ગોવા પોલીસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવીને હાજર થવા માટે જણાવ્યું છે. તેમણે આગામી 27 એપ્રિલના રોજ પોલીસ સમક્ષ હાજર થવાનું રહેશે.
Goa police asks Delhi CM Arvind Kejriwal to remain present before it on April 27 in property defacement case
— Press Trust of India (@PTI_News) April 13, 2023
આ મામલો 2022ની ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન જાહેર સંપત્તિ પર ગેરકાયદેસર રીતે પોસ્ટરો ચોંટાડવા મામલનો છે. જેને લઈને ગોવાના પેરનેમ પોલીસ મથકના ઇન્સ્પેક્ટરે કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજરની કલમ 41(A) હેઠળ કેજરીવાલને સમન્સ પાઠવીને હાજર રહેવા માટે જણાવ્યું હતું.
નોટિસમાં જણાવવામાં આવ્યું કે, સંપત્તિને નુકસાન પહોંચાડવાના કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે વર્તમાન તપાસ સંદર્ભે તથ્યો અને વિગતો જાણવા માટે તમારી પૂછપરછ કરવા માટેનાં યોગ્ય કારણો જણાઈ આવે છે. ત્યારબાદ કેજરીવાલને 27 એપ્રિલના રોજ પેરનેમ પોલીસ મથકે સવારે 11 વાગ્યે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે CrPCની આ કલમ હેઠળ પોલીસ જો તેમને લાગે કે જે-તે વ્યક્તિ વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ યોગ્ય છે અને તેણે ગુનો કર્યો હોવાની આશંકા છે તો તેને તપાસ માટે હાજર રહેવા માટે સમન્સ પાઠવી શકે છે.
આ મામલે વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પેરનેમ પોલીસ હાલ આમ આદમી પાર્ટી વિરુદ્ધ ગોવા પ્રિવેન્શન ઑફ ડીફેસમેન્ટ ઑફ પ્રોપર્ટી એક્ટ હેઠળ નોંધાયેલા કેસની તપાસ કરી રહી છે. આ કેસ વિધાનસભા ચૂંટણી દરમિયાન જાહેર સંપત્તિ હેઠળની દીવાલો પર પોસ્ટરો ચોંટાડવા મામલે દાખલ કરવામાં આવ્યો હતો.
શું છે ગોવા પ્રિવેન્શન ઑફ ડીફેસમેન્ટ ઑફ પ્રોપર્ટી એક્ટ?
ગોવાના આ પ્રિવેન્શન ઑફ ડીફેસમેન્ટ ઑફ પ્રોપર્ટી એક્ટ હેઠળ કોઈ પણ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવું એ ગુનો ગણાય છે અને જે હેઠળ છ મહિના સુધીની સજા અને/અથવા હજાર રૂપિયાનો દંડ કરવામાં આવે છે.
એક્ટમાં જણાવવામાં આવ્યું કે, કોઈ પણ વ્યક્તિ જાહેર સંપત્તિ પર થૂંકીને, પેશાબ કરીને, પોસ્ટરો કે પેમ્ફલેટ્સ ચોંટાડીને, શાહી કે ચોક વડે લખીને, રંગ વડે કે અન્ય કોઈ વસ્તુ વડે ખરાબ કરીને તેને નુકસાન પહોંચાડે તો તેને સજા કે દંડ થઇ શકે છે. જોકે, આમાં જે-તે સંપત્તિના માલિકનું નામ અને સરનામું લખવામાં આવ્યું હોય તો તે કૃત્યને ગુનામાં સામેલ કરવામાં આવતું નથી.
ગોવા ચૂંટણીમાં AAPને માત્ર 2 બેઠકો મળી હતી
ગોવામાં ફેબ્રુઆરી, 2022માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. 40 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 20 બેઠકો જીતીને સત્તા મેળવી હતી. કોંગ્રેસને 11 જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 2 બેઠકો મળી શકી હતી. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પણ ચૂંટણી હારી ગયા હતા.