આદેશ પસાર કરતી વખતે કોર્ટે નોંધ્યું કે ગુનેગાર છેલ્લાં 17 વર્ષથી જેલમાં છે, જેથી તેને જામીન આપવામાં આવે. કોર્ટે ચુકાદામાં એ પણ ટાંક્યું છે કે ગોધરા સ્ટેશન પર ટ્રેન સળગાવાઈ તે સમયે ફારૂક પથ્થરમારો કરવામાં સામેલ હતો.
બીજી તરફ, ગુજરાત સરકારે આ જામીનનો વિરોધ કર્યો હતો. સરકાર તરફથી કોર્ટમાં રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચ સમક્ષ દલીલ કરી કે આ કેસ કોઈ સામાન્ય પથ્થરમારાની ઘટના ન હતી, પરંતુ તેમના આ કૃત્યના કારણે લોકો સળગતી ટ્રેનના કોચમાંથી બહાર આવી શક્યા ન હતા.
સરકાર પક્ષે સોલિસિટર જનરલે કહ્યું, “તેણે બીજાને ઉશ્કેર્યા હતા, પથ્થરમારો કર્યો હતો અને મુસાફરોને ઈજાઓ પણ પહોંચાડી હતી. સામાન્ય પરિસ્થિતિમાં પથ્થરમારો કરવો એક ગુનાની રીતે ઓછો ગંભીર આંકી શકાય, પણ આ પરિસ્થિતિ જુદી હતી. આ સૌથી જઘન્ય અપરાધોમાંનો એક હતો. બોગીના દરવાજા બંધ કરવાના કારણે 59 લોકો જીવતા સળગી ગયા હતા.”
નોંધનીય છે કે ગુનેગારે સજાની સામે કરેલી અપીલ વર્ષ 2018થી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. 27 ઓગસ્ટ 2018ના રોજ એક સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે ફારૂક ભાણા અને ઇમરાન ઉર્ફ શેરૂ બટુકને ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેન સળગાવવાના કેસમાં ગુનેગાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી.
આ સજા સંભળાવતી વખતે કોર્ટે નોંધ્યું હતું કે, ફારૂક ભાણાએ ઘટનાની આગલી રાત્રે અમન ગેસ્ટ હાઉસ ખાતે એક મિટિંગ કરી હતી અને જેમાં લોકોને સાબરમતી એક્સપ્રેસના S6 ડબ્બાને સળગાવી મૂકવા માટે ઉશ્કેર્યા હતા. જ્યારે બીજા ગુનેગાર ઇમરાન બટુકે ટોળાની આગેવાની લીધી હતી અને ટ્રેન સળગાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી 2002ના દિવસે ગોધરામાં ઉત્તર પ્રદેશના અયોધ્યાથી હિંદુ કારસેવકોને લઈને આવતી સાબરમતી એક્સપ્રેસ પર મુસ્લિમોના ટોળાએ હુમલો કરી દીધો હતો અને બે ડબ્બા સળગાવી દીધા હતા. આ ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત કુલ 59 નિર્દોષ લોકો જીવતા સળગી ગયા હતા. આ ઘટનાને પગલે રાજ્યમાં રમખાણો પણ ફાટી નીકળ્યાં હતાં.
આ ઘટના બાદ તપાસને અંતે માર્ચ 2011માં ટ્રાયલ કોર્ટે 31 આરોપીઓને દોષી ઠેરવ્યા હતા, જેમાંથી 11ને મૃત્યુદંડ અને બાકીના 20ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 63ને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. જોકે, 2017માં ગુજરાત હાઇકોર્ટે મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં પરિવર્તિત કરી દેવામાં આવી હતી અને અન્ય 20ની સજાને યથાવત રાખવામાં આવી હતી. આ ગુનેગારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેની ઉપર હજુ ચુકાદો આવ્યો નથી.