હિંદુઓના સૌથી મોટા તહેવાર દિવાળી પહેલાં ફટાકડાનો મુદ્દો ફરી ચર્ચામાં છે. દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે આ વર્ષે પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના વિરોધમાં ભાજપ સાંસદ મનોજ તિવારી સુપ્રીમ કોર્ટ ગયા હતા. જોકે, કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, લોકોને સ્વચ્છ હવામાં શ્વાસ લેવા દેવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે ભાજપ સાંસદ મનોજ તિવારીની અરજી પર તત્કાલ સુનાવણીનો ઇનકાર કરીને કહ્યું કે, લોકોને ખુલ્લી હવામાં શ્વાસ લેવા દો અને એટલા રૂપિયાથી મીઠાઈ ખરીદો. ભાજપ સાંસદે ફટાકડા પર પ્રતિબંધ મૂકવાના દિલ્હી સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ભાજપ સાંસદ મનોજ તિવારીએ ફટાકડા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે અરજી કરીને ફટાકડા પરનો પ્રતિબંધ હટાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, દિલ્હી સરકારે હિંદુઓ, શીખો અને ખ્રિસ્તીઓના તહેવાર દરમિયાન ફટાકડાના ઉપયોગ, વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મૂકી દીધો છે. અનુમાન છે કે રાજ્યમાં આ વર્ષે પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ નિર્ણયના કારણે દિવાળીના દિવસે જ હિંદુઓને નિશાન બનાવવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોરોના પછી બેઠા થઇ રહેલા વેપારીઓને પણ તેનાથી મોટું નુકસાન જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પ્રદુષણ વધવાનું કારણ પરાળી છે.
જોકે, સુપ્રીમ કોર્ટે આ મામલે 10 ઓક્ટોબરના રોજ સુનાવણી હાથ ધરતાં ફટાકડા પર પ્રતિબંધના દિલ્હી સરકારના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે પ્રદુષણ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તેઓ પ્રદુષણમાં વધારો કરવા નથી માંગતા.
આજે સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો તે પહેલાં દિલ્હી હાઇકોર્ટે પણ ગુરુવારે એક આ મામલે સબંધિત અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. હાઇકોર્ટમાં કરવામાં આવેલ અરજીમાં દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટી દ્વારા લેવામાં આવેલ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતાં દિલ્હી હાઇકોર્ટે કહ્યું હતું કે, મામલો પહેલેથી જ સુપ્રીમ કોર્ટ હેઠળ વિચારાધીન છે, જેથી તેઓ સુનાવણી કરશે નહીં.
ઉલ્લેખનીય છે કે દિલ્હીની કેજરીવાલ સરકારે ફટાકડાના ઉપયોગ, વેચાણ અને ખરીદ પર પ્રતિબંધ મૂક્યો છે, એટલું જ નહીં પરંતુ ફટાકડા ફોડતા પકડાવા પર જેલ અને વેચતા પકડવા પર 3 વર્ષની સજાનું એલાન કર્યું છે.