પંજાબના ખેડૂતો ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરીને આંદોલન માટેની તૈયારી કરી રહ્યા છે. સંયુકત કિસાન મોરચા (SKM) અને કિસાન મજદૂર મોરચા સહિત 200 ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીના રોજ દિલ્હી કૂચ કરવા માટેની જાહેરાત કરી છે. ખેડૂતોએ 13 ફેબ્રુઆરીએ આ ‘ચલો દિલ્હી’ માર્ચની જાહેરાત કરી છે. જે બાદ સરકાર પણ સતર્ક થઈ ગઈ છે અને હરિયાણા-પંજાબ બોર્ડર પણ સીલ કરી દેવામાં આવી છે. સાથે અનેક જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને ઈન્ટરનેટ સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. આ કૂચનો હેતુ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માટે કાયદો બનાવવા સહિતની માંગણીઓ સાથે કેન્દ્ર સરકાર પર દબાણ ઊભું કરવાનો છે.
ખેડૂત સંગઠનોએ પંજાબના ખેડૂતોને આહ્વાન કર્યું છે કે, 10,000 ટ્રેકટર ટ્રૉલીઓ ભરીને હરિયાણામાં દાખલ થયા બાદ દિલ્હી તરફ કૂચ કરવાની છે. તે માટે શંભુ બોર્ડર, ડબવાલી બોર્ડર અને ખનૌરી બોર્ડર પસંદ કરવામાં આવી છે. જે બાદ હરિયાણા સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. હરિયાણા સરકારે ઘણા લોકોની અટકાયત કરવાની પણ શરૂ કરી દીધી છે. સાથે અંબાલામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. બીજી તરફ શંભુ બોર્ડરને પણ સીલ કરી દેવામાં આવી છે. એક નદી પર બનેલા બ્રિજને પણ સીલ કરી દેવામાં આવ્યો છે અને સાથે તેની અંદર પણ ખોદકામ કરવામાં આવ્યું છે, જેથી ખેડૂતો ટ્રેક્ટરોની મદદથી પણ ના નીકળી શકે.
હરિયાણાના 11 જિલ્લાઓમાં કલમ 144 લાગુ
હરિયાણાના અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જિંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા જિલ્લાના વિસ્તારમાં મોબાઈલ કોલને છોડીને આપવામાં આવતી ઈન્ટરનેટ સેવાઓ, બલ્ક SMS અને તમામ પ્રકારની ડોંગલ સેવાઓને સ્થગિત કરી દેવામાં આવી છે. આ આદેશ 11 ફેબ્રુઆરીના સવારે 6 વાગ્યાથી 13 ફેબ્રુઆરીની રાત્રે 11:59 વાગ્યા સુધી લાગુ રહેશે. બીજી તરફ, સુરક્ષાની બાબતોને ધ્યાને રાખીને હરિયાણાના 11 જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. અંબાલા, કુરુક્ષેત્ર, જિંદ, હિસાર, ફતેહાબાદ, સિરસા, કૈથલ, સોનીપત, ઝજ્જર, રોહતક અને પંચકુલામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
આ ઉપરાંત હરિયાણા-પંજાબ બોર્ડરને પણ બેરીકેડથી સીલ કરી દેવામાં આવી છે. ADGPએ અધિકારીઓ સાથેની બેઠક બાદ કહ્યું હતું કે, પોલીસ ફોર્સ પૂરતી છે. તમામ પોલીસ અધિકારીઓ પણ તે સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે. ત્યાં ભારે માત્રામાં પોલીસ ફોર્ડ ખડકી દેવામાં આવી છે. અનેક જગ્યાએથી રૂટ પણ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે.
DGPએ સુરક્ષા વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ
સરકારે ખેડૂતોની દિલ્હી કૂચને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. અંબાલા પોલીસે પંજાબથી આવતા માર્ગોને સીલ કરી દીધા છે અને તેના પર ત્રણ સ્તરનો પ્રતિબંધ લાદી દીધો છે. બેરિકેડ, ભારે સિમેન્ટના થાંભલા અને કાંટાળા વાયરો લગાવ્યા બાદ મોટી સંખ્યામાં સુરક્ષા દળો અને પોલીસ તૈનાત કરવામાં આવી છે. હરિયાણા સરકારના વરિષ્ઠ અધિકારીઓ પહેલેથી જ સ્થળ પર છે. શનિવારે (10 ફેબ્રુઆરી) DGP શત્રુજીત કપૂર પોતે સુરક્ષા વ્યવસ્થા જોવા પહોંચ્યા હતા અને અન્ય સ્થળોએ બેરિકેડ લગાવી દીધા હતા.
હરિયાણા પોલીસે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની 50 કંપનીઓ તૈનાત કરી છે. વિરોધ કરી રહેલા ખેડૂતોને આયોજિત માર્ચમાં પરવાનગી વિના ભાગ ન લેવા માટે કહેવામાં આવ્યું છે અને જો તેઓ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડશે તો કડક કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે.