એક તરફ કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ સતત અદાણી જૂથ પર લાગેલા આરોપોને લઈને સરકાર સમક્ષ તપાસની માંગ કરી રહી છે ત્યાં બીજી તરફ આજે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારને મળ્યા હતા. બંને વચ્ચે પવારના નિવાસસ્થાને મુલાકાત થઇ હતી.
Gautam Adani meets Sharad Pawar at his Mumbai residence #ITVideo #GautamAdani #sharadPawar #Mumbai pic.twitter.com/oUClQKNUby
— IndiaToday (@IndiaToday) April 20, 2023
મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યા અનુસાર, દક્ષિણ મુંબઈ સ્થિત શરદ પવારના નિવાસસ્થાન સિલ્વર ઑક ખાતે શરદ પવાર અને અદાણી વચ્ચે લગભગ 2 કલાક સુધી મુલાકાત ચાલી હતી. જોકે, આ બેઠકમાં શું ચર્ચા થઇ તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ શરદ પવારે હિંડનબર્ગ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઈને વિપક્ષી પાર્ટીઓના વલણથી વિપરીત અદાણી જૂથનું સમર્થન કર્યું હતું અને વિપક્ષો દ્વારા થતી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની તપાસની માંગને લઈને પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
શરદ પવારે કહ્યું હતું- અદાણી જૂથને ટાર્ગેટ કરવામાં આવ્યું હોય તેમ લાગે છે
શરદ પવારે આ વાતો NDTVને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહી હતી. ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને અદાણી જૂથને લઈને અમેરિકી ફર્મ હિંડનબર્ગ દ્વારા પ્રકાશિત રિપોર્ટ અને આરોપોને લઈને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે, “કોઈ એક વિદેશી ફર્મે કશુંક નિવેદન આપી દીધું અને તેનાથી દેશમાં હોબાળો મચી ગયો. આવાં નિવેદનો અગાઉ પણ કેટલાક લોકોએ આપ્યાં હતાં, થોડા દિવસો સંસદમાં હોબાળો પણ મચ્યો હતો, પણ આ વખતે આ મુદ્દાને થોડું વધારે મહત્વ આપવામાં આવ્યું. જે મુદ્દો રાખવામાં આવ્યો તે રાખનારા લોકો કોણ હતા? એ પણ વિચારવાની જરૂર છે. આપણે તો જેમણે નિવેદન આપ્યું તેમનું નામ પણ સાંભળ્યું ન હતું. આ પ્રકારના મુદ્દાઓ ઉછાળવાથી દેશની સ્થિતિ અને અર્થવ્યવસ્થાને કેટલી અસર થાય છે..આ બધી બાબતો અવગણી શકાય નહીં. અહીં ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તેવું લાગે છે.”
કોંગ્રેસ દ્વારા સતત આ મામલે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવીને તપાસ કરવાની માંગ કરવામાં આવતી રહી છે. જેને લઈને તેમણે કહ્યું કે, “વિપક્ષની માંગ હતી કે સંસદની સમિતિ નીમવામાં આવે. સમજી લો કે સંસદની સમિતિ બનાવવામાં આવી. તો આજે સંસદમાં બહુમતી કોની છે? સત્તાપક્ષની. આ માંગ કોની સામે કરવામાં આવી હતી? સત્તાપક્ષ સામે. સત્તા પક્ષ સામે જે આરોપો છે તેની તપાસ માટે સમિતિ નીમવામાં આવશે તો સત્ય કેવી રીતે સામે આવશે? જેથી આશંકા પેદા થઇ શકે.”