G20 સમિટનો શુભારંભ થઈ ચૂક્યો છે અને નવી દિલ્હીના ‘ભારત મંડપમ’ ખાતે વિદેશી મહેમાનોનું આગમન શરૂ થઈ ચૂક્યું છે. શનિવારે (9 સપ્ટેમ્બર, 2023) વહેલી સવારે પીએમ મોદી ભારત મંડપમ પહોંચ્યા હતા, ત્યારબાદ તેમણે તમામ મહેમાનોનું વ્યક્તિગત સ્વાગત કર્યું હતું. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં કોર્ણાક સૂર્યમંદિરનું ધર્મચક્ર જોવા મળ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સ્થળે વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો તેમજ વિવિધ એજન્સીઓના વડાઓનું સ્વાગત કર્યું હતું. સૌપ્રથમ PM મોદીએ WHO, IMF, વર્લ્ડ બેન્ક સહિતનાં વિવિધ સંગઠનોના વડાઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ G20માં જે દેશોને આમંત્રિત કરવામાં આવ્યા છે, તેના વડાઓને અવકારવામાં આવ્યા હતા. આમંત્રિત દેશોમાં બાંગ્લાદેશ, ઇજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ્સ, નાઈજીરિયા, ઓમાન, સિંગાપોર, સ્પેન, યુએઈનો સમાવેશ થાય છે.
ત્યારબાદ G20ના સભ્ય દેશોના વડાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાયડન, યુકેના પીએમ ઋષિ સુનક, ઈટલીનાં વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની, જાપાન પીએમ ફુમિયો કિશિદા સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.
પીએમ મોદીએ જે સ્થળ પર તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોનું સ્વાગત કર્યું તેણે પણ વિશેષ ધ્યાન ખેંચ્યું. આ સ્થળના બેકગ્રાઉન્ડમાં ઓડિશા સ્થિત કોર્ણાકના સૂર્યમંદિર સ્થિત ધર્મચક્રની તસવીર રાખવામાં આવી હતી. આ ચક્રનું નિર્માણ 13મી સદીમાં રાજા નરસિંહદેવ-પ્રથમના કાર્યકાળ દરમિયાન કરાવવામાં આવ્યું હતું. આ ધર્મચક્ર સમય, કાળચક્ર સાથે પ્રગતિ અને નિરંતર પરિવર્તનનું પ્રતીક છે. આ ચક્ર લોકતંત્રના એક શક્તિશાળી પ્રતીક તરીકે લોકતાંત્રિક આદર્શો અને સામાજિક પ્રગતિ પ્રત્યે પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
G 20 in India | The welcome handshake of all leaders with PM Modi will showcase the Konark Wheel from Odisha. The Konark Wheel was built during the 13th century under the reign of King Narasimhadeva-I. The wheel with 24 spokes is also adapted into India's national flag and… pic.twitter.com/g8wrTpsmZM
— ANI (@ANI) September 9, 2023
આ ચક્રનું ખગોળીય મહત્વ પણ ઘણું છે. કહેવાય છે કે મંદિરના વાસ્તુકારોએ આ ચક્ર બનાવવા માટે ખગોળ વિજ્ઞાનની મદદ લીધી હતી અને તેની જટિલ સંરચના ગણિતીય ગણનાઓ પર આધારિત છે, જેમાં પૃથ્વીના પરિભ્રમણ તેમજ સૂર્ય-ચંદ્ર અને તારાઓની ગતિવિધિઓને ધ્યાને લેવામાં આવી હતી. તે આખા દિવસ અને વર્ષ દરમિયાન સૂર્યની ગતિને ટ્રેક કરી શકે છે.
કોર્ણાકના આ ચક્રનો ઉપયોગ સૂર્યની સ્થિતિના આધારે દિવસનો સમય જાણવા માટે કરવામાં આવતો હતો અને તેનાથી એકદમ સટીક સમય જાણી શકાતો હતો. આ ચક્રમાં પૌરાણિક કથાઓનાં દ્રશ્યોને પણ દર્શાવવામાં આવ્યાં છે, જેમાં દેવી-દેવતાઓ, પશુઓ અને મનુષ્યોનાં ચિત્રો સામેલ છે. આ ચક્રને જીવન, મૃત્યુ અને પુનર્જન્મના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે.