દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે અલ કાયદા ઈન ઇન્ડિયન સબ-કોન્ટિનેન્ટ (AQIS)ના ચાર આતંકવાદીઓને દેશમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માટે કાવતરું ઘડવા અને આતંકી સંગઠનમાં યુવાનોની ભરતી કરવા બદલ દોષી ઠેરવ્યા છે. આ તમામ ડિસેમ્બર 2015માં દિલ્હી પોલીસના હાથે પકડાયા હતા.
જે અલ કાયદા આતંકવાદીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે તેમની ઓળખ મોહમ્મદ આસિફ, મોહમ્મદ અબ્દુલ રહેમાન, ઝફર મસૂદ અને અબ્દુલ સામી તરીકે થઇ છે. તમામને UAPA એક્ટની કલમ 18 અને 18B હેઠળ ગુનેગાર ઠેરવવામાં આવ્યા છે. આગામી 14 ફેબ્રુઆરીએ તેમની સજાનું એલાન સંભવ હોવાનું કહેવાય છે.
દિલ્હી પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે રહેમાન ઉત્તર પ્રદેશમાં એક મદ્રેસા ચલાવતો હતો અને જેની આડમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવા માટે યુવાનોની ભરતી કરતો હતો. ઉપરાંત, તે મિડલ ઇસ્ટ અને પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનો સાથે પણ સાંઠગાંઠ ધરાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
2015માં ઇનપુટ મળ્યા હતા, 2013થી એજન્સીઓ કામે લાગી હતી
વર્ષ 2015માં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને આતંકવાદી સંગઠન અલ-કાયદા તેના અલ-કાયદા ઈન ઇન્ડિયન સબ-કોન્ટિનેન્ટ (AQIS) દ્વારા ભારતમાં પગપેસારો કરવાની તૈયારી કરતું હોવાનાં ઇનપુટ મળ્યા હતા. ઉપરાંત, અલ-કાયદા દ્વારા આ કામની જવાબદારી એક આસિમ ઉમર નામના આતંકવાદીને અપાઈ હોવાનું પણ જણાયું હતું.
તે પહેલાં વર્ષ 2013માં પકડાયેલા ઇન્ડિયન મુજાહિદ્દીનના યાસિન ભટકલે પણ પૂછપરછમાં ભારત અને અફઘાનિસ્તાનમાં રહીને બે ભારતીયો અલકાયદાનાં ઓપરેશનો હેન્ડલ કરતા હોવાનો ખુલાસો કર્યો હતો. જેમાં ઊંડી તપાસ કરતાં ઇન્ટેલિજન્સ એજન્સીઓ મોહમ્મદ આસિફ સુધી પહોંચી હતી.
યાસિન ભટકલે જે બે ભારતીયોની જાણકારી આપી હતી, તેમાંથી મોહમ્મદ આસિફ એક હતો, જેને ભારતમાં અલ-કાયદાનાં ઓપરેશનોની જવાબદારી સોંપાઈ હતી. બીજો આતંકવાદી મૌલાના આસિમ ઉમર હતો, જે અફઘાનિસ્તાનમાં રહીને કામ કરતો હતો. વર્ષ 2019માં તે અમેરિકી સેનાના ઓપરેશનમાં માર્યો ગયો હતો. આ બંને ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છે.
આસિફની ધરપકડ બાદ તેણે આપેલી જાણકારીના આધારે દિલ્હીથી મસૂદને, ઓડિસાથી રહેમાન અને હરિયાણાના મેવાતથી સામીને પકડી લેવામાં આવ્યા હતા.
પૂછપરછમાં આસિફે જણાવ્યું હતું કે, તે અને તેના સાથીઓ જૂન 2013માં અયોતુલ્લાહ ખુમૈનીની કબરે ઝિયારત માટે જવાના બહાને ત્રણ મહિનાના ઇરાનિયન વિઝા લઈને તહેરાન જવા નીકળ્યા હતા. તેઓ પહેલાં પાકિસ્તાન ગયા બાદ ત્યાંથી ક્વેટા, પિશિન અને ગઝની થઈને દક્ષિણ વજીરિસ્તાન ગયા હતા.
જ્યાં આઠ મહિના આતંકવાદી કેમ્પમાં વિતાવ્યા બાદ આસિફને ફરી ભારત જવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં સુધીમાં ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓ તેના સુધી પહોંચી ગઈ હતી અને લગભગ એક મહિના સુધી તેને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. જ્યાંથી તેને તૂર્કી મોકલી દેવામાં આવ્યો હતો. આસિફ પાસે કોઈ ટ્રાવેલ ડોક્યુમેન્ટ ન હોવાના કારણે તેણે ભારતીય દૂતાવાસની મદદ માંગી હતી અને ભારતીય એજન્સીઓની જાળમાં ફસાઈ ગયો હતો. ત્યાંથી તેને પકડીને દિલ્હી લાવવામાં આવ્યો હતો.